અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ચોમાસું જામવાની સાથે જ કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડતો હોય છે. વરસાદમાં સૌથી વધુ મુશ્કેલી વિદ્યાર્થીઓને પડતી હોય છે. રાજ્યમાં વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને શિક્ષણ નિયામક કચેરીએ 32 મુદ્દાના માર્ગદર્શિકા જાહેર કરી હતી. તેમજ સ્કૂલ અને હોસ્ટેલમાં સલામતીના પગલાં ભરવા આદેશ કર્યો હતો.
શું છે માર્ગદર્શિકામાં
- ચોમાસાને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા પરિપત્ર અનુસાર, વરસાદ શરૂ થાય તે પહેલાં તમામ શાળાની છત કે ધાબા પર આવેલા વોટર સ્પાઉટ સાફર કરવાના રહેશે.
- ધાબા કે છત પર પડેલું જૂનું ફર્નિચર કે અન્ય બિનજરૂરી સામાન તાત્કાલિક યોગ્ય સુરક્ષિત સ્થળે ખસેડવા પડશે.
- શાળાના મેદાનમાં નમી ગયેલા અથવા તૂટી પડે તેવી સ્થિતિમાં હોય તેવા વૃક્ષો કે તેની ડાળીઓની વહેલી તકે દૂર કરવા પડશે.
- શાળામાં જો ખુલ્લા વીજ વાયર કે અર્થિંગની કોઈ સમસ્યા હોય તો વીજ ઉપકરણોનું તાત્કાલિક રિપેરિંગ કરાવવું પડશે. શાળામાં માત્ર ગુણવત્તાયુક્ત ISI માર્કાવાળા જ વીજ વાયરનો ઉપયોગ કરવો. વીજ કંપનીના મીટરમાં જતા વાયરની ગોઠવણ એવી રીતે કરવી જેથી અનિચ્છનીય બનાવ ટાળી શકાય.
- શાળામાં લગાવેલા MCB/ELCB અને અર્થિંગ યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં ચોમાસા પહેલા ચકાસણી કરવા સૂચના અપાઈ છે.
- વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા કોઈ જર્જરિત ઓરડામાં બાળકોને ન બેસાડવા જણાવાયું છે. તેમજ આવા ઓરડા પાસે ભયજનક સૂચક સાઈન બોર્ડ લગાવવાના રહેશે.
- ડિમોલિશન કરવા પાત્ર ઓરડા, ટૉયલેટ, સેપ્ટિક ટેન્ક કે ખાળવાની ફરતે બેરિકેડ અથવા આડશ ફરજિયાત ઉભી કરવી પડશે.
- શાળામાં અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક હોય તો તેની ફરતે વાડ કે ફેન્સિંગ કરવી અને તેને હંમેશા લોક મારીને ઢાંકેલી રાખવી.
- રેઈનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સેપ્ટિક ટેન્ક અને ખાળકૂવા નજીક બાળકોને ન જવા દેવા અને ત્યાં ચેતવણી બોર્ડ મૂકવા.
- અતિવૃષ્ટિ કે પૂર જેવા સંજોગોમાં શાળાને સજજ રહેવા આદેશ અપાયો છે. તેમજ પૂર સંભવિત વિસ્તારમાં શાળાના અગત્યના રેકોર્ડ અને ફાઈલોને શાળાના જ કોઈ સુરક્ષિત અને ઊંચા સ્થળે રાખવા, દવા, ફાનસ, ટોર્ચ, કપડાં, પેક ખાદ્ય પદાર્થ સહિતની ઈમરજન્સી કીટ અને ફર્સ્ટ એઈડ બોક્સ હાથવગા રાખવા.
- ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં બાળકોને રજા આપવાનો નિર્ણય મુખ્ય શિક્ષકે પોતાની વિવેકબુદ્ધિ અનુસાર લેવાનો રહેશે.
- ઈમરજન્સીના સમયે ઉપયોગી એવા સ્થાનિક તલાટી-મંત્રી, ડૉક્ટર, તરવૈયા, ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ વગેરેના ફોન નંબર નોટિસ બોર્ડ પર પ્રદર્શિત કરવા જણાવાયું છે.
- ચોમાસાની સિઝન દરમિયાન મુખ્ય શિક્ષક તથા અન્ય શિક્ષકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની પૂર્વ મંજૂરી વિના હેડ ક્વાર્ટર છોડવાનું રહેશે નહીં.
- બાળકો સુરક્ષિત રીતે ઘરે રવાના ન થાય ત્યાં સુધી શિક્ષકો શાળા નહીં છોડી શકે.