Mon Oct 05 2026

Logo

થાણેમાં શિવસેના નેતા પૂર્ણેકર હત્યા કેસ: 'યા તો અધ્યાય સમાપ્ત...' છેલ્લું વ્હોટ્સએપ સ્ટેટસ વાઈરલ; થાણેમાં ખળભળાટ...

2026-10-01 15:44:20
Author: Darshana Visaria
થાણેમાં શિવસેના નેતા પૂર્ણેકર હત્યા કેસ: 'યા તો અધ્યાય સમાપ્ત...' છેલ્લું વ્હોટ્સએપ સ્ટેટસ વાઈરલ; થાણેમાં ખળભળાટ...

થાણેઃ મુંબઈ નજીક આવેલા થાણે સ્થિત માનપાડા વિસ્તારમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે ના વિભાગ પ્રમુખ પ્રદીપ પૂર્ણેકરની તેમની જ ઓફિસમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવતાં રાજકારણ ગરમાયું છે. આ મામલે હવે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. મંગળવારે રાત્રે બનેલી આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ પૂર્ણેકરને હોસ્પિટલ લઈ જવાય તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું. આ બધા વચ્ચે પૂર્ણેકરનું છેલ્લું વોટ્સએપ સ્ટેટસ ચર્ચામાં આવ્યું છે. આવો જોઈએ શું ખાસ હતું આ વોટ્સએપ સ્ટેટ્સમાં...

આ હત્યાકાંડ બાદ થાણેમાં ઠાકરે જૂથ અને શિંદે જૂથ વચ્ચે ભારે રાજકીય તણાવ સર્જાયો છે. આ સમગ્ર ઘટના વચ્ચે પ્રદીપ પૂર્ણેકરનું છેલ્લું વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાનો વિષય બન્યું છે, જે કોઈ મોટો સંકેત આપી રહ્યું હતું.

છેલ્લા વ્હોટ્સએપ સ્ટેટસમાં શું હતું?

હત્યાના થોડા સમય પહેલાં પૂર્ણેકરે સોશિયલ મીડિયા પર એક વીડિયો સ્ટેટસ શેર કર્યું હતું, જેમાં તેમના ફોટોની પાછળ એક હિન્દી ઓડિયો ક્લિપ વાગી રહી હતી. સ્ટેટસમાં બોલાયેલા શબ્દો હતા કે એક બડા દાવ ખેલના હૈ ઇસ બાર! જ્યાદા સે જ્યાદા ક્યા હોગા યા તો અપના અધ્યાય સમાપ્ત, યા ફિર એક નયા અધ્યાય કા પ્રારંભ. (આ વખતે એક મોટો દાવ ખેલવો છે! વધુમાં વધુ શું થશે કાં તો આપણો અધ્યાય સમાપ્ત થશે, અથવા એક નવા અધ્યાયની શરૂઆત થશે.) 

સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં પૂર્ણેકરની હત્યા અને તેના છેલ્લાં વોટ્સએપ સ્ટેટ્સને લઈને અલગ અલગ અટકળો લગાવી રહ્યા છે. શું પૂર્ણેકરને પોતાના પર હુમલો થવાની કે જીવના જોખમની અગાઉથી ગંધ આવી ગઈ હતી? શું તેઓ કોઈ મોટો પર્દાફાશ કરવા જઈ રહ્યા હતા? પોલીસ હવે આ રહસ્યમય સ્ટેટસની દિશામાં પણ તપાસ કરી રહી છે.

થાણે પોલીસે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને એક મહિલા સહિત બે શંકાસ્પદોની ધરપકડ કરી છે. કેસનો મુખ્ય આરોપી પપ્યા શિંદે હાલ પોલીસ કસ્ટડીમાં છે અને અદાલતે તેને રિમાન્ડ પર મોકલ્યો છે. પોલીસ અંગત અદાવત, ગેંગવોર અને રાજકીય દુશ્મનાવટ સહિતના તમામ પાસાઓ પર પૂછપરછ કરી રહી છે.

શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે ગંભીર આક્ષેપ કર્યો કે પૂર્વ મેયર મીનાક્ષી શિંદે અને તેમના પતિએ જ આ હત્યા કરાવી છે. રાઉતે દાવો કર્યો કે પ્રદીપ પૂર્ણેકરે વિસ્તારમાં ડ્રગ્સ માફિયાઓ અને ગેરકાયદે ક્લસ્ટર ડેવલપમેન્ટ સામે મોરચો માંડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે થાણેની હાલત હવે બિહાર અને બીડ કરતાં પણ બદતર બની ગઈ છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયા છે. બીજી તરફ, મીનાક્ષી શિંદેએ પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે.

પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વિભાગ પ્રમુખોની બેઠકમાં જણાવ્યું કે, "થાણેમાં ગુંડાગીરી અને દમનકારી નીતિ ચાલી રહી છે. તેમની આ દાદાગીરી લાંબો સમય નહીં ચાલે, આપણે તેનો જડબાતોડ જવાબ આપીશું. પક્ષ પ્રદીપ પૂર્ણેકરના પરિવારની પડખે મજબૂતીથી ઊભો રહેશે."