Sun Jul 05 2026

Logo

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ:  રાજ્યના 124 તાલુકામાં મેઘમહેર, રાજુલામાં સૌથી વધુ 3.74 ઇંચ વરસાદ

2026-07-04 19:56:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ગુજરાતમાં આજે પણ મેઘરાજાએ અનેક જિલ્લામાં હેત વરસાવ્યું છે. 6 વાગ્યા સુધીમાં  રાજ્યના 124 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં 3.74 ઇંચ પડ્યો છે. જ્યારે નસવારીના ગણદેવીમાં 3.66 ઇંચ, ચિખલીમાં 3.62 ઇંચ, ભાવનગરના મહુવામાં 3.23 ઇંચ, નવસારીના જલાલપોરમાં 3.03 ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યના 15 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. આ 12 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યમાં સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં 3.74 ઇંચ ખાબક્યો હતો. ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા નવસારીના ગણદેવીમાં 3.66 ઇંચ અને ચીખલીમાં 3.62 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. 

ખાસ કરીને બપોરે 2 વાગ્યા પછી રાજ્યના હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં મેઘરાજા તૂટી પડ્યા હતા. આંકડાઓ પર નજર કરીએ તો, અમરેલીના રાજુલામાં બપોરે 2 થી 6 દરમિયાન જ મોટાભાગનો વરસાદ પડ્યો હતો, જેમાં સાંજે 4 થી 6 વાગ્યાના બે કલાકમાં સૌથી વધુ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. 

આ જ પ્રમાણે, સુરતના ઓલપાડ તાલુકામાં સાંજે 4 થી 6 વાગ્યાના માત્ર બે કલાકમાં જ 2.83 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભાવનગરના મહુવામાં પણ બપોરે 2 થી 4 વાગ્યા વચ્ચે અતિભારે વરસાદ પડતાં કુલ આંકડો 3.23 ઇંચે પહોંચ્યો હતો, જ્યારે નવસારીના જલાલપોરમાં પણ બપોર પછીના સમયમાં જ સારો એવો વરસાદ થતા કુલ 3.03 ઇંચ વરસાદ નોંધાયો હતો. 

આ સિવાયના અન્ય વિસ્તારોની વાત કરીએ તો,  તાપીના સોનગઢ અને નવસારી તાલુકામાં સાંજ સુધીમાં કુલ 1.97 ઇંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથના ઊનામાં 1.38 ઇંચ, તાલાલામાં 1.34 ઇંચ અને અમરેલીના જાફરાબાદમાં પણ 1.34 ઇંચ વરસાદ નોંધાયો છે. એકંદરે, સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીના આ સમયગાળામાં રાજ્યના કુલ 124 તાલુકાઓમાં 0.04 ઇંચથી લઈને 3.74 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.