મુંબઈ/લંડનઃ અમેરિકાના ગઈકાલે જાહેર થયેલા ફુગાવાના ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઝડપભેર વધારો કરે તેવી શક્યતા નબળી પડતાં આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં સાધારણ સુધારો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું. આમ વૈશ્વિક મિશ્ર અહેવાલો છતાં સ્થાનિક ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન આજે મોહર્રમની જાહેર રજાને કારણે બંધ રહ્યું હોવાથી ભાવની સત્તાવાર જાહેરાત કરવામાં નહોતી આવી.
ગઈકાલે વિશ્વ બજારમાં એક તબક્કે હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ 4000 ડૉલરની સપાટીની અંદર ઊતરી ગયા બાદ અમેરિકાના પર્સનલ ક્નઝ્મ્પશન એક્સ્પેન્ડિચર અથવા તો ફુગાવામાં અપેક્ષા કરતાં ઓછી વૃદ્ધિ થઈ હોવાથી ડૉલર ઈન્ડેક્સની પીછેહઠ સાથે સોનામાં પણ ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો. તેમ જ આજે પણ લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા વધીને આૈંસદીઠ 4038.48 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 0.2 ટકા વધીને 4053.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.01 ટકા ઘટીને આૈંસદીઠ 57.86 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, સાપ્તાહિક ધોરણે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ગત નવેમ્બર, 2025 પછીનો સૌથી મોટો 2.50 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
એકંદરે ફેડરલ રિઝર્વના તંગ નાણાનીતિના સંકેત અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સતત ત્રીજા સત્રમાં સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 4000 ડૉલર આસપાસની સપાટીએ પ્રવર્તી રહ્યા છે, એમ સાક્સો બૅન્કના વિશ્લેષક ઑલે હાસને જણાવતાં ઉમેર્યું હતું કે ગઈકાલે અમેરિકાના ફુગાવાની જાહેરાત પશ્ચાત્ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવામાં ઉતાવળ નહીં કરે તેવી શક્યતાએ ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો જોવા મળ્યો છે. અર્થાત્ હજુ ડૉલર ઊંચી સપાટી આસપાસ જ છે.
જોકે, તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતું હોવાથી ફુગાવા વૃદ્ધિલક્ષી ચિંતા હળવી થવાની સાથે ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા નબળી પડવાથી અમુક અંશે સોનાને ટેકો મળી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું. નોંધનીય બાબત એ છે કે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ગઈકાલે ફુગાવાની જાહેરાત પૂર્વે સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી 69 ટકા શક્યતા બજાર વર્તુળો મૂકી રહ્યા હતા, જ્યારે ફુગાવાની જાહેરાત પશ્ચાત્ 61 ટકા શક્યતા બજાર વર્તુળો જોઈ રહ્યા હતા.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ખાસ કરીને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગમાં શિપમેન્ટની સમસ્યા હળવી થતાં ક્રૂડતેલના ભાવમાં વધુ બે ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. વધુમાં બાયબીટના ચીફ માર્કેટ એનાલિસ્ટ હૅન તાનના મતાનુસાર વૈશ્વિક સોનામાં આગામી ટૂંકા સમયગાળા માટે આૈંસદીઠ 3886 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી છે અને જો આ સપાટી તૂટે તો ભાવ આૈંસદીઠ 3600થી 3700 ડૉલર આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી નશકાય, એમ તેમણે ઉમેર્યું હતું.