Thu Jun 25 2026

Logo

આવું ઈચ્છામૃત્યુ બધાંનેય મળે ખરું...?

2026-03-15 08:45:00
Author: વિજય વ્યાસ
Article Image

દેશની સર્વોચ્ચ અદાલતે આખર એક ઐતિહાસિક ચુકાદા દ્વારા ‘ઈચ્છામૃત્યુ’ની પરવાનગી આપી છે. આના પગલે 13 વર્ષથી રિબાતા ગાઝિયાબાદના 31 વર્ષી યુવાનને ફરજિયાત યાતનામય જીવનના બંધનમાંથી કાયમી મુક્તિ મળી જશે. 

આ ચુકાદા બાદ આપણે ત્યાં ‘યુથેનેશિયા’ કે ‘મર્સી કિલિંગ’ (દયા હત્યા ) માટે સુપ્ર્રીમ કોર્ટે વ્યવસ્થિત કાયદો પણ ઘડવાની સૂચના કેન્દ્ર સરકારને આપી છે. 

કવર સ્ટોરી - વિજય વ્યાસ

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક ઐતિહાસિક ચુકાદો આપીને છેલ્લાં 13 વર્ષથી બ્રેન ડેડ અવસ્થામાં જીવતા 31 વર્ષના હરીશ રાણાને પરોક્ષ ઈચ્છામૃત્યુ એટલે કે પેસિવ યુથેનેશિયાની મંજૂરી આપી દીધી. સુપ્રીમ કોર્ટે 2018માં કોમન કોઝ સંસ્થાની અરજીને સ્વીકારીને પેસિવ યુથેનેશિયા એટલે કે પરોક્ષ ઈચ્છામૃત્યુને શરતી માન્યતા આપી હતી, પણ અત્યાર સુધી અમલ નહોતો થયો. હરીશ રાણાને મળેલી મંજૂરી સાથે આ ચુકાદાનો અમલ થશે તેથી હરીશ ભારતમાં કાયદેસર રીતે ઈચ્છામૃત્યુને ભેટનારી પહેલી વ્યક્તિ બનશે.

ચંદીગઢમાં સિવિલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હરીશ રાણા 20 ઓગસ્ટ, 2013ના રોજ પોતાની પેઈંગ ગેસ્ટ બિલ્ડિંગના ચોથા માળેથી પડ્યા પછી કોમામાં જતો રહ્યો હતો ને મૃતપ્રાય: થઈ ગયો હતો. તેનાં માતા-પિતા તથા નાના ભાઈએ એક દાયકા સુધી તેની સારવાર કરાવી, પણ હરીશના હરતાફરતા થવાની કોઈ આશા ના રહેતાં ઈચ્છામૃત્યુની મંજૂરી માગતી અરજી કરી હતી. દિલ્હી હાઈકોર્ટે એક વાર ને સુપ્રીમ કોર્ટે એક વાર તેમની અરજી ફગાવી દીધી હતી. 

હરીશના પરિવારે હાર્યા વિના પ્રયત્નો ચાલુ રાખીને બીજી વાર અરજી કરેલી. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કે.વી. વિશ્વનાથન હરીશના પરિવારને રૂબરૂ મળ્યા પછી તેમની તકલીફોનો ખ્યાલ આવતાં છેવટે તેમણે હરીશને ઈચ્છામૃત્યુની મંજૂરી આપી દીધી. સુપ્રીમ કોર્ટે દિલ્હીની ‘ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)’ને હરીશ રાણાને પેલિયેટિવ કેર (દર્દશામક સંભાળ)માં રાખવા આદેશ આપ્યો છે. હરીશ અત્યારે લાઈફ-સસ્ટેઈનિંગ ટ્રીટમેન્ટ પર છે એટલે કે હરીશને ફીડિંગ ટ્યુબ્સ દ્વારા ભોજન, પાણી આપીને જીવતો રાખવામાં આવ્યો છે. એઈમ્સ ફીડિંગ ટ્યુબ્સ દૂર કરીને હરીશને તેના પરિવારને સોંપી દેશે. પોષણના અભાવે  શરીર નબળું પડતાં હરીશ કુદરતી મોતને ભેટશે અને ભારતમાં કાયદેસર રીતે ઈચ્છામૃત્યુ મેળવનારી એ પહેલી વ્યક્તિ બનશે.

હરીશ રાણાને આ ઈચ્છામૃત્યુની મંજૂરી સાથે ભારતમાં ફરી એક વાર ‘રાઈટ ટુ ડેથ’ એટલે કે મૃત્યુના અધિકારની ચર્ચા છેડાઈ ગઈ છે. ભારતનું બંધારણ તમામ નાગરિકોને ‘રાઈટ ટુ લિવ’ એટલે કે જીવવાનો અધિકાર આપે છે, પણ મૃત્યુનો અધિકાર નથી મતલબ કે વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે મરી ના શકે તેથી અને આપઘાતનો પ્રયત્ન ગુનો છે. આ મુદ્દે લાંબી કાનૂની લડાઈ પણ ચાલી છે પણ જ્ઞાન કૌર વિરુદ્ધ પંજાબ સ્ટેટના કેસમાં 1996માં સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે, કલમ 21 હેઠળ નાગરિકને જીવનનો અધિકાર છે પણ જીવનનો અંત લાવવાનો એટલે કે મૃત્યુનો અધિકાર નથી.

