સંજય છેલ
પૌરાણિક ફિલ્મો ક્યારેય જૂની નથી થતી, કારણ કે જીવનમાં ભય, આકાંક્ષા અને શ્રદ્ધા ક્યારેય બદલાતાં નથી.
જ્યારે જ્યારે અભિનેતા પર ભગવાનનો મુગટ ચડે ત્યારે દર્શકો થિયેટરને મંદિર માની બેસે છે.
આંધ્રપ્રદેશના થિયેટરમાં અભિનેતા એન.ટી. રામારાવ, સ્ક્રીન પર ભગવાન શ્રીકૃષ્ણ રૂપે પિતાંબર ને મુકુટમાં જેવા પ્રગટ થયા, પ્રેક્ષકોમાંનાં ભક્તો એટલા ભાવવિભોર થઈ ગયા કે એ લોકોએ પડદા પર ભગવાનનાં ચરણોમાં નારિયેળ વધેરવા ફેંક્યા ને પડદો ફાટી ગયો! સાઉથ ઇન્ડિયામાં એનટીઆર અને એમ.જી. રામચંદ્રને એટલી બધી પૌરાણિક ફિલ્મોમાં ભગવાનના રોલ કર્યા કે લોકો ખરેખર તેમને ભગવાન માનવા લાગેલા. પછી તો એક્ટરો પોતે પણ ખુદને ભગવાન માનવા લાગેલા!
પોતાના ‘ફેન ક્લબ’ રચીને દાનધર્મ કરતા ને ‘દરીદ્રનારાયણ’ તરીકે પૂજાતા. ભગવાન જેવા સ્ટાર લોકો પાછા ચૂંટણી પણ લડતા ને એના પ્રચારમાં ભોળા લોકો સ્ટાર્સને દેવતા સમજીને ચરણ સ્પર્શ કરવા ભગદડ મચાવતા, જીવતા કચડાઇ જતા! ત્યારે સાચા કે ખોટા કોઇ ભગવાન, ભક્તોને બચાવી શકતા નહીં.
1913માં દાદાસાહેબ ફાળકેએ બનાવેલી પહેલી મૂંગી ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ ધર્મ, આસ્થા ને ચમત્કારોથી ભરપૂર હતી. એ જમાનામાં લોકો રાજા હરિશ્ચંદ્ર ને તારામતીના દુ:ખ જોઈને રડી પડતાં અને આદર્શ જીવન જીવવા પ્રેરાતા. ખુદ ગાંધીજી, ફિલ્મોને ‘સમયનો વેડફાટ’ ગણતા પણ પોતે લાઇફમાં એક જ વાર ‘બૈજુ બાવરા’ જેવી અનેક હિટ ફિલ્મોના ગુજરાતી ફિલ્મકાર વિજય ભટ્ટની ફિલ્મ ‘રામરાજ્ય’ માટે સમય ફાળવેલો ખરો!
છેક 1913થી આજે 2026માં પણ આવી આસ્થાને કારણે જ નીમ કરોલી બાબાના જીવનથી પ્રેરિત ‘હનુમાન અંશ’ જેવી નાનકડી ફિલ્મ સુપર હિટ થઇ જ છેને? માઇથોલોજીકલ સિનેમાનો જાદૂ માત્ર હિંદી કે સાઉથમાં નહીં, પણ ભારતભરમાં રહ્યો છે. પંજાબી સિનેમામાં 1969ની ‘નાનક નામ જહાજ હૈ’ સૌથી મોટી હિટ ગણાય છે. જેને જોવા થિયેટરની બહાર લોકો ચંપલ ઉતારતા, હોલ ગુરુદ્વારામાં ફેરવાઈ જતો. ગુજરાતી ફિલ્મોમાં 1970-80માં જય દ્વરકાધીશ, ગોરા કુંભાર, મેલડી માતા, જય જલારામ, ખોડિયાર માતા..થી માંડીને જેટલા દેવી, દેવતા સંતો, માતાઓ ખરેખર બ્રહ્માંડમાં નહીં હોય એનાથીયે વધારે ચમત્કારો,પરચાઓવાળી ફિલ્મો બની છે. છેલ્લે હમણાં ‘લાલો’ ફિલ્મ 100 કરોડ કમાઇ ચૂકી છે. એ આસ્થાવાન ગુજજુઓનું લેટેસ્ટ ઉદાહરણ છે.
