Thu Jun 25 2026

Logo

મોરનાં પગલાં હજી છે ચોકમાં કોઇ સંદેશો કહો એને જઇ ગઝલકાર ચિનુ મોદીનું યશસ્વી યોગદાન

2026-03-15 09:01:00
Author: રમેશ પુરોહિત
Article Image

 

સર્જકના સથવારે - રમેશ પુરોહિત

ગયા સપ્તાહે આપણે સાહિત્યકાર - કવિ ચિનુ મોદીની સર્જનયાત્રાના કેટલાંક ઉત્તમ મુકામોની વાત કરી હતી. તે દોરને ચાલુ રાખીએ. મારું માનવું છે કે ગુજરાતી ગઝલને સરળ ભાષા આપનાર શયદા સાહેબ પછીની પેઢીએ શયદાના સરલીકરણને અનેક પ્રકારના પેચોખમથી ગૂંચવી માર્યું. ઉર્દૂ-ફારસી શબ્દોની અને ઉર્દૂગઝલમાં વપરાતાં પ્રતીકોની પળોજળ કયાંક કયાંક દેખાતી રહી. ગઝલ સમૃદ્ધ જરૂર થઈ. મુશાયરાઓમાં વાહવાહ પામી અને દુબારામાં ડૂબી ગઇ. એવે વખતે ચિનુ મોદી, આદિલ મન્સૂરી અને મનહર મોદી ગુજરાતી ગઝલને પોતાનું આગવું ભાવવિશ્વ આપે છે. પરંપરાનો વિદ્રોહ થાય છે. અભિવ્યક્તિ નવો આકાર ધારણ કરે છે. ગઝલને પારિભાષિક સંજ્ઞાઓથી ઓળખવાનું બંધ થાય છે. શરૂઆતની મુખરતાને અતિક્રમીને આદિલ ધીમે ધીમે એબસ્ટ્રેક્ટ તરફ જાય છે. ચિનુ મોદી તાજગીભર્યા પ્રતીકો, સરળ ભાષા અને થોડાં શબ્દોમાં ચોટ સાધવાની આગવી પ્રતિભાના દર્શન કરાવે છે.

ચિનુ મોદીની ગઝલકાર તરીકેની લાક્ષણિકતા એ છે કે એમની ગઝલોમાં પ્રમાણમાં ચીલાચાલુ રદીફ કે કાફિયા જોવા નથી મળતા. ગઝલમાં દરેક શેર સ્વતંત્ર એકમ છે. દરેક શેરનો વિચાર, ચિંતન, બયાનની ખૂબી અને ભાવવિશ્ર્વ પોતાનું આગવું હોય છે. કેટલાંક આધુનિક રદીફના જોરે ગઝલના બાહ્યતત્ત્વને સાંકળવા મથામણ કરી રહ્યા છીએ ત્યારે ચીનુ મોદીએ પરંપરાગત શૈલીમાં બિનપરંપરાગત કલ્પનો અને પ્રતીકોથી ગઝલના આંતરતત્ત્વને સમરસ કરવામાં સફળતા મેળવી છે. ચિનુની ભાષામાં વિશેષણો લપસણી ભૂમિ નથી. ભાષા આડંબરી નથી. રોજબરોજની ભાષા કવિનો શબ્દ બનીને કાવ્યસ્વરૂપે નીખરે છે  ચિનુ મોદીને મંચ પરથી ગઝલ રજૂ કરતાં સાંભળીએ ત્યારે પ્રતીતિ થાય કે આ શાયર ભારે સ્વસ્થતાથી પેશ આવે છે. એમની ગઝલનો ભાવ અકબંધ મળે છે એમના આ શેરની માફક :

કંઠથી છટક્યો ટહુકો મોરનો 
ડાળ પરથી જો મળે અકબંધ તો?

ચિનુ મોદી પ્રથમ ‘ઇર્શાદ’ નામ ધારણ કરે છે અને પછી એ નામ ઉપનામ થઇ જાય છે. પોતાના આ નામી તખલ્લુસ વિશે ચિનુ શું કહે છે તે એમના જ શબ્દોમાં ‘-અને ગઝલ અને હું એકાકાર થયાં નહોતાં, પરંતુ 1977માં મને સૌ શ્રદ્ધામાંથી હચમચાવે એવી ઘટના બની. હું ચિનુ મોદીમાંથી ‘ઇર્શાદ’ થયો અને ‘ઇર્શાદ’ નામને બદલે તખલ્લુસ જ રહી ગયું. એ કપરા નૈરાશ્ય અને વૈકટ્યના સમયમાં મને મારી જાતમાં સશ્રદ્ધ કર્યો તો ગઝલ. રાતોરાત ગઝલકાર માટે અનિવાર્ય એવો મિજાજ અને એવી ખુમારી મારામાં પ્રવેશી.

