Sun Jul 12 2026

Logo

આસ્થાનું શિલ્પ - જળનું તત્ત્વજ્ઞાન: આકાશથી પાતાળ તરફની કલાત્મક સફર એટલે વાવ!

2026-07-12 09:24:33
Author: Abhimanyu Modi
Article Image

કેનવાસ - અભિમન્યુ મોદી

રાણકી વાવ 

માણસની આધ્યાત્મિક યાત્રાને સમજવા માટે તેના સ્થાપત્યનો અભ્યાસ કરવો બહુ રસપ્રદ છે. આપણે ત્યાં જ્યારે પણ આસ્થાના પ્રતીક સમાન કોઈ સ્થાપત્યનું નિર્માણ થયું ત્યારે મોટાભાગે ઇમારતના શિખરને આકાશ તરફ ઊંચે લઈ જવાનો પ્રયાસ થયો. મંદિરની ધજા હોય, મસ્જિદનો મિનારો હોય કે ચર્ચની ટોચનું શિખર હોય આ બધું જ દર્શાવે છે કે માણસ પોતાના ઈશ્વરને ઉપર આકાશમાં શોધે છે. પ્રકાશ અને ઊંચાઈ તરફ જવાની આ માણસની સહજ વૃત્તિ છે.

જોકે, ભારતના પશ્ર્ચિમ પટ્ટામાં, ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનની ભૂમિ પર એક એવું અનોખું અને વિપરીત સ્થાપત્ય વિકસ્યું, જેણે આકાશ ભણી જવાને બદલે ધરતીના ગર્ભમાં ઊંડે ઊતરવાનું પસંદ કર્યું. આ સ્થાપત્ય એટલે ‘વાવ’. વાવ એ માત્ર પાણીનો સંગ્રહ કરવા માટે ખોદાયેલો કોઈ સામાન્ય કૂવો કે ટાંકી નહોતી, એ પાતાળ તરફ જતું એક એવું ભૂગર્ભ મંદિર હતું, જેણે જળને ઈશ્વર માનીને તેની પ્રતિષ્ઠા કરી.

વાવના સ્થાપત્ય પાછળનું તત્ત્વજ્ઞાન સમજવા જેવું છે. મંદિર આકાશ તરફ જાય છે, જે ગૌરવ, સિદ્ધિ અને પ્રકાશનું પ્રતીક છે. જ્યારે વાવ ધરતીની અંદર ઊતરે છે ત્યારે એ નમ્રતા, સ્વીકાર અને શાંત અંધકારનું પ્રતીક છે. ગુજરાત-રાજસ્થાન જેવા સૂકા પ્રદેશોમાં જ્યાં વર્ષના મોટા ભાગના મહિનાઓમાં ગ્રીષ્મનો આકરો તાપ પડતો હોય, ત્યાં પાણી એ માત્ર ભૌતિક જરૂરિયાત નહોતી, પણ એ જીવનનો પર્યાય હતું. આકરા તાપમાં તપતી ધરતીની નીચે છુપાયેલા એ શીતળ જળ સુધી પહોંચવાની પ્રક્રિયાને આપણા પૂર્વજોએ એક યાત્રાનું રૂપ આપી દીધું. વાવનાં પગથિયા ઊતરવાં એ કોઈ સામાન્ય ક્રિયા નહોતી, એ પ્રખર તાપમાંથી શીતળતા તરફ, કોલાહલમાંથી નીરવ શાંતિ તરફ અને બહારની ભૌતિક દુનિયામાંથી પોતાની ભીતરની દુનિયા તરફ જવાની એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા હતી.

જ્યારે તમે કોઈ ભવ્ય વાવનાં પગથિયાં ઊતરવાની શરૂઆત કરો છો ત્યારે એક અદ્ભુત અનુભવ થાય છે. જમીનના સ્તર પર આંખોને આંજી દેતો સૂર્યપ્રકાશ હોય છે અને હવામાં ઉષ્મા હોય છે, પરંતુ જેમ જેમ તમે એક એક માળ નીચે ઊતરતા જાઓ છો તેમ તેમ તાપમાન ઘટતું જાય છે. સૂર્યનો સીધો પ્રકાશ એક રહસ્યમય અર્ધ-અંધકારમાં ફેરવાવા લાગે છે. વાવની દીવાલો પર કંડારેલાં શિલ્પો જાણે એ શાંતિમાં તમારી સાથે મૌન સંવાદ કરતાં હોય તેવું લાગે. છેક નીચે, સાતમા કે આઠમા માળે પહોંચો ત્યારે જે નીરવ શાંતિનો અનુભવ થાય છે તે કોઈ પણ ધ્યાન કેન્દ્ર કરતાં ઓછો નથી હોતો. ત્યાં તળિયે સ્થિર પડેલું જળ માત્ર તરસ નથી છીપાવતું, પણ માણસના અશાંત મનને એક પ્રકારની અગાધ સ્થિરતા પ્રદાન કરે છે. આ એક એવી જગ્યા હતી જ્યાં ધરતીએ પોતાનો ખોળો ખોલીને માણસને આશ્રય આપ્યો હતો.

