Wed Aug 19 2026

Logo

ફોકસઃ લો બજેટમાં આજકાલ કેવી રીતે બનશો ફૅશનેબલ?

2026-07-30 09:27:00
Author: Kalpana Shah
Article Image

કલ્પના શાહ


ફૅશન હવે ફક્ત મોંઘી બ્રાન્ડ્સ, ડિઝાઇનર કપડાં અને ઊંચી કિમતની એક્સેસરીઝનો પર્યાય નથી. આ બદલાતા યુગમાં સ્ટાઇલનો અર્થ વ્યક્તિની પસંદગી, વ્યક્તિત્વ અને સર્જનાત્મકતાને અસરકારક રીતે વ્યક્ત કરવાનો થઈ ગયો છે. આ જ કારણ છે કે આજના યુવાનો મર્યાદિત બજેટમાં પણ એવો લુક બનાવી શકે છે જે મોંઘા ફૅશન ટ્રેન્ડથી ઓછો નથી. 

સોશ્યલ મીડિયા, ઑનલાઇન શૉપિંગ પ્લૅટફૉર્મ અને થ્રિફ્ટ ફૅશનની વધતી જતી લોકપ્રિયતાએ ફૅશનેબલ દેખાવાના રીત-રિવાજોને સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. હવે લોકો જૂનાં પરિધાનોને નવા અંદાજમાં પહેરવામાં અને સ્થાનિક બજારમાંથી ખરીદેલી વસ્તુઓને સ્માર્ટ રીતે સ્ટાઇલ કરવામાં વધુ રસ દાખવી રહ્યા છે, કારણ કે આવું કરવાથી ઓછા બજેટમાં પણ પોતાને ફૅશનબલ અને આકર્ષક રીતે રજૂ કરી શકાય છે. ઓછા બજેટમાં ફૅશનબલ બનવાના અને દેખાવાના કેટલાક અન્ય ઉપાયો પણ છે. આવો, તેને ક્રમવાર જાણીએ.

બ્રાન્ડેડ કપડાં જ બધું નથી

એ વાત સાચી છે કે બ્રાન્ડેડ કપડાંની ગુણવત્તા સારી હોય છે, પરંતુ તે ઘણી વખત ખૂબ મોંઘાં પણ હોય છે. એ પણ જરૂરી નથી કે બધાં બ્રાન્ડેડ કપડાં ફૅશનેબલ જ દેખાય. તેથી સૌપ્રથમ એવાં બ્રાન્ડેડ કપડાં પર પૈસા ખર્ચવાનું બંધ કરો જે અત્યંત મોંઘાં હોય. થોડી સમજદારી અને જાગૃતતા સાથે તમે ઓછી કિમતમાં પણ એવાં કપડાં ખરીદી શકો છો, જે તમને બ્રાન્ડેડ કપડાં સ્ટાઇલિશ અને ફૅશનેબલ દેખાડે. કપડાંની પસંદગી કરતી વખતે બ્રાન્ડ કરતાં તેની ડિઝાઇન, ફિટિગ, રંગ અને તમારા વ્યક્તિત્વને અનુકૂળતા પર વધુ ધ્યાન આપો. આ રીતે તમે ઓછા ખર્ચે પણ આકર્ષક અને ટે્રન્ડી લૂક મેળવી શકો છો.

સ્કાર્ફ સાથે ફ્યુઝન કરો

ઘણી વખત દુપટ્ટાનો રંગ ફીકો પડી જાય કે તે જૂનો લાગી જાય, તો લોકો તેને ફેંકી દેતા હોય છે, પરંતુ આ જ દુપટ્ટો તમારી ડ્રેસિંગ સ્ટાઇલને કેટલો ફૅશનેબલ બનાવી શકે છે તેની તમે કલ્પના પણ નહીં કરી શકો. તમે તમારા દુપટ્ટાનો ઉપયોગ સ્કાર્ફ તરીકે કરી શકો છો. આ રીતે તેને જીન્સ અને ટૉપ સાથે પણ સરળતાથી સ્ટાઇલ કરી શકાય છે. એક સામાન્ય ટૉપ સાથે સ્કાર્ફ તરીકે પહેરેલો દુપટ્ટો તમારા લુકમાં નવી તાજગી અને આકર્ષણ ઉમેરે છે. આ નાનકડો ફેરફાર તમારા સાદા દેખાવને સ્ટાઇલિશ અને ટે્રન્ડી બનાવી શકે છે, જેથી તમે ઓછી મહેનત અને ઓછા ખર્ચે પણ કૂલ અને ફૅશનબલ દેખાઈ શકો છો.