દરેક માણસના શ્વાસમાં પ્રેમની સુવાસ તો ભળેલી હોય છે. જોકે આપણને બધાને આ સહવાસની સુહાસમાં રસ ઓછો હોય છે. સંબંધોની કુથલીમાં વિશેષ રસ હોય છે. ચિનુ મોદી પોતાની લાગણીને, ભાવોને કેવી મુલાયમતાથી ઉઘાડે છે તે જોઇએ.

શ્ર્વાસમાં છલકાય છાની ગંધ તો?
ને બધે ચર્ચાય આ સંબંધ તો?
આંખમાંથી આંસુઓ લૂછો નહીં,
તૂટશે પે...લો ઋણાનુબંધ તો?

હું ક્ષણોના મહેલમાં જાઉં અને
કોક દરવાજો કરી દે બંધ તો?

ચીનુ મોદી પ્રશ્નગઝલો લખવાના માહિર છે. પ્રશ્ન એવો વેધક હોય છે કે એ ભાવકના મનમાં બીજા અનેક પ્રશ્નો મૂકી જાય છે.

આ શાયર ઓછા શબ્દો વાપરીને કહેવાનું બધું કહી દે છે, નાની બહરની ગઝલો એમની વિશેષતા અને વિશિષ્ટતા છે. શબ્દોના પથારાઓ પાથરીને ગઝલને નરી શબ્દાળુ બનાવનારાઓએ આ શાયર પાસેથી ધાર્યું કામ લેવાની ક્ષમતા પ્રાપ્ત કરવી જોઈએ. સંસ્કૃતમાં કહેવાયું છે કે ‘વાક્યં રસાત્મકં કાવ્યમ્’- એક રસસભર વાક્ય પણ કાવ્ય બને છે. આ શાયર શબ્દોને મનોમંથનની સરાણ પર તરાશે અને તપાસે છે. આમ પણ કવિનો શબ્દ નોખો અને અનોખો હોય છે. શબ્દ ક્યારેક આંસુરૂપે આવે છે તો ક્યારેક ફૂલની જેમ લહેરાય છે. કોઈપણ કવિના હૃદયમાં એક ઊંડો જખમ હોય છે. આ જખમ એ એની કવિતાનું મૂળ પ્રેરણાસ્થાન બને છે. ઝખમ કોણે કર્યો, કેમ કર્યો અને એની સાથે ભાવકને સંબંધ હોતો નથી પણ ભાવક પણ ઘાયલ થાય તો કવિકર્મ દીપી ઊઠે છે. ઈશ્ર્વરિય કે દૈવી શક્તિવાળી વાણી એટલે અર્થ જેને અનુસરે છે તેવી વાણી સાચા કવિની હોય છે. ચીનુએ એથી કહ્યું છે:

પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી,
‘ઈર્શાદ’ આપણે તો ઈશ્ર્વરને નામે વાણી.

આ કવિ પાસે ઉર્દૂમાં ગઝલ કહેવાની ક્ષમતા અને ગુજરાતીમાં લખે તો ઉર્દૂમાં પ્રતીકોની મીનાકારી ન કરે. શેખ એટલે ધર્મગુરુ જ્યારે સ્વર્ગની લાલચ આપે ત્યારે ચિનુભાઈનો ધારદાર કટાક્ષ કેવી ચોટ સાધે છે તે જુઓ:

સ્વર્ગની લાલચ ન આપો શેખજી,
મોતનો પણ એક મોભો હોય છે.

આ શાયરને ‘બેફામ’ની જેમ મરણ સાથે પ્રેમ છે. અનેક ગઝલોમાં મોતના છાયા-ઓછાયા ઊતરે છે પણ એ રૂદનના રાગડા નથી બનતા કે નથી બનતી કરુણાંતિકાઓ:
ખરી જાય છે પાંદડાં વૃક્ષ પરથી
મને કેમ વિશ્ર્વાસ શ્ર્વાસો ઉપર છે?

જીરવી લેવું પડે છે શ્ર્વાસનું ખૂટલપણું
કોણ નક્કી મોતની ફરિયાદ દર જન્મે કરે?

