નવી દિલ્હી: સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી)એ પહેલી ઓક્ટોબર 2026ના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કર્યાં છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોગના શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થયા છે. આ શતાબ્દીની સફરમાં દેશની સિવિલ સર્વિસમાં મહિલાઓની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થયો છે.
મળતી માહિતી દર્શાવે છે કે 1952માં સિવિલ સર્વિસ પરીક્ષામાં ભલામણ કરાયેલા 83 ઉમેદવારોમાંથી માત્ર 3 મહિલા હતી, જ્યારે સીએસઈ 2025માં કુલ 958 સફળ ઉમેદવારમાંથી 299 મહિલા હતી. એટલે મહિલા ઉમેદવારોની ભાગીદારી લગભગ 31.2 ટકા થઈ છે.
ક્યારે થઈ યુપીએસસીની સ્થાપના?
યુપીએસસીની સ્થાપના 1 ઓક્ટોબર 1926ના બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં પ્રથમ પબ્લિક સર્વિસ કમિશન તરીકે થઈ હતી. સમય જતાં આ સંસ્થા વિકસીને સંઘ લોક સેવા આયોગ એટલે કે યુપીએસસી બની હતી. આજે આયોગ કેન્દ્ર સરકારની વિવિધ સેવાઓ અને પદો માટે ભરતી પરીક્ષાઓ યોજે છે.
યુપીએસસીની શતાબ્દી નિમિત્તે 1 ઓક્ટોબર 2025થી 1 ઓક્ટોબર 2026 સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે શતાબ્દી સમારોહનું આયોજન નવી દિલ્હીના ભારત મંડપમમાં કરવામાં આવ્યું છે.
1952 માં ફક્ત ત્રણ મહિલાઓ સફળ થઈ
1952નો આંકડો મહિલા પ્રતિનિધિત્વની સ્થિતિ દર્શાવે છે. તે વર્ષે સિવિલ સર્વિસ પરીક્ષામાં કુલ 83 ઉમેદવારોની નિમણૂક માટે ભલામણ કરવામાં આવી હતી, જેમાં માત્ર 3 મહિલાઓ હતી. એટલે સફળ ઉમેદવારોમાં મહિલાઓનો હિસ્સો આશરે 3.6 ટકા હતો ત્યાર બાદના દાયકાઓમાં શિક્ષણ અને સરકારી સેવાઓમાં મહિલાઓની ભાગીદારી વધતી ગઈ અને યુપીએસસી મારફતે સિવિલ સર્વિસમાં પણ તેનું પ્રતિબિંબ જોવા મળ્યું હતું.
આ બદલાવનું વધુ સ્પષ્ટ ચિત્ર સીએસઈ 2025ના પરિણામોમાં જોવા મળે છે. 2025માં કુલ 958 ઉમેદવારોની નિમણૂક માટે ભલામણ કરવામાં આવી હતી, જેમાં 299 મહિલાઓ હતી. આ પ્રમાણે કુલ સફળ ઉમેદવારોમાં મહિલાઓનો હિસ્સો 31.2 ટકા રહ્યો. એટલે 1952ના આશરે 3.6 ટકાની સરખામણીએ સાત દાયકાથી વધુ સમયમાં મહિલા પ્રતિનિધિત્વમાં મોટો વધારો નોંધાયો છે.
યુપીએસસીની 100 વર્ષની સફરમાં ભરતી પ્રક્રિયા, પરીક્ષા વ્યવસ્થા અને ઉમેદવારોની ભાગીદારીમાં અનેક ફેરફારો થયા છે. 1952માં 83 ભલામણ કરાયેલા ઉમેદવારોમાંથી માત્ર 3 મહિલાઓથી શરૂ થયેલી આ સફર હવે સીએસઈ 2025માં 958માંથી 299 મહિલાઓ સુધી પહોંચી છે. આ આંકડા ભારતીય સિવિલ સર્વિસમાં બદલાતા મહિલા પ્રતિનિધિત્વની એક મહત્વપૂર્ણ તસવીર રજૂ કરે છે.
એક દાયકામાં વધી ભાગીદારી
માત્ર લાંબા ગાળામાં જ નહીં, છેલ્લા એક દાયકામાં પણ આ ભાગીદારીમાં વધારો નોંધાયો છે. સરકારના જણાવ્યા મુજબ, લગભગ એક દાયકા પહેલાં સિવિલ સર્વિસીસ પરીક્ષામાં સફળ ઉમેદવારોમાં મહિલાઓનો હિસ્સો આશરે 20 ટકા હતો, જે હવે 30 ટકાને પાર પહોંચી ગયો છે. સીએસઈ 2025માં ટોચના પાંચ સફળ ઉમેદવારોમાં એક મહિલા સામેલ રહી હતી.