Mon May 25 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ટ્રમ્પ પરનો હુમલો સ્ક્રીપ્ટેડ કે સાચો જનાક્રોશ ?

2026-05-25 09:52:58
Author: Baharat Bhardwaj
Article Image

ભરત ભારદ્વાજ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પર વધુ એક હુમલો થઈ ગયો. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં શનિવારે થયેલા આ હુમલા વખતે ડોનલ્ડ ટ્રમ્પ વાઇટ હાઉસની અંદર હતા જ્યારે હુમલાખોરે વાઇટ હાઉસની બહાર સિક્યોરિટી ચેકપોઇન્ટ પર આડેધડ ગોળીબાર કર્યો તેથી ટ્રમ્પને કશું ન થયું પણ અમેરિકનો ચોક્કસ ફફડી ગયા છે. અમેરિકાની એજન્સીઓ પણ ધંધે લાગી ગઈ છે કેમ કે આ રીતે વારંવાર હુમલા થાય તો કોઈ વાર કશુંક અજુગતું પણ બની શકે. 

ગોળીબાર પછી સ્વાભાવિક રીતે જ વાઇટ હાઉસ સંકુલમાં નાસભાગ મચી ગઈ અને હાજર પત્રકારો અને સ્ટાફને તાત્કાલિક સુરક્ષિત સ્થળે લઈ જવો પડ્યો. સીક્રેટ સર્વિસના એજન્ટો હથિયારો સાથે આખા વિસ્તારમાં તહેનાત થઈ ગયા અને લગભગ કલાક કોઈને જવા કે આવવા દેવાતા નહોતા તેથી કરફ્યૂ જેવી સ્થિતિ થઈ ગઈ. આ બધાં દૃશ્યો જોઈને અમેરિકનોનાં બ્લડ પ્રેશર વધી ગયાં છે કેમ કે અમેરિકનો આ બધાથી ટેવાયેલા નથી. 

હુમલાખોરે સીક્યુરિટી ચેકપોઈન્ટ પર 30 જેટલી ગોળીઓ છોડી હતી તેથી ટ્રમ્પની સુરક્ષામાં તહેનાત સીક્રેટ એજન્ટોએ પણ સામો ગોળીબાર કરવો પડ્યો તેમાં હુમલાખોર માર્યો ગયો. અમેરિકામાં એજન્સીઓ પાસે લોકોનો અપટુડેટ ડેટા હોય છે તેથી હુમલાખોર કોણ છે તેની ઓળખ તો થઈ ગઈ પણ લોકોનાં મનમાં શું ચાલે છે તેનો ડેટા કોઈની પાસે નથી હોતો તેથી હુમલો કેમ થયો એ રહસ્ય હુમલાખોરના મોત સાથે જ જતું રહ્યું. 

હુમલાખોરનું નામ નેસિયર બેસ્ટ છે અને અમેરિકાના મેરીલેન્ડ સ્ટેટનો છે. 21 વર્ષીય નેસિયર બેસ્ટ માનસિક રીતે અસ્વસ્થ હતો અને પહેલાં પણ યુએસ સિક્રેટ સર્વિસના ધ્યાન પર આવ્યો હતો. એવું મીડિયા રીપોર્ટ કહે છે. મીડિયાને આ માહિતી ટ્રમ્પના માણસોએ જ આપી હશે તેથી ટ્રમ્પ પરના હુમલાને માનસિક અસ્વસ્થ ગાંડા માણસે વિચાર્યા વિના કરેલા કૃત્યમાં ખપાવી દેવાનો ટ્રમ્પ આણિ ગેંગનો ઈરાદો સ્પષ્ટ છે. 

અમેરિકામાં હથિયારો સરળતાથી મળે છે તેથી ગાંડા માણસ પાસે ગન ક્યાંથી આવી એ સવાલ ઉઠવાનો નથી એટલે નેસિયર બેસ્ટને ગાંડો ગણાવીને ભીનું સંકેલી લેવાશે એ કહેવાની જરૂર નથી. થોડા દિવસો પહેલાં જ ટ્રમ્પની પુત્રી ઈવાન્કાને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી તેથી આ હુમલો ડોનલ્ડ ટ્રમ્પને મારવા થયેલો કે ઈવાન્કાને મારવા થયેલો એ પણ સ્પષ્ટ નથી પણ ટ્રમ્પને ટાર્ગેટ કરીને એક મહિનાના ગાળામાં બીજી વાર ફાયરિંગ થયું તેથી મામલો ગંભીર બની ગયો છે. 

આ પહેલાં 26 એપ્રિલે વોશિંગ્ટન ડીસીમાં વાર્ષિક વાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ ડિનર દરમિયાન ફાયરિંગ થયેલું. ફાયરિંગ વખતે ડોનલ્ડ ટ્રમ્પ, પત્ની મેલાનિયા અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સહિત અનેક મોટા અધિકારીઓ હાજર હતા. ટ્રમ્પ અને મહેમાનો બોલરૂમની અંદર હતા ત્યારે હુમલાખોરે હોટલના બોલરૂમની બહાર સાત રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હુમલાના કારણે ડિનર કરી રહેલા મહેમાનોમાંથી મોટા ભાગના બચવા માટે ખુરશી અને ટેબલ નીચે છૂપાઈ ગયા હતા. 

આ હુમલામાં સિક્રેટ સર્વિસના એક અધિકારીને ગોળી વાગી હતી પણ બુલેટપ્રૂફ જેકેટ પહેર્યું હોવાથી તે બચી ગયો હતો. આ ઘટનામાં હુમલાખોર કોલે ટોમસ એલન ઝડપાઈ ગયો છે ને જેલમાં છે પણ હુમલા માટેના તેના ઈરાદા સ્પષ્ટ નથી થયા. 