બેન્ડ પહેરો

જો તમને ફંકી અને અલગ પ્રકારનો લુક ગમતો હોય તો તમે વિવિધ રંગોના બેન્ડ્સ ટ્રાય કરી શકો છો. જ્યારે તમે પાયજામા અને લૂઝ શર્ટ પહેરો છો ત્યારે તેની સાથે રંગબેરંગી બેન્ડ્સ પહેરવાથી તમારો લૂક વધુ સ્ટાઇલિશ, અને યુનિક દેખાશે.

તમારા ટૉપને ફરીથી ડિઝાઇન કરો

જો તમારી પાસે કેટલાંક જૂનાં ટૉપ પડ્યા હોય અને તમે તેને નકામા સમજીને ફેંકી દેવાનું વિચારી રહ્યા હો તો એવું ન કરો. સૌપ્રથમ તમારાં બધાં જૂનાં ટૉપ એકત્રિત કરો અને પછી તમારી ક્રિએટિવિટીનો ઉપયોગ કરો. તમે કેટલાંક ટૉપને કાપીને અથવા તેમાં નાની-મોટી ડિઝાઇનમાં ફેરફાર કરીને નવા પ્રકારનાં ટૉપ બનાવી શકો છો. જૂના કપડાંને નવા અંદાજમાં રીડિઝાઇન કરવાથી તમને એક અનોખો અને આકર્ષક લુક મળશે. આ રીતે તમે તમારી ક્રિએટિવિટી દ્વારા ઓછા ખર્ચે નવો અને ફૅશનેબલ ટૉપ તૈયાર કરી શકો છો.

સેલનો લાભ લો

તમારી સ્ટાઇલમાં નવો બદલાવ લાવવા માટે સેલનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે. પછી તે વર્ષના અંતનો સેલ હોય કે સીઝનના અંતનો, બંને તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સેલ તમને નવાં-નવાં કપડાં અજમાવવાની તક આપે છે. જોકે, સેલમાં ખરીદી કરતી વખતે સમજદારી રાખવી જરૂરી છે. ખાસ કરીને જો તે ઑફ-સીઝન સેલ હોય તો એ જરૂર તપાસો કે જે કપડાં તમે ખરીદી રહ્યા છો તેનો ટ્રેન્ડ આવતા વર્ષે પણ રહેશે કે નહીં. ઉપરાંત, શું તમે તેમાં થોડો ફેરફાર કરીને તેને વધુ ફૅશનેબલ બનાવી શકશો? જો જવાબ `હા' હોય તો એ ખરેખર ફાયદાકારક ખરીદી ગણાશે.

જંક જ્વેલરી ટ્રાય કરો

એવા બજારમાં જાઓ જ્યાં ઓછી કિમતે વધુ વિવિધતા અને સારી વસ્તુઓ મળી રહે. ત્યાંથી સસ્તી અને આકર્ષક જંક જ્વેલરી ખરીદી શકો છો. તેમાં હાર, કાનના ઇયરરિગ્સ, વીંટી, કડા વગેરેનો સમાવેશ થઈ શકે છે. જંક જ્વેલરીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને લગભગ દરેક પ્રકારનાં કપડાં સાથે પહેરી શકાય છે. પછી તે પરંપરાગત સલવાર-સૂટ હોય કે આધુનિક વેસ્ટર્ન ડ્રેસ, જંક જ્વેલરી તમારા લૂકમાં ચાર ચાંદ લગાવી શકે છે. ઓછી કિમતમાં સ્ટાઇલિશ અને ટ્ન્ડીરે દેખાવા માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.