અહીં એ કેસ ઈચ્છામૃત્યુનો નહોતો, પણ આપઘાત માટે દુષ્પ્રેરણાનો હતો. જ્ઞાન કૌર અને તેમના પતિ હરબંસ સિંહ સામે તેમની પુત્રવધૂ કુલવંત કૌરને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આઈપીસીની કલમ 309 હેઠળ આત્મહત્યાનો પ્રયાસ અને કલમ 306 હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરણીને ફોજદારી અપરાધ ગણાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ ચુકાદા દ્વારા જીવંત વ્યક્તિની હત્યા અને તબીબી સારવારનો ઇનકાર કરીને પેસિવ યુથેનેશિયા (નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ) વચ્ચેનો તફાવત પણ સ્પષ્ટ કર્યો હતો. પણ ઈચ્છામૃત્યુને માન્યતા નહોતી આપી.

ભારતમાં એ વખતે ઈચ્છામૃત્યુ વિશે કોઈ સભાનતા નહોતી તેથી તેના વિશે બહુ ચર્ચા નહોતી થતી, પણ 2005માં કોમન કોઝ સંગઠને ઈચ્છામૃત્યુને કાયદેસર બનાવવાની પહેલી અરજી કરી પછી તેની ચર્ચા શરૂ થઈ. અરજીમાં રજૂઆત થઈ હતી કે, વ્યક્તિ પોતાના જીવતાં વસિયત બનાવીને કોઈ બિમારીના કારણે લાઈફ સપોર્ટ સિસ્ટમના ભરોસે જીવતો હોય ત્યારે મૃત્યનો અધિકાર મળે એવું લખાણ કરે તો તેને ઈચ્છામૃત્યુનો અધિકાર મળવો જોઈએ. પાંચ વર્ષ સુધી કાચબાની ગતિએ કેસ ચાલતો રહ્યો ત્યાં સુધી કોઈને આ વાતમાં રસ નહોતો પણ ડીસેમ્બર, 2010માં પત્રકાર પિંકી વિરાણીએ અરૂણા શાનબાગને ઈચ્છામૃત્યુ આપવાની અરજી કરતાં જ આ મુદ્દો ગાજવા માંડ્યો. 

આમેય અરૂણાનો કેસ પહેલાંથી ચર્ચામાં હતો તેથી સુપ્રીમ કોર્ટ તાત્કાલિક હરકતમાં આવી. જાન્યુઆરી 2011માં સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોના મેડિકલ બોર્ડ પાસે અરૂણા અંગે રિપોર્ટ માંગ્યો. મેડિકલ બોર્ડે રિપોર્ટ આપેલો કે, અરૂણાનાં મોટા ભાગનાં અવયવો કાયમી રીતે વેજીટેટિવ સ્થિતીમાં છે ને તે ફરી હરીફરી શકે તેવી કોઈ શક્યતા નથી. તેના આધારે માર્ચ 2011માં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને પરોક્ષ ઈચ્છામૃત્યુને મંજૂરી આપી પણ કેટલીક શરતો મૂકેલી તેથી અરૂણાને ઈચ્છામૃત્યુ ના મળ્યું.

સુપ્રીમનો ચુકાદો એવો હતો કે, દર્દીની લાઈફ સપોર્ટ સિસ્ટમ બંધ કરવાનો નિર્ણય માતા-પિતા, જીવનસાથી કે નજીકનાં સગાં અને તેમની ગેરહાજરીમાં નજીકના મિત્ર દ્વારા મેડિકલ બોર્ડની ભલામણ પછી લઈ શકે ને તેના પર હાઈ કોર્ટની મંજૂરીની મહોર મારેલી હોવી જોઈએ. અરૂણાના કેસમાં સુપ્રીમે વરસોથી અરૂણાની સારવાર કરતી કેઈએમ હોસ્પિટલની નર્સોને અરૂણાની નેક્સ્ટ ફ્રેન્ડ ગણાવેલી. કેઈએમની નર્સો અરૂણાની સપોર્ટ સિસ્ટમ હટાવવા નહોતી માગતી તેથી તેને ઈચ્છામૃત્યુ ના મળ્યું. અલબત્ત, ઈચ્છામૃત્યુને શરતી મંજૂરી 2011માં મળી ગયેલી ને તેનો યશ પિંકી વિરાણીને જાય છે.

