અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન આજે હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી તેમજ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગ મુજબ બુધવાર સુધી રાજ્યમાં મેઘમહેર રહેશે.

હવામાન વિભાગે જાહેર કરેલા ચાર્ટ મુજબ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની વધારે શક્યતા દર્શાવવામાં આવી છે.

જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ અને મહીસાગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગના ચાર્ટ પ્રમાણે, આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ પટ્ટાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે અને કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પડશે. 26 થી 28 જુલાઈ વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે, પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બનાસકાંઠામાં રવિવારે ભારે વરસાદ પડી શકે છે. બુધવારે રાજ્યમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.
