Sat Sep 05 2026

Logo

પિકનિક માટે ગણપતિપુળે આવેલા પાંચ યુવાન દરિયામાં ડૂબ્યા: એકની લાશ મળી

2026-06-20 19:37:54
Author: Yogesh C. Patel
પિકનિક માટે ગણપતિપુળે આવેલા પાંચ યુવાન દરિયામાં ડૂબ્યા: એકની લાશ મળી

રત્નાગિરિ: લાઈફગાર્ડની ચેતવણી છતાં દરિયામાં તરવા ગયેલા પાંચ યુવાન ડૂબી ગયા હોવાની ઘટના રત્નાગિરિ જિલ્લાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગણપતિપુળેમાં બની હતી. સવારે બનેલી ઘટના બાદ મોડી સાંજે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે ચારની શોધખોળ ચાલી રહી હતી.

જયગડ પોલીસે આપેલી માહિતી અનુસાર છત્રપતિ સંભાજીનગરમાં રહેતા 19 યુવાનોનું ગ્રૂપ પિકનિક માટે શનિવારની સવારે ગણપતિપુળે આવ્યું હતું. ચોમાસાના આગમનને કારણે સમુદ્રમાં ઊંચાં મોજાં ઊછળતાં હોવાથી યુવાનોને તરવાની ના પાડવામાં આવી હતી. 

અધિકારીએ જણાવ્યું હતું કે દરિયાકિનારે ઠેર ઠેર સતર્કતા ખાતર બોર્ડ લગાવવામાં આવ્યાં છે. એ સિવાય લાઈફગાર્ડે યુવાનોને દરિયામાં ઊતરવાની મનાઈ કરી હતી. પરંતુ લાઈફગાર્ડ સાયરન વગાડવા ગયો ત્યારે સવારે 9.45 વાગ્યાની આસપાસ અમુક યુવાનો દરિયામાં કૂદ્યા હતા. 

કહેવાય છે કે સમુદ્રમાં ભરતી અને તોફાની પવનને કારણે મોજાં ઊછળતાં હતાં. મોજાંનો અંદાજ ન આવતાં આઠ યુવાન ડૂબવા લાગ્યા હતા. કિનારે ઊભેલા તેમના મિત્રોએ મદદ માટે બૂમાબૂમ કરી મૂકતાં લાઈફગાર્ડ અને અમુક માછીમારો દોડી આવ્યા હતા. યુવાનોને બચાવવા લાઈફગાર્ડ અને માછીમારો પણ દરિયામાં ગયા હતા. ત્રણ યુવાનને મહામુશ્કેલીથી બચાવીને કિનારે લવાયા હતા, જ્યારે પાંચ ડૂબી ગયા હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સવારથી ગુમ યુવાનોની સમુદ્રમાં શોધખોળ શરૂ હતી. મોડી સાંજે એકની લાશ મળી હતી, જ્યારે બાકીના ચારની કોઈ ભાળ મળી નહોતી.