1975માં જ્યારે ‘શોલે’ સુપહિટ થયેલી ત્યારે સામે માંડ 45 લાખના ખર્ચે બનેલી ‘જય સંતોષી મા’ ફિલ્મે ‘શોલે’ને બોક્સઓફિસ પર પછાડી મૂકેલી. જેમાં કવિ પ્રદીપનાં અદ્ભુત ગીતો હતાં જેમાં ભક્ત, ઈશ્વરને ખુલ્લી ચેલેંજ આપે છે કે ‘આજ કહીં બદનામ ના હોવે, મેરા તુમ્હારા યહાં નાતા... ઓ માતા! મદદ કરો સંતોષી માતા..!’ વળી એમાં જ ‘મેં તો આરતી ઉતારું રે સંતોષી માતા કી...’ ને ‘યહાં વહાં જહાં તહાં...’ જેવાં ભજનો ગીતો સુપરડુપર હિટ હતાં.. સંતોષી મા ફિલ્મની એવી તે અસર હતી કે દેશભરની ક્ધયાઓ ને મહિલાઓ સળંગ 16 શુક્રવાર ‘સંતોષી માતાનું વ્રત’ કરતી, જેમાં ખાટી વસ્તુઓ ખાવાની મનાઈ હતી. એ ફિલ્મમાં સૌથી વિચિત્ર વાત એ હતી કે લક્ષ્મી, સરસ્વતી ને પાર્વતી જેવી દેવીઓ એ ફિલ્મમાં ખલનાયિકાઓ હતી! એક સામાન્ય સ્ત્રીની સંતોષી માતા માટેની ભક્તિથી અને સંતોષી માતાનાં પરચાઓથી આ ત્રિદેવીઓ ઇનસિક્યોર થઇ જલી ઊઠે છે અને ભક્તાણી હીરોઇનનાં વ્રતમાં ને જીવનમાં અનેક અડચણો ઊભી કરે છે! વિચારો, આજના હાઇપર ધાર્મિક સમયમાં કોઈ દેવીઓને આવી નકારાત્મક ભૂમિકામાં દેખાડવાની હિમ્મત પણ કરે? મુંબઇમાં મહાલક્ષ્મી સ્ટેશન પાસે પારસીબાવાની ન્યૂ શીરીન ટોકિઝમાં પાંચ વરસ આ ફિલ્મ સતત હાઉસફૂલ ચાલેલી, જ્યાં બ્હાર નાળિયેર, ફૂલહારવાળા અને પ્રસાદવાળાઓની દુકાનો ઊભી થયેલી. પણ કરોડો કમાનાર સંતોષી માતા ફિલ્મનાં ગરીબ નિર્માતાએ સાવ સસ્તામાં ડિસ્ટ્રિબ્યૂટરોને ફિલ્મ વેંચી નાખેલી ને સંતોષી માતા ફિલ્મનાં ખુદ નિર્માતાને જ ફળ્યા નહોતા!
વળી આપણી ધાર્મિક ફિલ્મોમાં એકના એક જ કલાકારો દેખાતા જેમ કે અભિ ભટ્ટાચાર્ય, વિશ્વજીત, નલીની જયવંત, ત્રિલોક કપૂર, મહિપાલ, નિરુપા રોય, નિતા ગુહા, ભારત ભૂષણ, કાનન કૌશલ, દુર્ગા ખોટે, જયશ્રી ગડકર વગેરે વગેરે.. ઇવન નં. 1 હીરોઇન મીનાકુમારીએ પણ ‘વીર ઘટોત્કચ’
જેવી ફિલ્મોમાં કામ કરેલું! બોલિવૂડના સ્ટાઇલિશ વિલન જીવન સાહેબે તો પૌરાણિક ફિલ્મોમાં કુલ 49 વખત નારદનું પાત્ર ભજવવાનો રેકોર્ડ સર્જેલો ! વીણા વગાડતા ‘નારાયણ... નારાયણ...’ બોલવું આજ સુધી લોકોને યાદ છે. એ જ રીતે દારા સિંહે ‘બજરંગબલી’ સહિત અનેક ફિલ્મોમાં હનુમાનજીના રોલ કરીને અસલી પવનપુત્ર તરીકે ઓળખ મેળવેલી.
