Sun Jul 05 2026

Logo

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ! 8 જિલ્લામાં રેડ તો 11માં ઓરેન્જ એલર્ટ જાહેર

2026-07-05 08:56:00
Author: Devayat Khatana
Article Image

Ai Image


અમદાવાદ: ગુજરાતમાં આજે પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે કારણ કે  રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે રાજ્યના 6 જિલ્લામાં રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત રાજ્યના 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના પોરબંદર,દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા અને પાટણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ  નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકારના રાહત પોર્ટલ પરથી મળેલા તાજા આંકડાઓ અનુસાર, રાજ્યમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 140.24 મિમી વરસાદ નોંધાયો છે, જે સિઝનના કુલ સરેરાશ વરસાદના 15.43% જેટલો છે. નોંધનીય છે કે ગત વર્ષે આજના દિવસ સુધીમાં 361.41 મિમી (40.55%) વરસાદ પડી ચૂક્યો હતો, જેની સરખામણીમાં આ વર્ષે વરસાદની શરૂઆત થોડી ધીમી રહી છે. આજના દિવસની વાત કરીએ તો, રાજ્યના 12 જિલ્લાઓના 49 તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે, જેમાં દૈનિક સરેરાશ 1.49 મિમી રહી છે. આજે સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લામાં પડ્યો છે, જ્યાં તાલુકાદીઠ સરેરાશ 12.91 મિમી વરસાદ નોંધાયો છે. 


આજે કયા જિલ્લામાં આગાહી?
હવામાન વિભાગની આજની આગાહી અનુસાર સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા (વાવ-થરાદ સહિત), પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જેવા તમામ જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની પ્રબળ સંભાવના છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ મોટાભાગના વિસ્તારો મેઘરાજા ધમરોળશે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ મોટાભાગના સ્થળોએ તથા કચ્છ જિલ્લામાં ઘણા સ્થળોએ હળવા પવન સાથે વરસાદી માહોલ જામશે.

આટલા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી?
બીજી તરફ, હવામાન ખાતા દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદની કડક ચેતવણી જાહેર કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ આકાશી આફત બનીને અત્યંત ભારે વરસાદ તૂટી પડી શકે છે. 

જ્યારે અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આશંકા છે. આ સિવાય સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, દ્વારકા અને બોટાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વરસાદની સાથે સમગ્ર ગુજરાતમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે મધ્યમ તીવ્રતાનું વાવાઝોડું આવવાની પણ ચેતવણી આપવામાં આવી છે.