અમદાવાદઃ અમદાવામાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. શહેરમાં ચોતરફ અંધારું જ અંધારું છે. વિઝિબિલિટી ઘટી ગઈ છે, જેના નોકરી-ધંધા પર જતાં લોકોને મુશ્કેલી પડી રહી છે. અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં સૂર્યનારાયણે દર્શન દેવાના બદલે વરસાદી વાદળોથી ઘેરાયા ગયા છે. વહેલી સવારથી ઝરમર-ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
અમદાવાદના કયા કયા વિસ્તારોમાં વરસાદ
અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. શહેરમાં કર્ણાવતી ક્લબ ચાર રસ્તા, ઈસ્કોન, એસજી હાઈવે,પ્રહલાદ નગર, શેલા, બોપલ, પ્રહલાદનગર, થલતેજ, બાપુનગર, ઈન્ડિયાકોલોની, નિકોલ, ઓઢવ, આનંદનગર, જોધપુર, વેજલપુર સહિત તમામ વિસ્તારમાં વરસાદ છે. વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે. છેલ્લા બે દિવસથી અમદાવાદમાં ભારે બફારો અને ઉકળાટ અનુભવાઈ રહ્યો હતો. જોકે વરસાદી માહોલ સર્જાતા તાપમાનમાં ઘટાડો થયો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ શહેરમાં સિઝનનો સરેરાશ 71.91 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે તાલુકાઓની વાત કરવામાં આવે તો બાવળામાં 77.73 ટકા, દસ્ક્રોઈમાં 87.86 ટકા, દેત્રોજ-રામપુરામાં 90.18 ટકા, ધંધૂકામાં 108 ટકા, ધોલેરામાં 45.16 ટકા, ધોળકામાં 106.88 ટકા, માંડલમાં 108 ટકા, સાણંદમાં 55.33 ટકા, વિરમગામમાં 118.87 ટકા વરસાદ પડ્યો છે. અમદાવાદ જિલ્લામાં સિઝનનો સરેરાશ 85.50 ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં સિઝનનો કેટલો સરેરાશ વરસાદ
રાજ્યમાં સિઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં 29.05 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.65 ટકા, પૂર્વ મધ્યમાં 68.10 ટકા, સૌરાષ્ટ્રમાં 54.76 ટકા, દક્ષિણ ગુજરાતમાં 97.36 ટકા વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
આજે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, વાવ-થરાદ, બનાસકાંઠાના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.