ન્યૂ યૉર્કઃ 2026ના વર્લ્ડ કપમાં મુખ્ય આયોજક ફેડરેશન ઇન્ટરનૅશનલ દ ફૂટબૉલ અસોસિયેશન (FIFA)એ મૅચ પછી અપાતા પુરસ્કારની બાબતમાં નવી નીતિ અપનાવી છે. અમુક ખેલાડીઓને સ્પૉન્સરના નામ વિનાની ટ્રોફી (TROPHY) એનાયત કરવાની છૂટ ફિફાએ આપી છે.
આ ટૂર્નામેન્ટમાં સામાન્ય રીતે મૅચના સર્વશ્રેષ્ઠ ખેલાડીને `સુપિરિયર પ્લેયર ઑફ ધ મૅચ' અવૉર્ડ આપવામાં આવે છે. મિકલૉબ અલ્ટ્રા નામની આલ્કૉહૉલ બ્રેન્ડ આ ટ્રોફીની મુખ્ય સ્પૉન્સર છે. જોકે ઇસ્લામમાં આલ્કૉહૉલનું સેવન પ્રતિબંધિત હોવાથી વર્લ્ડ કપમાં મુસ્લિમ ખેલાડીઓને અલગ પ્રકારની પ્લેયર ઑફ ધ મૅચ ટ્રોફી આપવામાં આવે છે.
તેમને અપાતી આ ટ્રોફી પર બીયર બનાવતા આ સ્પૉન્સરનું બ્રેન્ડિંગ નથી હોતું. મુસ્લિમ ખેલાડીઓ ઉપરાંત સગીર વયના ખેલાડીઓને તેમ જ આ આલ્કૉહૉલ બ્રેન્ડ સાથે પોતાને સાંકળી લેવા ન માગતા હોય એવા ખેલાડીઓને પણ આ નવા ફેરફારવાળી ટ્રોફી આપવામાં આવે છે.
સ્કૉટલૅન્ડ સામેની મૅચમાં મોરોક્કોના ખેલાડી ઇસ્માઇલ સાઇબારીએ ફાસ્ટેસ્ટ ગોલ (65મી સેકન્ડમાં) કર્યો હતો. તેને સ્પૉન્સરના લોગો વિનાની ટ્રોફી અપાઈ ત્યારથી આ નવી પ્રથાનો આરંભ થયો હતો.
AP
ગોલકીપરે ફરી ભૂલ કરી અને કોચે પાછો બોલાવી લીધો!
ભૂલ તો સૌથી થાય, પરંતુ ભૂલમાંથી શીખે એ વ્યક્તિની નીતિ ખરી કહેવાય. જોકે ઉરુગ્વેના ગોલકીપર ફર્નાન્ડો મૂસ્લેરાથી વારંવાર ભૂલ થઈ જેનું પરિણામ તેણે શનિવારે ભોગવવું પડ્યું હતું. સ્પેન સામેની મૅચમાં ફર્સ્ટ હાફ પૂરો થવાની તૈયારીમાં જ હતો. જોકે 42મી મિનિટમાં મૂસ્લેરાની ભૂલને લીધે સ્પેનનો ઍલેક્સ બાએના ગોલ કરવામાં સફળ થયો હતો. કોચ માર્સેલો બેલ્સાથી આ સહન ન થયું અને તેમણે વિચિત્ર નિર્ણયમાં હાફ ટાઇમને અંતે મૂસ્લેરાને મૅચમાં ગોલકીપરની જવાબદારીમાંથી દૂર કરી દીધો હતો અને સેક્નડ હાફમાં સર્ગિયો રૉશેટને મોકલ્યો હતો. જોકે એ બીજા હાફમાં પણ ઉરુગ્વે એકેય ગોલ નહોતું કરી શક્યું અને 0-1ના પરાજય સાથે ઉરુગ્વેની વર્લ્ડ કપમાંથી બાદબાકી થઈ હતી.
આ પહેલાં કેપ વર્ડે સામેની જે મૅચ 2-2થી ડ્રૉમાં ગઈ એમાં પણ પીઢ ગોલકીપર મૂસ્લેરાએ બ્લન્ડર કર્યું હતું. સઉદી અરેબિયા સામે 1-1થી ડ્રૉમાં ગયેલી મૅચમાં પણ મૂસ્લેરામાં કેટલીક ભૂલ કરી હતી. 40 વર્ષનો મૂસ્લેરા થોડા વર્ષ પહેલાં જ આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી નિવૃત્ત થયો હતો, પરંતુ કોચ માર્સેલોના આગ્રહથી તેણે 2026ની શરૂઆતમાં રિટાયરમેન્ટ પાછું ખેંચ્યું હતું અને તેને ઉરુગ્વેની ટીમમાં સમાવાયો હતો. જોકે માર્સેલોનો એ નિર્ણય હવે ખોટો સાબિત થયો છે.
AP
કૅનેડાના ફૂટબૉલપ્રેમીઓને મફતમાં મળે છે...
વૂવૂઝેલા યાદ છેને? 2010માં સાઉથ આફ્રિકાના ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપમાં આ ભૂંગડું ખૂબ પ્રચલિત થયું હતું. આ વખતે મૅપલ (Mapple) નામના વૃક્ષને લક્ષમાં રાખીને લાલ રંગના પાંદડાંના આકારમાં બનાવવામાં આવેલું કરતાલ જેવું વાદ્ય લોકપ્રિય થયું છે. ફૂટબૉલના એક યજમાન દેશ કૅનેડાના ધ્વજમાં વચ્ચે મૅપલ નામના વૃક્ષનું લાલ રંગનું પાંદડું બતાવવામાં આવ્યું છે અને એ પ્રતીક પરથી બનાવાયેલું આ વાદ્ય કૅનેડામાં રમાતી કૅનેડાની પ્રત્યેક મૅચ પહેલાં સ્ટેડિયમની બહાર પ્રેક્ષકોને મફતમાં વહેંચવામાં આવે છે. આ વાદ્ય દુકાનોમાં નથી મળતું, પણ ફ્રી ઑફ ચાર્જ મળે છે.