એક મહિનામાં ટ્રમ્પને ટાર્ગેટ કરીને બીજી વાર હુમલો થતાં સવાલો પર સવાલો ઉઠી રહ્યા છે. તેમાં સૌથી મોટો સવાલ એ છે કે, ટ્રમ્પને મારવા માટે ખરેખર હુમલા થઈ રહ્યા છે કે પછી ટ્રમ્પ લોકોની સહાનુભૂતિ મેળવવા માટે હુમલાનાં નાટક કરાવી રહ્યા છે ?

રાજકારણીઓ રાજકીય ફાયદા માટે ગમે તે કરાવી શકે એ જોતાં ટ્રમ્પને ખતમ કરાવી દેવા માટે થતા હુમલા શંકાના દાયરામાં છે જ. ટ્રમ્પ પર બે વર્ષમાં ત્રીજી વાર હુમલો થયો છે ને તેમાંથી બે વાર હુમલાખોર માર્યો ગયો છે તેથી આ શંકા ઘેરી બને છે. 

ટ્રમ્પ પર 2024માં ચૂંટણી પ્રચાર વખતે પણ ગોળીબાર થયો હતો. 13 જુલાઈ 2024ના રોજ પેન્સિલવેનિયામાં બટલર શહેરમાં ટ્રમ્પ સંબોધન કરી રહ્યા હતા ત્યારે હુમલાખોરે 400 ફૂટના અંતરથી એસોલ્ટ રાઈફલથી ગોળીઓ ચલાવી. એક ગોળી ટ્રમ્પના જમણા કાનના ઉપરના ભાગને સ્પર્શીને નીકળી ગઈ હતી પણ બીજું કશું થયું નહોતું. 

સીક્રેટ એજન્ટ્સે હુમલાખોરને તરત જ ઠાર માર્યો હતો તેથી હુમલા પાછળનો ઉદ્દેશ ખબર જ ના પડી પણ આ હુમલાના કારણે ટ્રમ્પને લોકોની સહાનુભૂતિ મળી અને ટ્રમ્પ બીજી વાર અમેરિકાના પ્રમુખ બની ગયા. ટ્રમ્પે તેમાંથી પ્રેરણા લઈને હુમલા કરાવીને લોકોની સહાનુભૂતિ મેળવવાની ફોર્મ્યુલા અમલી બનાવી દીધી હોય એ શક્ય છે. 

જો કે ટ્રમ્પ સામે લોકોમાં નારાજગી અને અસંતોષ છે એ પણ સ્પષ્ટ છે તેથી ટ્રમ્પનો કાંટો સાવ કાઢી નાંખવા માટે હુમલા થતા હોય એ શક્યતા પણ નકારી ના શકાય. ટ્રમ્પે બીજી વાર પ્રમુખ બન્યા પછી આખી દુનિયાની મેથી મારવામાં કોઈ કસર છોડી નથી. 

ટ્રમ્પે વિદેશથી આવીને અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતાં લોકોને પોતપોતાના દેશમાં ડીપોર્ટ કરવાથી માંડીને ઈમિગ્રેશનના નિયમો બદલીને લોકોનું અમેરિકામાં આવવાનું મુશ્કેલ કરવા સુધીમાં કામો કર્યાં છે. ટ્રમ્પે પહેલાં વેનેઝુએલા ને હવે ઈરાન પર હુમલો કરાવીને આખી દુનિયામાં અરાજકતા ને અંધાધૂંધી પેદા કરી દીધી છે. દુનિયાભરના દેશોમાં ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે અને જીવન જરૂરિયાતની ચીજોની પણ અછત વર્તાઈ રહી છે. 

બીજી તરફ ટ્રમ્પ પોતાના અહંકારને કારણે યુદ્ધનો અંત લાવવા તૈયાર નથી. અમેરિકાની સંસદે ઈરાન સામેનું યુદ્ધ સમાપ્ત કરવા માટે કહી દીધું પણ ટ્રમ્પ તેને પણ ઘોળીને પી ગયા છે. ટ્રમ્પની નીતિઓ અને જોહુમકી સામે અમેરિકામાં આક્રોશ વધી રહ્યો છે તેના કારણે ખરેખર ત્રસ્ત થયેલા લોકો ટ્રમ્પને પતાવી દેવા તરફ વળ્યા હોય એ શક્ય છે. 

ટ્રમ્પ પોતાની મનમાની ચલાવી રહ્યા છે તેનું કારણ દુનિયાના બીજા દેશોની કાયરતા છે. ટ્રમ્પે ઈરાન પર વિના કારણ હુમલો કરી દીધો તેની સામે દુનિયાના બીજા દેશોએ એક થઈને ટ્રમ્પનો વિરોધ કરવાનો હોય પણ તેના બદલે બધા દેશો ચૂપચાપ તમાશો જોયા કરે છે. સંગઠિત થઈને ટ્રમ્પને તેમની હેસિયત બતાવી દેવાના બદલે પોતપોતાના સ્વાર્થના કારણે મૌન છે તેથી ટ્રમ્પ ફાટીને ધુમાડે ગયા છે. 

અલબત્ત ટ્રમ્પને પતાવી દેવા આ સમસ્યાનો ઉકેલ નથી કેમ કે હિંસાથી કોઈ સમસ્યા ઉકેલાતી નથી પણ બીજા દેશો માટે પણ આ ઘટના બોધપાઠ સમાન છે. સામાન્ય લોકોની તકલીફોને ના સમજો તો અમેરિકામાં મહિનામાં બે વાર થયું એ બીજા દેશોમાં પણ થઈ શકે છે.