Tue Sep 08 2026

Logo

ગુજરાતમાં હવે ફિંગરપ્રિન્ટના બદલે ચહેરો જોઈને મળશે દારૂ! લિકર પરમિટધારકો માટે નવી સિસ્ટમ લાગુ

2026-09-06 10:57:00
Author: Mumbai Samachar Team
ગુજરાતમાં હવે ફિંગરપ્રિન્ટના બદલે ચહેરો જોઈને મળશે દારૂ! લિકર પરમિટધારકો માટે નવી સિસ્ટમ લાગુ

AI Image


ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં દારૂની પરમિટ ધરાવતા લોકોને એનો ચહેરો જોઈને લીકર આપવામાં આવશે. દારૂની પરમીટ ધરાવતા લોકોને ફિંગરપ્રિન્ટ પર દારૂ આપવાની રીતને દૂર કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વ્યવસ્થાપન શૈલીને વધારે આધુનિક અને પારદર્શક બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તા.1 સપ્ટેમ્બરથી બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટના બદલે ફેસ રેકગ્નિશન સિસ્ટમ દ્વારા વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. 

નવી સિસ્ટમ લાગુ

રાજ્યમાં અલગ અલગ કેટેગરીમાં આશરે 50 હજારથી વધારે માન્ય પરમીટ ધારક છે, આ તમામ લોકોને સપ્ટેમ્બર મહિનાના ક્વોટામાં ફેસ ચેક કરીને વસ્તુ આપવામાં આવશે. આ નવી વ્યવસ્થાની ખાસવાત એ છે કે, પરમિટધારકોએ હવે સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે. જે તે માન્ય લીકરશોપ પરથી એમને નિયમિત રીતે આ જ રીત દ્વારા ક્વોટા મળી રહેશે. ચહેરાની ઓળખ અપડેટ થયા બાદ ક્વોટા આપવામાં આવશે. નવી પરમીટ લેનારા અને જૂની પરમીટને અપડેટ કરનારાઓને પણ આ જ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. પરમીટધારકોની દારૂની ખરીદી પર એક સેન્ટ્રલ રિપોર્ટ તૈયાર થશે. કઈ તારીખે, ક્યા લીકર શોપમાંથી અને કેટલા સ્ટોકની ખરીદી કરવામાં આવી એનો એક રેકોર્ડ સાચવવામાં આવશે. જેની એન્ટ્રી ગાંધીનગરના સેન્ટ્રલ સર્વર પર થશે. આનાથી દારૂના વેચાણ પર દેખરેખ રાખવામાં પણ મોટી મદદ મળી રહેશે. આ નિર્ણયથી વૃદ્ધો અને સિનિયર સિટીઝન પરમીટ ધારકોને રાહત મળવાની પૂરી શક્યતાઓ છે. ઉંમરને કારણે ઘણીવાર આંગળી પરની ફિંગરપ્રિન્ટ વ્યવસ્થિત રીતે આવતી નથી. આવી સમસ્યાઓ હવે ઘટી જશે અને ક્વોટા વિતરણમાં પણ એ ઝડપ આવશે. લિકર પરમીટધારકોમાં અમદાવાદ સૌથી આગળ છે. 

સૌથી વધારે પરમિટ ધારકો અમદાવાદમાં

અમદાવાદ શહેરમાં 14,700 લિકરપરમિટ ધારકો છે. જ્યારે સુરત શહેરમાં 9000 અને રાજકોટમાં આશરે 4300 છે. જ્યારે વડોદરામાં 3200થી વધારે છે જ્યારે જામનગરમાં 2200થી વધારે છે. ગાંધીનગરમાં 1600 જેટલા લોકો પાસે લિકર પરમિટ છે. ગુજરાત 'ડ્રાય સ્ટેટ' હોવાથી દારૂના વેચાણ અને સેવન પર સખત પ્રતિબંધ છે. તેમ છતાં, ચોક્કસ નિયમો અને પરમિટ સિસ્ટમ દ્વારા કેટલાક લોકોને છૂટછાટ મળે છે. 40 વર્ષથી વધુ ઉંમરના લોકોને હેલ્થ પરમિટ હેઠળ દારૂ પીવા માટેની અને ખરીદી કરવા માટેની મંજૂરી છે. ગુજરાતમાં બિન નિવાસી તથા વિદેશી પ્રવાસીઓને પણ રાજ્યમાંથી દારૂ ખરીદવા અને પીવાની છૂટ છે. આ માટે પણ યોગ્ય મંજૂરી અને પરમિટ ફરજિયાત છે. પરમિટ સિસ્ટમમાં કુલ સાત પ્રકારની પરવાનગીઓ આપવામાં આવે છે. તેમાં ‘હેલ્થ પરમિટ’ સૌથી જૂની અને સામાન્ય છે. ‘ટેમ્પરરી પરમિટ’ ખાસ કરીને રાજ્યમાં થોડા સમય માટે આવતા લોકો માટે હોય છે જેમાં ચોક્કસ સમય મર્યાદા પૂરી થતા દારૂની કોઈ જ પ્રકારની બોટલ મળતી નથી.