ગાંધીનગરઃ ગુજરાત પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓને ભરવા માટે હાઈકોર્ટે સરકારને સવાલ કર્યા છે. પોલીસતંત્રને વધારે મજબૂત અને સક્ષમ બનાવવાના હેતુથી ચાલી રહેલી સુઓમોટો-જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને મહત્ત્વના આદેશ આપ્યા છે. જેની સીધી અસર આગામી સમયમાં પોલીસ ભરતી વિભાગમાં થાય એવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને ચીફ જસ્ટિસ ડી.એન.રેનીની ખંડપીઠે ગુજરાત સરકારને આદેશ આપ્યા છે કે,રાજ્યના પોલીસદળને સંપૂર્ણ રીતે મજબૂત કરવામાં આવે. આ માટેના આગામી આયોજન, કોર્ટના રેકોર્ડના ફોર્મેટમાં રજૂ કરે.
તબક્કાવાર ગાઈડલાઈન્સ આપી
હાઈકોર્ટમાં ચાલી રહેલી આ સુઓમોટો રિટ પિટિશનની સુનાવણી દરમિયાન કોર્ટે તબક્કાવાર સરકારને ગાઈડલાઈન્સ આપી છે. સરકારે પોલીસ વિભાગ સંબંધિત વિવિધ પ્લાન કોર્ટ સામે મૂક્યા છે. આ કેસમાં હવે વધુ સુનાવણી આગામી 27 જુલાઈના રોજ થશે. સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્યના પોલીસદળમાં ભરતી પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ખાલી જગ્યાઓ ભરવા માટે અને બઢતીની બાબતમાં કામગીરી ચાલું છે. મોડ-2 પરીક્ષા સિવાયની તમામ ભરતી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે. મોડ-2ની પરીક્ષા 28 જુનના રોજ લેવાઈ રહી છે. પોલીસ તંત્રને વધુ સક્ષમ અને મજબૂત કરવા માટે આ સમગ્ર પ્રક્રિયા 2019ના નિર્દેશને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવી છે.
પરીક્ષાર્થીઓની અપેક્ષા
મુખ્યત્વે પોલીસ રિડ્રેસલ ફોરમની સ્થાપના, ખાલી જગ્યાઓની ભરતી કરવી, ટ્રેનિંગ, કામના કલાક, તોફન વખતે જાહેર મિલકતને નુકસાન, સરઘસ વખતે ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી જેવી બાબતનો અહીં સમાવેશ થાય છે. હાઈકોર્ટના આ પ્રકારના કડક વલણને કારણે હવે પોલીસ ભરતી અને સુધારણાની કામગીરી ઝડપી બને એવું અનેક પરીક્ષા આપનારાઓ અપેક્ષા રાખીને બેઠા છે. હાઇકોર્ટની ખંડપીઠે આ કેસના આદેશમાં નોંધ્યું છે કે, રાજ્યના પોલીસ મહાનિર્દેશકની કચેરીના પોલીસ મહાનિરિક્ષક દ્વારા તા.11મી જૂનના રોજ દાખલ કરાયેલું સોગંદનામું રજૂ કર્યું છે. જે અંગે મુખ્ય સરકારી વકીલ જી.એચ.વિર્ક દ્વારા રજૂઆત કરવામાં આવી છે