Thu Oct 01 2026

Logo

ક્લેપ એન્ડ કટ..! : ગોલમાલ’નું ગુજરાત કનેક્શન

2026-09-25 14:27:37
Author: Sidharth Chhaya
ક્લેપ એન્ડ કટ..! : ગોલમાલ’નું ગુજરાત કનેક્શન

 સિદ્ધાર્થ છાયા

રોહિત શેટ્ટી, વિવેક ઓબેરોય

બોલિવૂડના ‘એક્શન વત્તા કોમેડી કિંગ’ રોહિત શેટ્ટી પોતાની સુપરહિટ ફ્રેન્ચાઈઝી ‘ગોલમાલ’નો પાંચમો ભાગ લઈને આવી રહ્યા છે. જોકે, આ વખતે તેમણે દિવાળીના ફટાકડા ફોડવાને બદલે 8 જાન્યુઆરી 2027ની તારીખ પસંદ કરી છે. સામાન્ય રીતે દિવાળી પર હાસ્યના ફટાકડા ફોડતી આપણી આ ગોલમાલ ગેંગ જાન્યુઆરીના ઠંડા વાતાવરણમાં કેમ આવી રહી છે, તેનું રસપ્રદ કારણ જાણીને તમે પણ કહેશો વાહ રોહિતભાઈ, દિમાગ તો જોરદાર દોડાવ્યું હોં!

અંદરની ખબર એવી છે કે આ આખીય રમત પાછળ ‘ગુજરાત ફેક્ટર’ કામ કરી ગયું છે. રોહિતભાઈ સારી રીતે જાણે છે કે ગુજરાતી દર્શકો તેમની ફિલ્મો પર હંમેશાં ઓળઘોળ રહ્યા છે. 8 જાન્યુઆરીએ ફિલ્મ રજૂ થાય એટલે પહેલાં વીકઍન્ડમાં તો દર્શકો થિયેટર ગજવશે જ. ત્યારબાદ બીજા અઠવાડિયે 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ અને વાસી ઉત્તરાયણની જબરદસ્ત રજાઓ આવશે. ગુજરાતીઓ ધાબે પતંગ ચગાવી, તલસાંકળી અને ઊંધિયું-જલેબી ઝાપટીને સીધા સિનેમાઘરો તરફ દોટ મૂકશે! 

બોક્સ ઑફિસ પર કમાણીની પતંગ આકાશે ચડાવવાનો આનાથી શ્રેષ્ઠ પ્લાન બીજો કયો હોઈ શકે?

ડિસેમ્બરની મોટી ફિલ્મોનો ક્રેઝ પણ ત્યાં સુધીમાં પૂરો થઈ ગયો હશે. વળી, 21 જાન્યુઆરીએ સંજય લીલા ભણસાલીની ‘લવ ઍન્ડ વોર’ આવે તે પહેલાં ‘ગોલમાલ 5’ને પૂરા બે અઠવાડિયાનું મોકળું મેદાન મળી જશે. ટૂંકમાં કહીએ તો, ગુજરાતના વેપારી જેવી પાકી ગણતરી કરીને રોહિત શેટ્ટીએ આ તારીખ નક્કી કરી છે. હવે જોવાનું એ રહેશે કે ઉત્તરાયણના આ મહાપર્વ પર અજય દેવગનની ટોળકી બોક્સ ઑફિસ પર કેટલી સંખ્યામાં ‘કાપ્યો છે!’ના પોકારો પડાવે છે!

બિપાશાના ઘેર ભજવાયો હોરર-શો ...

બોલિવૂડની ‘ડસ્કી બ્યુટી’ અને અલ્ટીમેટ ફિટનેસ ક્વીન બિપાશા બસુ પોતાની પડદા પરની કેટલીક હોરર ફિલ્મો માટે જાણીતી છે, પણ તાજેતરમાં તેના પોતાના રસોડામાં જ એક રિયલ ટાઈમ હોરર સીન ભજવાઈ ગયો!. વાત જાણે એમ બની કે, બિપાશાએ ભારે હોંશથી એક જાણીતી બ્રાન્ડનો પ્રોટીન પાઉડરનો નવોનક્કોર સીલપેક ડબ્બો ખોલ્યો. તેને આશા હતી કે રોજિંદા વર્કઆઉટ પછી મસ્ત હેલ્ધી પ્રોટીન શેક પીવા મળશે. પણ અરે રે, ડબ્બો ખોલતાં જ અંદરથી પાઉડરની સાથે નાના-નાના જીવતા કીડાઓનું આખું સરઘસ બહાર નીકળી આવ્યું!

