બૉસ્ટનઃ ફિફા વર્લ્ડ કપ-2026ના ગ્રૂપ-એલમાંથી ઇંગ્લૅન્ડ અને ઘાના , બન્ને દેશ 32 ટીમવાળા નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગયા છે, પરંતુ આ જ બે દેશ વચ્ચેની બુધવાર મધરાત પછીની મૅચ એક `જૂજૂ' નામની વિદ્યા પર આધારિત `બ્લૅક મૅજિક' જેવા વિચિત્ર કારણસર ચર્ચામાં હતી.
પહેલાં તો આ મૅચના પરિણામ વિશે જાણી લઈએ. આ મૅચ 0-0થી ડ્રૉમાં ગઈ હતી. બન્ને ટીમને એક-એક પૉઇન્ટ મળ્યો હતો. હૅરી કેન ઇંગ્લૅન્ડનો કૅપ્ટન આ ટૂર્નામેન્ટમાં રમી રહેલા ઇંગ્લૅન્ડના ખેલાડીઓમાં સુપરસ્ટાર છે. પશ્ચિમ આફ્રિકાના ઘાના દેશનો સુકાની જોર્ડન આયૂ છે અને ઘાનાની આખી ટીમ `બ્લૅક સ્ટાર્સ' તરીકે ઓળખાય છે.
આ સ્ટોરીનો મુખ્ય મુદ્દો `બ્લૅક' જ છે. વાત એવી છે કે આ મૅચ પહેલાં ઘાનાના આધ્યાત્મિક ગુરુ મનાતા નાના ક્વાકુ બૉન્સેમે હથેળી પરનો પાઉડર ઉડાડવાની સાથે `બ્લૅક મૅજિક' અજમાવવાનો નો સંકેત આપતા કહ્યું હતું કે `ઇંગ્લૅન્ડને અને ખાસ કરીને એના કૅપ્ટન હૅરી કેન (Harry Kane)ને વિજયથી વંચિત રાખવા વિશે હું બહુ સારી રીતે જાણું છું. આ પહેલાં પણ મેં મારી આ વિદ્યાનો સફળ પ્રયોગ કર્યો હતો અને એનો ઉપયોગ હું આ ખેલાડી (હૅરી કેન)ને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડ્યા વગર કરીશ કે જેથી મારો દેશ (ઘાના) હારે નહીં.'
ક્વાકુ (Kwaku) બૉન્સેમના આ દાવાના થોડા જ કલાકો બાદ ઘાનાએ આ વખતના વર્લ્ડ કપના શ્રેષ્ઠ કહી શકાય એમાંનો એક પર્ફોર્મન્સ બતાવ્યો હતો જેમાં ઇંગ્લૅન્ડ (વિશેષ કરીને હૅરી કેન) એકેય ગોલ ન કરી શકતાં છેવટે મૅચ 0-0થી ડ્રૉમાં ગઈ. એ પહેલાં, પ્રારંભિક મૅચમાં ઘાનાએ પનામાને 1-0થી હરાવ્યું હતું. આ વર્લ્ડ કપમાં આર્જેન્ટિના જેવી બહુ ઓછી ટીમો છે જેમની વિરુદ્ધ હજી એકેય ગોલ નથી થયો અને શનિવાર રાત સુધીમાં ઘાના એમાંનો એક દેશ હતો.
સ્ટેડિયમમાં સપોર્ટરોએ પાઉડર ઉડાડ્યો
નૉકઆઉટમાં પહોંચી ગયેલા ઘાનાના આ સુપર પર્ફોર્મન્સને લોકો ક્વાકુ બૉન્સેમના કાળા જાદુની અસર સાથે સરખાવે છે. ક્વાકુના બ્લૅક મૅજિકને લીધે જ હૅરી કેન ગોલ ન કરી શક્યો અને બ્રિટિશ ટીમ જીતી ન શકી એવી ખૂબ ચર્ચા છે. ઇંગ્લૅન્ડ સામેની મૅચ દરમ્યાન એક સ્ટૅન્ડમાં ઘાનાની ટીમના કેટલાક સપોર્ટરોએ હથેળીમાં પાઉડર રાખીને ઉડાવ્યો હતો અને અમુક વિધિ પણ કરી હતી. તેમનો હેતુ ઇંગ્લૅન્ડની ટીમ સામે કટાક્ષ કરવાનો જ હતો. ઇંગ્લૅન્ડના મિડફીલ્ડર ડેક્લાન રાઇસે મૅચ પછી એક ટિપ્પણી કરીને આ કાળા જાદુ તરફી લોકોને જાણે પીઠબળ આપ્યું હતું. તે મજાકમાં બોલ્યો, `મને લાગે છે કે અમારી ટીમ ઘાના સામેની મૅચમાં સારું એવું પ્રભુત્વ જમાવવા છતાં એકેય ગોલ ન કરી શકી એવું કદાચ બ્લૅક મૅજિકને લીધે બન્યું લાગે છે.'
રોનાલ્ડોને `ઈજા' પહોંચાડી?ઃ આ વખતે ટ્રોફીની આગાહી
ક્વાકુ બૉન્સેમનો દાવો છે કે 2014ના વર્લ્ડ કપમાં તેના કાળા જાદુ પછી પોર્ટુગલનો સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઈજા પામ્યો હતો. જોકે આ વખતે ક્વાકુનો દાવો છે કે રોનાલ્ડોનું પોર્ટુગલ ફિફા વર્લ્ડ કપનો તાજ જીતશે. ક્વાકુએ બીજા કેટલાક સ્ટાર ખેલાડીઓની મૅચ વખતે કાળો જાદુ અજમાવ્યો હોવાનો દાવો કર્યો છે. જોકે તેના જ દેશના કેટલાક લોકો સોશ્યલ મીડિયામાં ક્વાકુને બનાવટી આધ્યાત્મિક ગુરુ તરીકે ઓળખાવે છે.