અમદાવાદ: સરકારી નોકરી માટેની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે (GSSSB) એ ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩ (ગ્રુપ- A તથા ગ્રુપ - B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની પરીક્ષા (CCE exam) માટે પ્રાથમિક પરીક્ષાના (Preliminary Exam) વિગતવાર સિલેબસની જાહેરાત કરી છે. પ્રાથમિક પરીક્ષા માટેના 150 માર્કના વિગતવાર સિલેબસની જાહેરાત કરી છે. તો ચાલો શું જાણીએ કે શું પૂછાશે અને આ સાથે શું વાંચવાથી પરીક્ષામાં મોટો ફાયદો મળી રહેવાનો છે.
આ રહ્યા અંગ્રેજી અને ગુજરાતીનો પાર્ટ!
ગુજરાતીના 15 માર્કના ટૉપિકમાં રૂઢિપ્રયોગનો અર્થ, કહેવતનો અર્થ, સમાસનો વિગ્રહ અને તેની ઓળખ, છંદ, અલંકાર, શબ્દસમૂહ માટે એક શબ્દ, જોડણીશુધ્ધિ, લેખનશુધ્ધિ/ભાષાશુધ્ધિ, સંધિ જોડો કે છોડો, સમાનાર્થી શબ્દ, વિરુધ્ધાર્થી શબ્દ, વિભક્તિ, ધ્વનિ, વ્યંજન-સ્વર જોડી શબ્દ બનાવો, શબ્દોને શબ્દકોષનાં ક્રમમાં ગોઠવો, વાકય પરિવર્તન અને ગુજરાતી-અંગ્રેજી ભાષાંતર પૂછવામાં આવશે.
અંગ્રેજીના 15 માર્કના ટૉપિકમાં ટેન્સીસ, વોઇસ, ડાયરેક્ટ-ઈનડાયરેક્ટ સ્પીચ, આર્ટિકલ, યુઝ ઓફ એડજેકટિવ, પ્રિપોઝિશન એન્ડ કન્ઝકશન, વર્બ એન્ડ એડવર્બના ઉપયોગ, નાઉન એન્ડ પ્રોનાઉન, જમ્બલડ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સિસ, સીનોનીમ્સ, એન્ટોનીમ્સ, સેનટેન્સ ટ્રાન્સફોર્મેશન તેમજ અનુવાદ સહિતના પ્રશ્નો પૂછવામાં આવશે.
ઇતિહાસમાં અહીથી કરવું પડશે શરૂ....
ઇતિહાસના પાર્ટમાં હડપ્પીય સભ્યતા, વૈદિકધર્મ અને સંસ્કૃતિ, જૈનધર્મ અને બૌદ્ધધર્મ, મૌર્યયુગ, ગુપ્તકાલીન ભારત, ગુપ્તયુગ - હર્ષવર્ધનકાલીન સમાજ અને સંસ્કૃતિ, ભારતમાં યુરોપિયનોનું આગમન, 1857નો સંગ્રામ, સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળો, રાષ્ટ્રીય આંદોલનો (1857-1919), સ્વરાજ માટેનો સંઘર્ષ (ઈ. સ. 1919-1947) અને અર્વાચીન ભારતના ઇતિહાસમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. સાંસ્કૃતિક વારસાના પાર્ટમાં ભારતનો વારસો, ભારતના સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે પરંપરાઓ, હસ્ત અને લલિતકલા, શિલ્પ અને સ્થાપત્ય, ભારતનો સાહિત્યિક અને વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો તેમજ ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો અને આપણા વારસાનું જતન જેવા ટૉપિકમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે.
ભૂગોળમાં આટલા મુદ્દાનો સમાવેશ
ભૂગોળના પાર્ટમાં પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ તેમજ પૃથ્વીની આંતરિક સંરચના, ભૂકંપ અને જવાળામુખી, ભૂમિખંડો અને મહાસાગરો, ખડકો, ખનીજો, જમીન અને ભૂમિસ્વરૂપો, વાતાવરણ, તાપમાન, પવન, વાતાવરણીય ભેજ, જલાવરણ અને જીવાવરણ, આપત્તિ વ્યવસ્થાપન અને વૈશ્વિક સમસ્યાઓ : ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં, માનવ વસ્તી અને માનવ વસાહતો, માનવીની પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ, પરિવહન, દૂરસંચાર અને વ્યાપાર અને કુદરતી સંસાધનોમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે.