આ દૃશ્ય જોઈને બિપાશાનો પિત્તો ગયો. તેણે તરત જ આંગળી પર સળવળતો કીડો બતાવીને વીડિયો બનાવ્યો અને સોશ્યલ મીડિયા પર શેર કરી દીધો. એટલું જ નહીં, તેણે આજકાલ સમાચારમાં સ્થાન જમાવી ચુકેલા ‘મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (ઋઉઅ)’ કમિશનર તુકારામ મુંઢે સાહેબને ટેગ કરીને ગુહાર લગાવી કે, સાહેબ, હવે તમે જ અમારો એકમાત્ર આશરો છો, જેથી ખરીદેલી વસ્તુઓમાં આવું ખરાબ કે ભેળસેળિયું ખાવાનું ન મળે.

બિપાશાના આ ધડાકા પછી કંપની પણ એકદમ હરકતમાં આવી ગઈ. કંપનીએ તાબડતોબ ખુલાસો કરતાં કહ્યું કે, અમે સેલિબ્રિટી ક્ધઝ્યુમરનો સંપર્ક કર્યો છે અને અમારી ક્વૉલિટી ટીમ આ પેકેટની તપાસ કરી રહી છે. બોલિવૂડ  સ્ટાર્સ બોડી બનાવવા હજારો રૂપિયાના ડબ્બા ખરીદે, પણ બદલામાં જો આવું ‘લાઈવ પ્રોટીન’ મળે તો બિચારી બિપાશા તો શું, કોઈ પણ ફિટનેસ પ્રેમી રાડ પાડી ઊઠે ને! 

એ પોતાનું વચન ન ચૂક્યો

બોલિવૂડની ઝાકઝમાળ ભરેલી દુનિયામાં માત્ર ગ્લેમર જ નહીં, ક્યારેક અત્યંત હૃદયસ્પર્શી સંવેદના પણ જોવા મળે છે.

અભિનેતા વિવેક ઓબેરોયે પોતાના 50મા જન્મદિવસે અને કૅન્સર રોઝ ડે નિમિત્તે એક એવો ઉમદા નિર્ણય લીધો છે, જે સાચે જ પ્રશંસાને પાત્ર છે. વિવેકે નીતિશ તિવારીની બહુચર્ચિત મેગા ફિલ્મ ‘રામાયણ’માંથી મળેલી પોતાની સમગ્ર ફી કૅન્સર સામે ઝઝૂમી રહેલાં 50 નિર્દોષ બાળકોની સારવાર માટે દાનમાં આપી દીધી છે.

વાસ્તવમાં, વિવેકે ગયા વર્ષે જ આ ઉમદા વિચાર વ્યક્ત કરતાં પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાને સ્પષ્ટ કહી દીધું હતું કે તે આ ઐતિહાસિક પ્રોજેક્ટમાંથી એક પણ રૂપિયો પોતાના ઘરે નહીં લઈ જાય. તેમણે ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે લઈ જતા આ ભવ્ય સપનાનો ભાગ બનવાની સાથે પોતાની બધી કમાણી કૅન્સર પીડિત બાળકોના જીવનરક્ષણ માટે વાપરવાનો પાકો કોલ આપ્યો હતો. હવે પોતાના આ મહત્ત્વપૂર્ણ જીવનપડાવ પર તેમણે આપેલું વચન પૂરું કરીને ખરા અર્થમાં સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આમ તો વિવેક ઓબેરોય વર્ષોથી કૅન્સરગ્રસ્ત દર્દીઓની સેવા અને સહાય સાથે સક્રિયપણે સંકળાયેલા રહ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જન્મદિવસના સેલિબ્રેશનની અનેક રીતો જોવા મળે છે, પરંતુ પોતાની સોનેરી પચાસમી વર્ષગાંઠે 50 માસૂમ બાળકોને નવજીવન અને આશાનું કિરણ આપવું, એ સંવેદનશીલતાનું એક અનોખું શિખર છે. પડદા પર ભૂમિકાઓ ગમે તેવી ભજવી હોય, વાસ્તવિક જીવનમાં વિવેકે પોતાનું વચન પાળીને અને ખરેખર ‘રિયલ હીરો’ બનીને લોકોનાં દિલ જીતી લીધાં છે.


કટ એન્ડ ઓકે...
‘મિર્ઝાપુર ધ મૂવી’ની અસામાન્ય સફળતાનો સ્વાદ મમળાવ્યા બાદ પંકજ ત્રિપાઠીને 2027ના ‘આઈફા ડિજીટલ અવૉર્ડ્સ’ જે ઇત્તિહાદ એરીના, અબુધાબીમાં આયોજિત થશે તેની યજમાની કરવાનું સન્માન મળ્યું છે.