Sun Jul 05 2026

Logo

સોમનાથથી દ્વારકા જતાં મુસાફરોને રાહત! માંગરોળમાં પૂરમાં ધોવાયેલો તૂટેલો પુલ ફરી ધમધમતો થયો

2026-07-04 18:13:00
Author: Devayat Khatana
Article Image

માંગરોળ: જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં છેલ્લા બે દિવસમાં આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાય હતી. લગભગ 12 ઇંચ કરતાં વધુ પડેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં તબાહીના જ દ્રશ્યો જોવા મળ્યા હતાં. અતિભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે નેશનલ હાઈવે-51 (NH-51) પર હુસૈનાબાદ ગામ નજીક બ્રિજ પાસે માર્ગને ભારે નુકસાન પહોંચ્યું હતું. નદીના પૂરમાં આખો પૂલ ધોવાઈ ગયો હતો અને અતિ મહત્વપૂર્ણ વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.  

આ નુકસાનના પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ હાઈવે પરનો વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. હાઈવે બંધ થતાં વાહનચાલકોની સુવિધા માટે સોમનાથથી દ્વારકા તરફ જતા પ્રવાસીઓને વૈકલ્પિક માર્ગ તરીકે NH-151 અને NH-27 સોમનાથ–જેતપુર–પોરબંદર–દ્વારકાનો ઉપયોગ કરવા માટે તંત્ર દ્વારા ખાસ વિનંતી કરવામાં આવી હતી.

જોકે, હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાતા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મહત્વપૂર્ણ એવા આ નેશનલ હાઇવેને ફરી ધમધમતો કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રની આ ઝડપી કામગીરીના પરિણામે માર્ગનું સમારકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને હવે આ રૂટ પર વાહનવ્યવહાર રાબેતા મુજબ પૂર્વવત કરી દેવામાં આવતા વાહનચાલકોને મોટી રાહત મળી છે.

જો કે આજે પણ જૂનાગઢ જિલ્લાના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો હતો, મેંદરડા તાલુકાના રાજાવડ ગામ પાસે આવેલ રાજાવડ નાની સિંચાઇ યોજનામાં સતત પાણીની આવક થતાં, ડેમ 100% સુધી ભરાય ગયો છે અને હજુ પણ ડેમમા પાણીની આવક ચાલુ હોવાથી રાજાવડ, રાજેસર, આંબલા, ઢાંઢાવાડા તેમજ નોંઝણવાવ અને સાંગણસોલા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતાં.