(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક બજારના નિરુત્સાહી અહેવાલો છતાં ગઈકાલે કોપર સહિતની ઘાતુઓમાં કિલોદીઠ રૂ. બેથી 64 સુધીના કડાકા બોલાઈ ગયા બાદ આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં કોપર અને બ્રાસની અમુક વેરાઈટીઓ અને નિકલમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને વપરાશકારોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી 10નો સુધારો આવ્યો હતો અને ટીનમાં સતત ચોથા સત્રમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 41નો ઘટાડો આવ્યો હતો, જ્યારે કોપર કેબલ સ્ક્રેપ, બ્રાસ શીટ કટિંગ્સ, એલ્યુમિનિયમ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં છૂટાછવાયા કામકાજે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મોહર્રમની જાહેર રજા હોવાથી બૅન્કો બંધ રહેતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં એકંદરે કામકાજો પાંખાં રહ્યાં હતાં. જોકે, આજે ગઈકાલના ઘટાડા પશ્ચાત્ આજે નીચા મથાળેથી સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે જે ચોક્કસ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું.
જેમાં કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. 10 વધીને રૂ. 1160, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. 815 અને રૂ. 1318, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને રૂ. 1241, નિકલના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. 1640 અને કોપર સ્ક્રેપ હેવી તથા એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. 1245 અને રૂ. 340ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે ટીનમાં સતત ચોથા સત્રમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ વધુ કિલોદીઠ રૂ. 41 ઘટીને રૂ. 4933ના મથાળે રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ ચાર સત્રમાં ટીનના ભાવમાં કિલોદીઠ રૂ. 305નો ઘટાડો આવ્યો છે.
જોકે, આજે કોપર કેબલ સ્ક્રેપ, બ્રાસ શીટ કટિંગ્સ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં છૂટાછવાયા કામકાજને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 1250, રૂ. 875, રૂ. 305, રૂ. 360 અને રૂ. 206ના મથાળે ટકેલા રહ્યા હતા.