Sat Jun 27 2026

Logo

યોજના સરકારની, લાભ મંત્રીને! મંત્રીએ તેના જ ખાતામાંથી લીધો રૂ. 99 લાખની સબસિડીનો લાભ!

2026-06-27 17:13:15
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: આમ તો સરકારની યોજનાઓ તેના લાભાર્થીઓને મળતો હોય છે, પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે સરકારની કોઈ કલ્યાણકારી યોજનાનો લાભ જે-તે વિભાગના મંત્રીએ જ ખાંટ્યો હોય! તો હા આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી ભગીરથ ચૌધરીને તેમના જ મંત્રાલય હેઠળની એક યોજનામાંથી અંદાજે રૂ. 99 લાખની મોટી સબસિડી મળી છે. આ સબસિડી તેમને રાજસ્થાનમાં તેમના કાકડીના ખેતર માટે આપવામાં આવી હતી. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે મંત્રી પોતે આ નાણાંને મંજૂરી આપનાર બોર્ડના હોદ્દેદાર ઉપાધ્યક્ષ છે.

મળતી વિગતો અનુસાર, મીડિયાના અહેવાલો અનુસાર, રાજસ્થાનના અજમેરના પેહમાં એક મોટું ખેતર આવેલું છે જેમાં કૃત્રિમ તળાવો અને ચાર મોટા પોલીહાઉસ છે. જેની બહાર એક સફેદ સાઇનબોર્ડ પર લખેલું છે, જેમાં લખવામાં આવ્યું છે કે "નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ (NHB), કૃષિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સમર્થિત." આ સાઇનબોર્ડ પર લાભાર્થીનું નામ "ભગીરથ ચૌધરી" અને 50% સબસિડીની રકમ "રૂ. 99,60,000" પણ લખવામાં આવી છે. આ અહેવાલ બાદ રાજનીતિમાં ભારે ગરમાવો આવી ગયો છે. 

અહેવાલો અનુસાર, તપાસમાં જાણવા મળ્યું હતું કે કેન્દ્રીય રાજ્ય પ્રધાન ભગીરથ ચૌધરીને થોડા મહિના પહેલા તે જ મંત્રાલયની એક યોજનામાંથી આ સબસિડી મળી હતી જેમાં તેઓ પોતે રાજ્ય મંત્રી છે. આ નાણાં રાષ્ટ્રીય બાગાયત બોર્ડ (NHB) યોજના "બાગાયતી પાકોના ઉત્પાદન અને લણણી પછીના સંચાલન દ્વારા વાણિજ્યિક બાગાયતનો વિકાસ" હેઠળ પૂરા પાડવામાં આવ્યા હતા. મંત્રીનો કાકડી ખેતી પ્રોજેક્ટ, જે 16,592 ચોરસ મીટરમાં ફેલાયેલો છે, તે 2025 માં આ યોજના હેઠળ મંજૂર કરાયેલા 467 પ્રોજેક્ટ્સમાંનો એક છે.

હવે આ સબસિડી એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે ભગીરથ ચૌધરી પોતે જ આ સબસિડીને મંજૂરી આપનાર બોર્ડના હોદ્દેદાર ઉપાધ્યક્ષ છે. જોકે, ચેરમેન કે ઉપાધ્યક્ષ અંતિમ મંજૂરી આપતી સમિતિનો ભાગ નથી. મંજૂરીના એક મહિના પહેલા પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ને સુપરત કરાયેલા તેમના સંપત્તિ ઘોષણામાં, મંત્રીએ પેહમાં તેમની ખેતીની જમીનનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ આ પેન્ડિંગ NHB પ્રોજેક્ટ વિશે કોઈ માહિતી આપી ન હતી. જોકે, એક સહાયક કહે છે કે તે "જાહેર" કરવામાં આવશે.

તેમના પર લાગેલા આક્ષેપ પર રાજ્યમંત્રી ભગીરથ ચૌધરીએ કહ્યું હતું કે, "હું ખેડૂત છું અને બાળપણથી જ ખેતી સાથે સંકળાયેલો છું. મેં કંઈ છુપાવ્યું નથી. હજારો ખેડૂતો પોલીહાઉસ સ્થાપિત કરે છે અને સબસિડીનો લાભ લે છે. તેથી મેં પણ એવું જ કર્યું. આગળ તેમણે કહ્યું હતું કે મે 2025માં સબસિડી માટે અરજી કરી હતી. તેમણે આગળ જણાવ્યું હતું કે મેં ત્યાં બહાર એક બોર્ડ લગાવ્યું છે, જેમાં મને મળેલી બધી લોન અને સબસિડીની વિગતો આપવામાં આવી છે. હું ત્યાં ખેડૂતોને નવી તકનીકો અને કુદરતી ખેતીની તાલીમ પણ આપું છું. બધા સ્થાનિક અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી છે. મેં કોઈથી કંઈ છુપાવ્યું નથી.