છિદ્રવાળા વહાણમાંથી શું વજન ઓછું કરું?
જીવવાની વૃત્તિનો સહુથી વધારે ભાર છે.
* * *
મોત પણ મારી નથી શકતું હવે ‘ઈર્શાદ’ને
એ જીવી શકતો હવે સંભારણાના નામ પર

ગમે તે ક્ષણે આવતું આ મરણ
મને સરખેસરખું એ સજવા ન દે

યમનિયમમાં જડ અને જિદ્દી મરણ
એક ક્ષણ પણ ઝાઝી વાપરતું નથી
ગઝલના માયલાંને નાણીને અને દેખાતા રૂપને જાણીને, ગઝલના ખુમારને સમજીને, ગઝલના મુલાયમ મિજાજને પિછાણીને, ગઝલનાં અંદાઝે-બયાનને પચાવીને, શબ્દોની છટકબારીઓ વાસીને, ચમત્કૃતિઓના શણગારોને નવલાં રૂપ આપીને સભાનતાપૂર્વક નવી ગઝલોથી ગુર્જરગિરાના અસબાબને અભિવ્યક્તિના નવોન્મેષોથી ચાર ચાંદ લગાવી શકે એવા શાયરોમાં મોખરાનું નામ છે ચિનુ મોદી. જોઈએ એમનો અંદાઝ:
આ ગઝલ લખવાનું કારણ એ જ કે
પાંદડે ભેગું કરેલું તેજ છે.

એકલો ઈર્શાદ કેવો એકલો
શબ્દથી અક્ષર થયે વરસો થયાં

ખૂબ ઘેરી ને ગહન છે લાગણી
એ ઝરણાની જેમ ખળખળ ના કરે

ક્રોધ તો કરતો નથી ‘ઈર્શાદ’ પણ,
ના ગમે તો વાત આગળ ના કરે.

ચિનુ મોદી એકાંતના માણસ પણ એકલપેટાં નહીં. બે જણાં દિલથી મળે તો એક મજલિસ થતી હોવાનું મરીઝ કહે છે ત્યારે ચિનુ એ ક્ષણોને રંગીન બનાવે છે. આ રંગીની મિજાજ ગુજરાતી ગઝલનો પ્રાણ છે:

બે જણાં દિલથી મળે એકાંતમાં 
એ ક્ષણો હંમેશ રંગીન હોય છે.

આમ તો આ કવિ વેદનાને ઘૂંટતા નથી, આપત્તિને તારસ્વરે રજૂ કરવાનું ટાળે છે, પણ આવા શેરમાં પોતાની આવડતથી આગળ વધે છે જેમ કે:

એ નદીના તટ ઉપર ફરશું હવે
જે અમે ભરચક કરી આંસુ દઈ

મોરના પગલાં હજી છે ચોકમાં
કોઈ સંદેશો કહો એને જઈ

ટેવવશ કે લાગણીવશ શી ખબર?
પણ હજી સ્હોરાય મન તારા વગર

ચિનુ મોદી ગઝલો ઉપરાંત મુક્તકો પણ આપે છે. ચિનુભાઈ ફારસી મુક્તક રૂબાઈમાં પણ માહેર છે. ગુજરાતીમાં રૂબાઈનુમા મુક્તકો પણ મળે છે. ચિનુના આવા મુક્તકો પણ સમૃદ્ધ વારસો છે:
પથ્થરો પોલી નીકળશે શી ખબર?

ને મિત્ર બહુ ભોળા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરાં હશે કોને ખબર?

સ્વપ્નમાં સંકેત તો કરવો હતો
રાતનો ખાલીપો તો ભરવો હતો
આ વિરહમાં મારી બન્ને આંખને 
મોતીનો ચારો ફક્ત ચરવો હતો.

જણાતો કોઈને ક્યારેક જળમાં
જણાતો કોઈને એકાદ સ્થળમાં
અજાણ્યો ખૂબસૂરત એક ચહેરો
મને દેખાય છે પ્રત્યેક પળમાં
ચિનુની ગઝલમાં સૌંદર્યબોધ છે અને સ્વરૂપ વિશે સભાનતા છે:

આપણાં સંબંધના ઈતિહાસનો આ સાર છે
પાણીની સમજણ નથી ને વ્હાણનો આકાર છે.

જાત ઝાકળની છતાં કેવી ખુમારી હોય છે
પુષ્પ જેવા પુષ્પ પર મારી સવારી હોય છે.