આ સ્થાપત્યનું સામાજિક પાસું પણ એટલું જ સુંદર હતું. જૂના સમયમાં પાણી ભરવા જવું એ સ્ત્રીઓ માટે માત્ર શારીરિક શ્રમ નહોતો, પણ એ તેમનો સામાજિક મુક્તિનો સમય હતો. ઘરની ચાર દીવાલો અને સામાજિક બંધનોમાંથી થોડી વાર બહાર નીકળીને, વાવના એ ઠંડાં પગથિયાં પર બેસીને સ્ત્રીઓ પોતાનાં સુખ-દુ:ખ વહેંચતી. વાવના એ અંધારા ખૂણાઓ અને કોતરણીવાળા ઝરૂખાઓએ પેઢીઓ સુધી અનેક રહસ્યો, આંસુઓ અને હાસ્યને પોતાનામાં સાચવી રાખ્યાં છે. વાવની ભૌમિતિક રચના એવી હતી કે તેમાં પ્રકાશ અને પડછાયાની સતત એક રમત ચાલતી રહે. તળિયે રહેલું જળ જ્યારે ઉપરના ખલ્લા આકાશનું પ્રતિબિંબ પોતાનામાં ઝીલતું ત્યારે જાણે પાતાળ અને આકાશ વચ્ચે કોઈ અદૃશ્ય સેતુ રચાઈ જતો. નીચે ઊભા રહીને ઉપર જોતાં જે ચોરસ આકાશ દેખાય તે માણસને પોતાની લઘુતાનો અહેસાસ કરાવવા માટે પૂરતું હતું.

આજે આપણી પાસે ઘરમાં જ નળ ખોલતાંની સાથે પાણી આવી જાય છે. આધુનિકતા અને યંત્રોએ આપણને સુવિધા ચોક્કસ આપી છે, પણ પાણી સાથેનો આપણો પેલો જીવંત અને આધ્યાત્મિક નાતો તોડી નાખ્યો છે. આજે જળ એ માત્ર પાઇપલાઇનમાંથી વહેતી એક વપરાશની વસ્તુ બની ગયું છે. તેને પામવા માટે હવે આપણે કોઈ પગથિયાં ઊતરવા પડતાં નથી કે નથી એ જળ સુધી પહોંચતાં પહેલાં કોઈ શિલ્પો કે મૌનમાંથી પસાર થવું પડતું. સુવિધાની આ આંધળી દોટમાં આપણે જળ પ્રત્યેનો આદર અને વાવના એ અદ્ભુત સ્થાપત્યએ શીખવેલી નમ્રતા બંને ગુમાવી બેઠા છીએ.

આજે જ્યારે સમય કાઢીને કોઈ જૂની ખંડિત વાવનાં પગથિયાં ઊતરીએ ત્યારે એ સૂકા પડી ગયેલા તળિયામાંથી એક અવાજ ચોક્કસ સંભળાય છે. એ સ્થાપત્ય આપણને યાદ અપાવે છે કે ઈશ્વરને પામવા માટે કે મનની શાંતિ શોધવા માટે હંમેશાં ઊંચા શિખરો સર કરવાની કે ઘોંઘાટ કરવાની જરૂર નથી હોતી. ક્યારેક પોતાની ભીતર ઊંડા ઊતરવું, અંધકાર અને એકાંતનો સ્વીકાર કરવો અને અહંકારનાં પગથિયાં ઊતરીને નમ્રતાના તળિયે જવું વધુ જરૂરી હોય છે. વાવ એ માત્ર પથ્થરોની ગોઠવણ નથી, એ માણસને પોતાનાં મૂળિયાં અને પ્રકૃતિ સાથે જોડી રાખતું એક અસાધારણ ફિલોસોફિકલ કાવ્ય છે, જે આજે આધુનિકતાના કોલાહલમાં ક્યાંક સાવ મૂગું બની ગયું છે.

પાટણની વિશ્ર્વવિખ્યાત ‘રાણકી વાવ’ હોય, અડાલજની કલાત્મક ‘રૂૂડાબાઈની વાવ’ હોય, અમદાવાદની ‘દાદા હરિની વાવ’ હોય કે પછી જૂનાગઢની ખડકો ચીરીને બનાવેલી ‘અડી-કડી વાવ’ હોય ગુજરાતની ધરતી પર પથરાયેલાં આ સ્થાપત્યો માત્ર પાષાણનું બાંધકામ નથી, પણ આપણા પૂર્વજોએ જળને અર્પણ કરેલું મહાકાવ્ય છે. જ્યારે પણ આ વાવનાં પગથિયાં પર બેસવાનો મોકો મળે ત્યારે એના અંધારા ખૂણાઓમાં સચવાયેલો પેલો મૌન સંદેશો સાંભળવાનો પ્રયાસ કરજો.

આ સ્થાપત્યો મૂગા મોઢે કહે છે કે જે સંસ્કૃતિ પાણીને ‘તીર્થ’ માનીને તેને પામવા પાતાળ સુધી ઊતરી શકતી હતી તે સંસ્કૃતિનાં મૂળિયાં ક્યારેય છીછરાં ન હોઈ શકે. આ વાવોના તળિયે ભલે આજે સમય જતાં પાણી સુકાઈ ગયું હોય, પણ તેનાં પગથિયાં પર કંડારાયેલી નમ્રતા અને જળ પ્રત્યેની આસ્થાની ભીનાશ આપણી ભીતર હંમેશાં અકબંધ રહેવી જોઈએ.