Sun May 31 2026

Logo

હેં... ખરેખર?! કૉક્રોચ જૈસા કોઈ નહિ: વગર માથે જીવે છે વંદા

2026-05-31 09:30:00
Author: Praful Shah
Article Image

 

 

 

- પ્રફુલ શાહ



 

કૉક્રોચ એટલે વંદાઓનો કદાચ પહેલીવાર ખૂબ સારો સમય આવ્યો છે. કિચન, સિંક, બાથરૂમ, બંધિયાર મકાન, ટૉઇલેટ અને ગટરના અંઘારા ને ગંધાતા ખૂણામાંથી એકાએક એકદમ લાઇમલાઇટમાં ઝળકવા લાગ્યા છે. ન્યૂઝપેપરના ફ્રન્ટ પેજથી લઈને સોશ્યલ મીડિયા પર સુપરસ્ટાર જેવા સ્થાન-માનપાન મળી રહ્યાં છે. થૅન્ક્સ ટુ ન્યાય તંત્ર, રાજકારણ, પ્રસાર માધ્યમ વગેરે વગેરે. 

 

એક હકીકત કબૂલવી જ પડે વંદાને મળવી જોઈએ એટલી માન્યતા કે સ્વીકૃતિ કરોડો વર્ષથી મળી નથી. એને બદલે મળ્યા અત્યાચાર, અન્યાય ને અવગણના, સતત ને સખત. બાકી વંદાજી પાસે જે તાકાત અને વિશિષ્ટતા છે એ આખી દુનિયામાં કોઈ પાસે નહોતી ને કદાચ ક્યારેય નહિ હોય. 

 

મિસ્ટર કૉક્રોચમાં જન્મજાત પ્રચંડ જીજિવિષા છે. તે પૃથ્વી પરના સૌથી વધુ અવિનાશી જીવમાંનું એક છે. વિજ્ઞાની દાવા મુજબ તેમણે 30 કરોડ વર્ષમાં જીવતા રહેવાની અદ્ભુત શક્તિઓ વિકસાવી છે. તેઓ ડાયનોસોર કરતાંય જૂના છે! આપણને જોવામાં ભલે ચિતરી ચડે પણ વંદાની સહનશક્તિ સામાન્ય જૈવિક ક્ષમતાથી અનેક ગણી છે. આના પ્રતાપે તેઓ ગમે તેટલા ભયાનક મહાવિનાશ, ગંભીર શારીરિક ઈજા અને ભૂખમરાને પણ સહન કરી લે છે ને મહાત પણ આપી દે છે. 

 

વંદાનું મરવું કે એને મારવાનું જરાય આસાન નથી. માનવામાં ન આવે પણ એ માથા વગર જીવી શકે છે. આનો અર્થ એવો કે માથું કપાઈ જાય કે છુંદાઈ જાય તો પણ વંદો મરતો નથી. 

 

તે માથા વગર જીવતો  રહે છે. કૉક્રોચ મોઢા કે માથા દ્વારા નહિ પણ તેના શરીરના દરેક ભાગમાં આવેલા નાનકડા છિદ્રોથી શ્વાસ લે છે. આ રીતે અન્ય જીવોની માફક  શ્વાસ લેવા માટે તેઓ માથા પર નિર્ભર નથી. માથું કપાઈ ગયેલો વંદો એકથી બે અઠવાડિયાં સુધી જીવતો રહી શકે છે. અંતે તે માત્ર એટલા માટે મરે છે કે મોઢું ન હોવાથી તે પાણી પી શકતો નથી અને તરસથી મરી જાય છે. છેને જીવતા રહેવાની અવિશ્વસનીય અને દુર્લભ વિશેષતા? 

 

દુનિયાભરને એક ભય સતત પજવે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થયું તો અણુ શસ્ત્રોના વપરાશથી સર્વનાશનો સાક્ષાત્કાર થશે અને માનવજાતનું સદંતર નિકંદન નીકળી જશે. કુદરતી મહાપ્રલય પણ માનવજાતનને બચવા નહિ દે, પરંતુ વંદાને માથે આવા જોખમ નથી. 

 

માનવજાત કિરણોત્સર્ગથી ખૂબ અસરગ્રસ્ત થાય છે, પણ કૉક્રોચમાં તેની સામે ઘણી વધુ સહનશક્તિ હોય છે. તેઓ માનવો માટે જીવલેણ ગણાતી માત્રા કરતાં 6થી 15 ગણો વધુ કિરણોત્સર્ગ સહન કરી શકે છે. કેવી ગજબનાક શક્તિ, સહનશીલતા અને જીવવાની અદમ્ય ઇચ્છા? 

 

અને વંદાઓ કલ્પના બહારની વિસ્ફોટક પ્રજનન ક્ષમતા ધરાવે છે. કહી શકાય કે તેઓ પ્રજનન કળાના માસ્ટર છે. જર્મન પ્રજાતિની એક માદા કૉક્રોચ જીવનકાળમાં 200થી 250 સંતાનો પેદા કરે છે. તે એક સાથે 30થી 40 ભ્રૂણ ધરાવતા ઈંડાના કોશ મૂકી શકે છે. કેટલીક પ્રજાતિઓ તો નર વગર પણ પ્રજનન કરી શકે છે. હા, માત્ર એક માદા જ આખી વસાહતશરૂ કરી શકે છે!

 

મહેરબાની કુદરતની કે માનવી પાસે વંદા જેવી અને જેટલી ક્ષમતા નથી. (ક્રમશ:)