Tue Oct 06 2026

Logo

ગુજરાતના કંડલા બંદરે પૂણે DRIના દરોડા, પાકિસ્તાની સેંધા નમકનું ગેરકાયદે આયાત કૌભાંડ ઝડપાયું

2026-10-01 16:10:47
Author: Chandrakant Kanoja
ગુજરાતના કંડલા બંદરે પૂણે DRIના દરોડા, પાકિસ્તાની સેંધા નમકનું ગેરકાયદે આયાત કૌભાંડ ઝડપાયું

કંડલા : ગુજરાતના  કંડલા બંદરે પૂણે ડીઆરઆઈ દ્વારા દરોડા પાડીને  પાકિસ્તાની સેંધા નમકનું ગેરકાયદે આયાત કૌભાંડ ઝડપી પાડ્યું છે. જેમાં દેશમાં પુલવામા હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાનથી આયાત થતી તમામ ચીજવસ્તુઓ પર લાદવામાં આવેલા 200 ટકા કસ્ટમ ડ્યુટીના પ્રતિબંધોને નેવે મૂકી ગેરરીતિ આચરવાનું વધુ એક મોટું કૌભાંડ કંડલા બંદરે ઝડપાયું છે. જેમાં પૂણે સ્થિત ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સની ટુકડીએ દરોડો પાડીને પાકિસ્તાની મૂળના "રોક સોલ્ટ" (સેંધા નમક)થી ભરેલાં પાંચ કન્ટેનરો જપ્ત કરી લીધાં છે.

શંકાસ્પદ કન્ટેનરોનું બારીકાઈથી સ્કેનિંગ અને ભૌતિક નિરીક્ષણ શરૂ

ડીઆરઆઈના વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એક મહિલા આયાતકાર દ્વારા સરકારી નિયમો અને આર્થિક પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાની મૂળનું રોક સોલ્ટ ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ ગુપ્ત બાતમી પૂણે ડીઆરઆઈને મળી હતી જેના આધારે પૂણેથી આવેલી વિશેષ ટીમે છેલ્લા ત્રણ દિવસથી કંડલા બંદર ખાતે ધામા નાખીને શંકાસ્પદ કન્ટેનરોનું બારીકાઈથી સ્કેનિંગ અને ભૌતિક નિરીક્ષણ શરૂ કર્યું હતું.

પાકિસ્તાની રોક સોલ્ટ ભરેલાં 5  કન્ટેનરો સીઝ કર્યાં

આ સઘન તપાસ દરમિયાન ટીમે પાકિસ્તાની રોક સોલ્ટ ભરેલાં 5  વિશાળ કન્ટેનરો શોધી કાઢી તેને સીઝ કર્યાં હતાં. જપ્ત કરાયેલા આ જથ્થાની આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજાર કિંમત આશરે રૂ. ૨૫ લાખ આંકવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ભારે ડ્યુટી ચોરી કરવાના ઇરાદે માલને કાગળો પર કોઈ ત્રીજા દેશમાંથી આયાત થયો હોવાનું દર્શાવી દેશમાં ઠાલવવાનો પ્રયાસ કરાયો હતો.

બે શખ્સોની ડીઆરઆઈએ અટકાયત કરી 

આ કૌભાંડમાં કસ્ટમ ક્લિયરન્સ અને કાર્ગો હેન્ડલિંગની મુખ્ય ભૂમિકા ભજવનારા કસ્ટમ હાઉસ એજન્ટ (સીએચએ) તરીકે કામ કરતા શેરારામ નામના શખ્સ તેમજ જય નામના અન્ય એક સાથીદારની ડીઆરઆઈએ અટકાયત કરી છે. આયાતકાર મહિલા સહિત ઝડપાયેલા બંને શખ્સોની આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ અને ખોટા દસ્તાવેજીકરણ મામલે ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે. આ બનાવના પગલે કંડલા અને મુંદરા બંદરો પર કસ્ટમ્સ અને કેન્દ્રીય એજન્સીઓએ આયાત થતા માલસામાનનું સઘન ચેકિંગ શરૂ કરી દીધું છે.

(ઉત્સવ વૈધ)