રાજ્યવ્યવસ્થાના પાર્ટમાં આ મુદ્દાઓનો સમાવેશ
રાજ્યવ્યવસ્થાની અંદર રાજ્યશાસ્ત્રનો ખ્યાલ, લોકશાહીના પાયાનાં મૂલ્યો, રાષ્ટ્રવાદ અને બિનસાંપ્રદાયિકતા, હક અને નાગરિકતા, ભારતીય બંધારણ : ઘડતર અને લક્ષણો, મૂળભૂત હકો, ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ભારતમાં કેન્દ્ર અને રાજ્યકક્ષાએ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, સ્થાનિકકક્ષાએ સરકાર : સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, ભારતમાં પક્ષપ્રથાનું સ્વરૂપ, ભારતમાં ચૂંટણીઓ, ભારતીય લોકશાહી સામેના પડકારો અને પ્રતિભાવો અને વિકાસ અને લોકશાહી જેવા ટૉપિકમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે.
ઇકોનોમિક્સમાં શું પૂછવામાં આવશે?
અર્થશાસ્ત્રમાં અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, માંગ અને પુરવઠો, નાણું અને ફુગાવો, આવક અને ખર્ચના ખ્યાલો, બજાર, ભારતીય અર્થતંત્ર, આર્થિક સુધારાઓ, રાષ્ટ્રીય આવક, અંદાજપત્ર, બૅન્કિંગ અને નાણાકીય નીતિ, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, ગરીબી, બેરોજગારી, વસતી, કૃષિક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, વિદેશવેપાર અને ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નોમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે.
જ્યારે વિજ્ઞાન વિષયમાં પરમાણુઓ, પરમાણુનું બંધારણ અને અણુઓ, ગતિ, બળ તથા ગતિના નિયમો, ગુરુત્વાકર્ષણ, કાર્ય અને ઊર્જા, ધ્વનિ, પ્રકાશ-પરાવર્તન અને વક્રીભવન, વિદ્યુત અને વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો, ઍસિડ, બેઇઝ અને ક્ષાર, ધાતુઓ અને અધાતુઓ, સજીવનો પાયાનો એકમ, પેશીઓ, જૈવિક ક્રિયાઓ, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, સૂક્ષ્મજીવો: મિત્ર અને શત્રુ અને વનસ્પતિઓ અને પ્રાણીઓના સંરક્ષણ પરથી પ્રશ્નો પૂછવામાં આવશે.
મેથ્સ એન્ડ રિઝનિંગમાં શું પૂછશે?
ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડમાં સંખ્યા પદ્ધતિ, લ.સા.અ. અને ગુ.સા.અ., ટકાવારી અને ભાગીદારી, નફો-ખોટ, સાદુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર અને પ્રમાણ સમય અને કાર્ય, વેતન અને સાંકળનો નિયમ, સમય, ઝડપ અને અંતર, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, કૌંસ અને વિસ્તરણ, વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ, ઘાત અને ઘાતાંક, બહુપદીઓ અને અવયવીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ (ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, ઘન, લંબઘન, નળાકાર, શંકુ, અર્ધગોલક, ગોલક) અને યામભૂમિતિ અને ત્રિકોણમિતિના પ્રશ્નો રહેશે.
રિઝનિંગમાં કોડિંગ-ડિકોડિંગ, લોહીનો સંબંધ, ઊંમર અને ઊંચાઇ સંબંધિત પ્રશ્નો, દિશા જ્ઞાન, ઘડીયાળ અને કેલેન્ડર, વેન ડાયાગ્રામ, ક્રમ અને સ્થાન, સમાંતર શ્રેણી, શબ્દોની તાર્કિક ગોઠવણી, ખૂટતી કડી (સંખ્યા) શોધો, શબ્દ, આંકડાકીય તથા સામાન્ય સામ્યતા,ચિત્ર આધારિત સામાન્ય તાર્કિક પ્રશ્નો, સંભાવના, માહિતીનું અર્થઘટન અને માહિતીની પર્યાપ્તતા, સંમિતિ, મેથેમેટિકળ ઓપરેશન્સ, ગાણિતિક મોડેલીંગ, ગણિતમાં સાબિતીઓ, તાર્કિક અને ગાણિતિક વિશ્લેષણાત્મક ક્ષમતા તેમજ નિવેદન અને અનુમાનમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે.
કયા સોર્સમાંથી વાંચશો?
મોટાભાગે દરેક ઉમેદવારને એ પ્રશ્ન હોય છે કે આના માટે ક્યાંથી વાંચવું. તો આ વખતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સિલેબસમાં જ તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરી દીધો છે. GSSSBએ ઇતિહાસ, બંધારણ સહિતના વિષયોમાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ અને NCERTમાંથી પૂછવામાં આવશે.