Mon Aug 17 2026

Logo

24 કલાકમાં રાજ્યના 50 તાલુકા પૈકી 2માં જ એક ઇંચથી વધુ વરસાદ, મધ્ય ગુજરાતમાં મેઘમહેર

2026-07-30 08:37:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ રાજ્યમાં આજથી ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થશે.  છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે માત્ર બે તાલુકામાં જ એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. 48 તાલુકામાં એક ઇંચથી ઓચો વરસાદ નોંધાયો હતો. મધ્ય ગુજરાતમાં મેઘમહેર થઈ હતી.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા પ્રમાણે, દાહોદના સંજેલીમાં1.38 ઇંચ અને સિંગવડમાં 1.06 ઇંચ વરસાદ પડ્યો હતો. મહીસાગરના લુણાવાડામાં 0.98 ઇંચ, દાહોદના ઝાલોદમાં 0.87 ઇંચ, દાહોદના ગોવિંદગુરુ લીંબડીમાં 0.87 ઇંચ, ડાંગમાં 0.83 ઇંચ, સુબીરમાં 0.67 ઇંચ, સુખસરમાં 0.59 ઇંચ ઉમરપાડામાં 0.59 ઇંચ, ડેડિયાપાડામાં 0.59 ઇંચ, ગોધરમાં 0.39 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાયના અન્ય તાલુકાઓમાં ઝરમર વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગે શું કરી છે આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછાવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 31 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 ઑગસ્ટના રોજ ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટછવાયા વિસ્તારોમાં ભારેથી અત્યંત  ભારે વરસાદ પડવાની આગાહી છે.

રાજયમાં વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ગઈકાલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને 'વેધર વૉચ ગ્રુપ'ની બેઠક યોજાઈ હતી. જેમાં તમામ વિભાગના અધિકારીઓ તાત્કાલિક કલેક્ટરો સાથે બેઠક કરી પોતાના સાધનો અને ટીમોનું મેપિંગ કરી લે અને તુરંત એક્શન માટે તૈયાર રહેવા જણાવાયું હતું.

કમિશનર મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલમાં વરસાદની અત્યંત વિષમ પેટર્ન જોવા મળી રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારો જેમ કે દ્વારકા બાજુ ઓછો વરસાદ છે, તો બીજી તરફ વલસાડ અને નવસારી જેવા વિસ્તારોમાં અંદાજે 100 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. આવી વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા તમામ સંબંધિત વિભાગો, જિલ્લા કલેક્ટરો અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને હાઈ એલર્ટ પર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.