સુપ્રીમ કોર્ટે 2018માં કોમન કોઝની અરજી પર ચુકાદો આપેલો કે, કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાથી મરી જવા માગતી હોય તો કાયદેસર ગણાશે અને વેજીટેટિવ સ્ટેટમાં જીવતી વ્યક્તિને આ અધિકાર મળશે. વ્યક્તિના શ્વાસ ચાલતા હોય અને તેને દાક્તરી ભાષામાં જીવંત કહી શકાય પણ તે મૃત:પ્રાય અવસ્થામાં પથારીમાં પડી હોય, લાઈફ સપોર્ટ સિસ્ટમના આધારે જીવતી હોય ને તેના ફરી હરતાફરતા થવાના કોઈ ચાન્સ ના હોય એવી વ્યક્તિને વેજીટેટિવ સ્થિતિ કહેવાય. સુપ્રીમ કોર્ટે એક્ટિવ યુથેનેસિયા એટલે કે સક્રિય ઈચ્છામૃત્યુ પરનો પ્રતિબંધ ચાલુ રાખ્યો હતો  મતલબ કે, પરાણે મેડિકલ સાયન્સના જોરે જીવતી રખાયેલી વ્યક્તિની લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવી લેવાય તેથી વ્યક્તિ ધીરે ધીરે મૃત્યુ પામે પણ દર્દીને ઝેર કે પછી પેઈન કિલર ઈંજેક્શનનો ઓવરડોઝ આપીને મૃત્યુ ના આપી શકાય. ફિઝીશિયન આસિસ્ટેટ સુસાઈડ એટલે કે ડોક્ટરની મદદથી કરાતો આપઘાત હજુય ભારતમાં પ્રતિબંધિત જ છે.

સુપ્રીમ કોર્ટે પરોક્ષ ઈચ્છામૃત્યુ માટે પણ ચોક્કસ નિયમો બનાવ્યા છે. વ્યક્તિ પોતે વસિયત બનાવીને ક્યાં સંજોગોમાં પોતાને પરોક્ષ ઈચ્છામૃત્યુ આપવું તે પહેલાંથી નક્કી કરી શકે છે. આ વસિયતનો અમલ કોણ કરશે તેનો ઉલ્લેખ ફરજિયાત છે. વસિયતનો અમલ કરવા માટે મેડિકલ બોર્ડનો અભિપ્રાય ફરજિયાત છે તેથી ડોક્ટરોને લાગે કે, વ્યક્તિને વધારે જીવાડવાનો અર્થ નથી ત્યારે જ તેને પરોક્ષ ઈચ્છામૃત્યુ આપી શકાય છે.

હરીશ રાણાના કેસમાં હરીશ અકસ્માતનો ભોગ બનીને કોમામાં જતો રહ્યો હતો તેથી વસિયત લખવાનો પ્રશ્ન નહોતો તેથી સુપ્રીમ કોર્ટે પોતાની વિવેકબુદ્ધિ વાપરીને ઈચ્છામૃત્યુની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટનો આ અભિગમ પ્રસંશનિય કહેવાય કેમ કે દરેક કેસમાં વસિયત ન લખેલું હોય પણ દર્દી મરવાના વાંકે જીવતો હોય તેની કિંમત પરિવારે ચૂકવવી પડતી હોય છે. હરીશનો પરિવાર પણ એ કિંમત ચૂકવતો હતો, સુપ્રીમ કોર્ટે માનવતા દાખવીને તેને રાહત આપી છે.

રેપનો ભોગ બનેલી નર્સ અરુણા 41 વર્ષ કોમામાં રહી...

અરુણા શાનબાગ

અરુણા શાનબાગ મુંબઈ-  પરેલની ‘કિંગ એડવર્ડ મેમોરિયલ (કેઈએમ) હોસ્પિટલ’માં જુનિયર નર્સ હતી. મૂળ કર્ણાટકના કરવાર જિલ્લાના હલદીપુરની અરુણા 1966માં 21 વર્ષની ઉંમરે હોસ્પિટલમાં જોડાઈ ત્યારે અત્યંત આકર્ષક-રૂપાળી હતી. સોહનલાલ ભરથા વાલ્મીકિ નામના વોર્ડબોયે અરુણાને ખેંચવા પ્રયત્ન કર્યા પણ અરુણાએ ભાવ ના આપતાં 27 નવેમ્બર, 1973ની રાત્રે હોસ્પિટલમાં જ અરુણા પર પાશવી બળાત્કાર ગુજાર્યો. સોહનલાલે કૂતરાની ચેઈન અરુણાના ગળા ફરતે વીંટીને બળાત્કાર કરેલો તેથી અરુણાના મગજ સુધી લોહી અને ઓક્સિજન પહોંચતાં બંધ થઈ ગયાં ને અરુણા બ્રેન ડેડ થઈ ગઈ.

બીજા દિવસે અરુણા મૃત:પ્રાય અવસ્થામાં મળી પછી તરત સારવાર માટે ખસેડાઈ પણ તે બ્રેન ડેડ થઈ ચૂકી હતી. થોડા દિવસની સારવાર પછી હોસ્પિટલ મેનેજમેન્ટને લાગ્યું કે, અરુણા નહી જીવે તેથી તેના પરિવારને સોંપી…