Fri Jun 26 2026

Logo

ફૂટબૉલપ્રેમીની માગણી, `જર્મન ખેલાડીએ ઇક્વેડૉરના પ્લેયરના મોં પર સીધી લાત મારી, મહિલા રેફરીએ કેમ રેડ કાર્ડ ન બતાવ્યું?'

New York   2026-06-26 16:58:00
Author: Ajay Motiwala
Article Image

ઇક્વેડૉર જીત્યું, પણ જર્મની સામેની મૅચની બે ઘટના પર વિવાદ થયો

ન્યૂ યૉર્કઃ ચાર વખત વર્લ્ડ ચૅમ્પિયન બનેલા જર્મનીને 2-1થી હરાવીને ઇક્વેડૉર વર્ષો પછી ફિફા વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યું એ બદલ દક્ષિણ અમેરિકાના ઇક્વેડૉરમાં સર્વત્ર આનંદનું વાતાવરણ છે, પરંતુ શુક્રવારની આ મૅચની શરૂઆતમાં જ મહિલા રેફરીએ ઇક્વેડૉરની ટીમને જે અન્યાય કર્યો એ બદલ વિજેતા ટીમ અને તેમના દેશવાસીઓ બેહદ નારાજ છે અને તપાસની માગણી કરી રહ્યા છે.

મૅચના આરંભ બાદ બીજી જ મિનિટમાં લરૉય ઝાનેએ ગોલ કરીને જર્મનીને 1-0થી સરસાઈ અપાવી હતી. જોકે આ ગોલ થતાં પહેલાંની કેટલીક ક્ષણો ચર્ચાસ્પદ થઈ છે. થ્રો-ઇન થયા પછી બૉલ ઝાને તરફ આવ્યો અને તેણે બૉલ નેટમાં મોકલી દીધો હતે. જોકે એ થ્રો-ઇન બાદ જર્મન મિડફીલ્ડર ઍલેક્ઝાંડર પાવલોવિચે બૉલને પોતાના કબજામાં લેવાના પ્રયાસમાં જમણો પગ ઊંચો કરીને બૉલને બદલે ઇક્વેડૉરના પેડ્રો વિટેના માથાને નિશાન બનાવ્યું હતું. વિટેને લાત લાગતાં જ નીચે પડ્યો હતો અને તેને ગંભીર ઈજા થઈ હતી. જોકે અમેરિકાની મહિલા રેફરી ટૉરી પેન્સૉ (Tori Penso)એ પાવલોવિચની આ હરકતને ફાઉલ (Foul) ગણવાને બદલે અને તેને રેડ કાર્ડ બતાવવાને બદલે રમત ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો અને પળવારમાં ઝાનેએ જર્મનીને ગોલ અપાવી દીધો હતો.

ઇક્વેડૉર (Ecuador)ની ટીમે આ ફાઉલ સામે વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ વીએઆર (વીડિયો અસિસ્ટન્ટ રેફરી) જૉ ડિકરસનને આમાં રેફરી પેન્સૉની ભૂલ નહોતી દેખાઈ. સાત જ મિનિટ બાદ ઇક્વેડૉરે ગોલ કરીને 1-1ની સરસાઈ સાથે જર્મનીની ટીમને પોતાની ક્ષમતા બતાવી દીધી હતી.

સેક્નડ હાફમાં રેફરી પેન્સૉએ વધુ એક બ્લન્ડર કર્યું હતું. આ વખતે એક ફાઉલ વખતે ઇક્વેડૉરની તરફેણ થઈ હતી. પેન્સૉએ પહેલાં તો જર્મનીને એક પેનલ્ટી કિક આપી હતી, પણ વીએઆર (રિવ્યૂ) બાદ ઇક્વેડૉરને ફ્રી કિક આપી હતી. છેવટે 77મી મિનિટમાં ઇક્વેડૉરના ગૉન્ઝેલો પ્લાટાએ જે ગોલ કરીને ટીમને 2-1ની સરસાઈ અપાવી એ જ સ્કોર સાથે ઇક્વેડૉર જીતીને નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગયું હતું.