Fri Jun 26 2026

Logo

સ્મોલ ગ્રેડની ખાંડમાં ધીમો સુધારો

2026-06-26 20:18:00
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ તથા મિડિયમ ગે્રડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 3870થી 3900માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં મોહર્રમની જાહેર રજાને કારણે એકંદરે રિટેલ સ્તરની માગ મર્યાદિત રહી હોવા છતાં સ્મોલ ગે્રડની ખાંડમાં માગ તથા અમુક માલની ગુણવત્તા સારી આવી હોવાથી હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. ચારથી 10નો ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગે્રડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું. તેમ જ આજે નાકા ડિલિવરી ધોરણે પણ ઔદ્યોગિક વપરાશકારોની માગ જળવાઈ રહેતાં ભાવ ટકેલા રહ્યા હતાં. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદોજ 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટો નવી લેવાલીથી દૂર રહ્યા હતા. તેમ જ રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ઉપાડ લગભગ 26થી 27 ટ્રકનો રહ્યો હતો. આજે હાજરમાં મુખ્યત્વે સ્મોલ ગે્રડની ખાંડમાં અમુક માલની ગુણવત્તા સારી આવવાની સાથે માગ પણ જળવાઈ રહેતાં તેના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચાર અને ઉપલા મથાળેથી રૂ. 10ના સુધારા સાથે રૂ. 4016થી 4072માં થયા હતા, જ્યારે મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 4126થી 4212માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હતા. 

વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની ખપપૂરતી માગ જળવાઈ રહેતાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 3960થી 3990માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 4010થી 4130માં ટકેલા ધોરણે થયા હતા.