1985માં દૂરદર્શન પર ‘રામાયણ’ સિરિયલ આવતી ત્યારે ગામડાના ખેતરની આસપાસ મેળો જામતો.
ખાટલા ગોઠવવાતા ને સો-બસો લોકો હાથ જોડીને ટીવી સામે બેસતા. અરુણ ગોવિલ જ્યારે રામના રૂપે દેખાતા ત્યારે લોકો ટીવી સામે અગરબત્તી પ્રગટાવતા. અરુણ ગોવિલને રામ સમજીને 80-90 વરસના વૃદ્ધોને પગે પડતા મેં સગી આંખે જોયા છે.
1978માં અભિનેતા,નિર્માતા, નિર્દેશક મનોજ કુમારની ‘શીરડીવાલે સાંઇબાબા’ ફિલ્મ પછી જ સાંઇબાબાનું નામ દેશભરમાં ગાજેલું. વળી મનમોહન દેસાઇની મસાલા ફિલ્મ ‘અમર અકબર એંથની’ ફિલ્મમાં આનંદ બક્ષીએ લખેલ ‘શીરડીવાલે સાંઇબાબા’ કવ્વાલી આજેય મુંબઇની લોકલ ટ્રેનમાં ભિક્ષા માગવા માટે અચૂક ગવાય છે. એ ભજનકમ કવ્વાલીમાં ‘લબ પે દુઆએં, આંખોં મેં આંસુ, દિલ મેં ઉમ્મિદે પર ઝોલી ખાલી!’ લખીને બક્ષીજીએ ભક્તની પીડા આબાદ વ્યક્ત કરી છે.
બીજી તરફ, હોલિવુડમાંયે ધાર્મિક ફિલ્મોની ઘેલછા ઓછી નથી. સેસિલ બી. ડિમિલની ફિલ્મ ‘ધ ટેન કમાન્ડમેન્ટ્સ’ અને વિલિયમ વાયલરની મેગા-હિટ ફિલ્મ ‘બેનહર’ એ બાઇબલની ગાથાઓ પરથી જ બનેલી. જોકે સમય બદલાતા 1980ના દાયકા બાદ ધાર્મિક ફિલ્મો ઓછી બનવા લાગી ને ટીવી પર 45 મહાદેવ, 23 દેવીદેવતાઓ અને સાંઇબાબા પર સિરિયલો આવે જ રાખે છે.
ક્યારેક આસ્થા સાથે ચેડાં થવાના ઊલટા પરિણામ પણ આવ્યાં. 2014માં સંતોષી માતા ફિલ્મની રીમેક બની ત્યારે માતાજીનો રોલ કરનાર હીરોઇનનો જ કોઇ અશ્ર્લીલ ફિલ્મનો વીડિયો વાઇરલ થઇ ગયેલો ને ત્યારે પણ નિર્માતાને અસલી માતા પણ બચાવી શકેલા નહીં! તાજેતરની સેંકડો કરોડોમાં બનેલ ફિલ્મ ‘આદિપુરુષ’ પણ ધાર્મિક ભાવના દુખાવાનુ મોટું ઉદાહરણ છે, જે આધુનિક પોશાક ને વાહિયાત સંવાદોને કારણે બોક્સ ઓફિસ પર બૂરી રીતે પછડાઈ ને વખોડાઇ. એવા જ અનેક વિવાદ રણબીર કપૂરને પ્રભુ શ્રીરામ તરીકે ચમકાવતી આગામી ફિલ્મ ‘રામાયણ’ વિશે અત્યારથી થઇ રહ્યા છે, પણ આસ્થા ને સિનેમાનું મિશ્રણ વચ્ચે વચ્ચે બોક્સઓફિસ પર પરચો દેખાડે છે.