અમરેલીઃ અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન બાદ પ્રાસંગિક સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ગામડાના લોકોને ઘર બનાવવા સરકાર મફત પ્લોટ આપશે તેવી જાહેરાત કરી હતી.
પાત્રતા ધરાવતાં ગ્રામીણ પરિવારોને આવાસ બનાવવા વિના મૂલ્યે પ્લોટ આપવા માટે ગ્રામ પંચાયતો પાસે ગામતળની, સરકારી પડતર કે ખરાબાની ગૌચરની પૂરતી જમીન ઉપ્લબ્દ્ધ ન હોય તો સરકાર ખાનગી જમીન ખરીદીને પણ આવા પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવશે. આ નિર્ણયને કારણે સૌને આવાસ છત્ર આપવાની વડાપ્રધાનની પ્રતિબદ્ધતામાં મોટો વેગ આવશે અને પાત્રતા ધરાવતાં જરૂરતમંદ ગ્રામીણ પરિવારોને પોતીકુ આવાસ બાંધવા માટે વિનામૂલ્યે પ્લોટ મળશે.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ કહ્યું, ગુજરાતના બંદરો માત્ર ગુજરાતના નહીં, પરંતુ સમગ્ર દેશની સમૃદ્ધિના પ્રવેશદ્વાર છે અને દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં 40% ફાળો આપી રહ્યા છે. આ દરિયાઈ શક્તિને વધુ સશક્ત બનાવવાની, દેશના વેપાર, નિકાસ અને આર્થિક વિકાસને નવી ગતિ આપવાનો આપણો સંકલ્પ છે.
આ ઉપરાંત સંબોધન દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાતના લોકો એકસાથે જોડાઈને કોઈ કામ કરે છે તો કંઈ જ અશક્ય નથી. રોકાણકારોને આકર્ષવામાં ગુજરાતને સફળતા મળી છે, અર્થવ્યવસ્થાના વેગ માટે નવા સેક્ટરનું જોડાણ, આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. આર્થિક વિકાસને નવી ગતિ આપવાનો ગુજરાતનો સંકલ્પ છે. શહેરો અને ગ્રામ્ય વિકાસ પર ગુજરાત સરકારે ભાર મૂક્યો છે, જેના કારણે આજે ગુજરાતનો વિકાસ વિશ્વની નજરમાં આવ્યો છે. વિકાસના લાભો કચ્છ જેવા જિલ્લા સુધી પહોંચ્યા છે.
મુખ્યમંત્રીએ સંબોધન દરમિયાન કહ્યું લોકોને સુરક્ષિત, સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત મજબુત રોડ નેટવર્ક મળે તે સરકારની પ્રાથમિક્તા છે. આ માટે આર એન્ડ બી હસ્તકના રાજ્યના જુદા-જુદા 214 રસ્તાઓના 2010 કિલોમીટરના નવિનીકરણ અને સુધારણા માટે 3428 કરોડ રૂપિયા ફાળવવા માં આવશે.
આ રસ્તાઓમાંથી ભારે ટ્રાફિક ધરાવતા, લાંબા સ્ટેટ હાઈવે અને જિલ્લા મુખ્ય માર્ગો માટે આઉટપુટ અને પરફોર્મન્સ રોડ કોન્ટ્રાક્ટ, પરફોર્મન્સ બેઈઝ્ડ મેઈન્ટેનન્સ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામો હાથ ધરવામાં આવશે. અત્યારે રોડ બનાવનારા કોન્ટ્રાક્ટર માટે મેઈન્ટેનન્સ લાયાબિલિટી 4 વર્ષ છે. આવા માર્ગો માટે તે લાયાબિલિટી 8થી 10 વર્ષની રાખવામાં આવી છે. સુગમ માર્ગ, સુરક્ષિત પ્રવાસ મજબૂત ગુજરાતના સંકલ્પને આ નિર્ણયથી વધુ વેગ મળશે.
..