Tue Aug 18 2026

Logo

સમાજસુધારાનાં હિમાયતી: રમાબાઈ રાનડે

2026-08-13 09:17:00
Author: Tina Doshi
Article Image

ટીના દોશી

યમુનાબાઈ કૂર્લેકરને ઓળખો છો?

આ સવાલનો જવાબ નકારમાં વાળતાં પહેલાં એટલું જાણી લેજો કે યમુનાબાઈ કૂર્લેકર એ બીજું કોઈ નહીં, પણ રમાબાઈ રાનડે પોતે ! યમુનાબાઈ એ રમાબાઈનું પિયરનું નામ હતું. જોકે યમુનાબાઈ તરીકે એને કોઈ ન ઓળખે અને રમાબાઈ નામે કોઈ ન ઓળખે એવું બને નહીં !

રમાબાઈ એટલે ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેની પત્ની એ ખરું, પણ એની ઓળખ માત્ર પતિના નામ સાથે જોડાયેલી નથી. રમાબાઈ સમાજસેવિકા હતાં, સ્ત્રીશિક્ષણને પ્રોત્સાહન આપેલું, બાળવિવાહની નાબૂદી માટે પ્રયત્નો કરેલા, પીડિત સ્ત્રીઓ માટે સેવાસદનની સ્થાપના કરેલી, મહિલા મતાધિકારના પુરસ્કર્તા હતાં અને સૌથી મોટું કામ એ કરેલું કે સ્ત્રીઓ માટે પ્રતિબંધિત ગણાયેલા નર્સિંગના વ્યવસાયમાં સ્ત્રીઓને માનભેર પ્રવેશ અપાવેલો. 

રમાબાઈએ નર્સિંગ ક્ષેત્ર આડે આવતા અવરોધોને ઓળંગીને સેવાસદન સોસાયટી દ્વારા સ્ત્રીઓને નર્સિંગમાં શિક્ષિત કરેલી. ભારત સરકારે રમાબાઈની સ્મૃતિમાં 15 ઑગસ્ટ 1962ના રોજ 15 નયા પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડેલી. 

આ રમાબાઈનો જન્મ યમુનાબાઈ તરીકે દેવરાષ્ટ્રે ગામમાં કૂર્લેકર નામે સરદાર કુળમાં ઉમાબાઈ અને માધવરાવ કૂર્લેકરને ઘેર 25 જાન્યુઆરી 1863ના થયો. એ જમાનાના રિવાજ મુજબ પાંચમે કે સાતમે વરસે ક્ધયાવિવાહ થઈ જતાં, પણ માધવરાવની લાડકવાયી હોવાથી 1873માં રમાનાં લગ્ન અગિયારમે વર્ષે બત્રીસ વર્ષના વિધુર ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે સાથે કરાયાં. લગ્ન પછી ક્ધયાનું નામ બદલવાના મરાઠી રિવાજ મુજબ યમુનાનું રમા નામે નામકરણ થયું. 

મહાદેવ રાનડે ન્યાયમૂર્તિ અને રમાબાઈ નિરક્ષર. પહેલી નજરે જ કજોડું લાગે, પણ આ  જોડું જ આગળ જતાં સજોડું સાબિત થયું. રમાબાઈનો ઉછેર જૂની રૂઢિ મુજબ થયો, જયારે મહાદેવનું ઘડતર નવા વિચારો અને નવા વાતાવરણમાં થયેલું. એમણે જ્યારે જાણ્યું કે રમાબાઈ તદ્દન અશિક્ષિત છે ત્યારે તેમણે પાટીપેન લાવીને શ્રી ગણેશાય નમ:નો પાઠ રમાને આપ્યો. રોજ રાત્રે રમાબાઈને ભણાવવામાં ન્યાયમૂર્તિ બે કલાક ગાળતા. પંદરમે દિવસે જ્યારે રમાબાઈએ બાળપોથીમાંનો પાઠ વાંચી બતાવ્યો ત્યારે મહાદેવ રાનડેને સંતોષ થયો.  

ન્યાયમૂર્તિએ ધીરજથી રમાબાઈને ભણાવવાનું શરૂ કર્યું. રમાબાઈ ધગશથી ભણતી. પતિની  પ્રેરણાથી રમાબાઈ માતૃભાષા મરાઠીમાં પારંગત થઈ ગઈ. ઇતિહાસ, ભૂગોળ અને ગણિત પણ એ ભણી. જોકે ઘરની સ્ત્રીઓનો વિરોધ રમાબાઈએ સહન કરવો પડ્યો, પણ રમાબાઈએ મહાભારતમાં અર્જુને માત્ર માછલીની આંખ પર ધ્યાન કેન્દ્રિત કરેલું એમ ભણવાને જ લક્ષ બનાવ્યું. રાનડેએ પત્નીને અંગ્રેજી ભણાવવા માંડ્યું, પરિવારની સ્ત્રીઓના વિરોધ વચ્ચે.

ઘરની સ્ત્રીઓ રમાબાઈનું અપમાન કર્યા કરતી, પણ એ કડવો ઘૂંટડો ગળી જતી. એણે પોતાનું ધ્યાન માત્ર અંગ્રેજી શીખવા પર  કેન્દ્રિત કર્યું. પરિણામે રમાબાઈ અંગ્રેજી પણ ઝડપથી શીખી ગઈ. રમાબાઈ સારી પેઠે શિક્ષિત થયાનું લાગતાં ન્યાયમૂર્તિ રાનડેએ ચાકડે ચડાવીને કાચી માટીને આકાર આપતાં કુંભારની કુશળતાથી પત્નીના જીવનને ઘાટ આપ્યો. એને જાહેરજીવન ભણી વાળી. એ પોતે બાળવિવાહ, અસ્પૃશ્યતા અને સતીપ્રથાના વિરોધી હતા. સ્ત્રીશિક્ષણ અને વિધવા પુનર્વિવાહના પ્રખર હિમાયતી પણ ખરા. એમણે રમાબાઈને પણ આ દિશામાં કામ કરવા પ્રેરી. આ જ ગાળામાં રમાબાઈ પંડિતા સાથે પણ રમાબાઈનો પરિચય થયો. સોનામાં સુગંધ ભળી.   

દરમિયાન  રમાબાઈએ જાહેર જીવનમાં પહેલું પગલું માંડી દીધેલું. 1878માં નાસિક હાઈ સ્કૂલના પુરસ્કાર વિતરણ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને રમાબાઈએ જાહેર જીવનનો આરંભ કર્યો. પ્રવચનોની પરંપરા સર્જાઈ. પ્રભાવી વકતા બની. જોકે ઘરની સ્ત્રીઓનો વિરોધ શમવાનું નામ નહોતો લેતો, પણ તેના પ્રત્યે દુર્લક્ષ સેવીને રમાબાઈ આગળ વધતી રહી. 

મુંબઈમાં પ્રાર્થના સમાજ માટે કામ કર્યા પછી પુણેમાં આર્ય મહિલા સમાજની શાખા એણે સ્થાપી. 1893થી 1901 સુધી રમાબાઈની સામાજિક પ્રવૃત્તિઓ શિખરે પહોંચેલી. દરમિયાન 16 જાન્યુઆરી 1901માં ન્યાયમૂર્તિનું નિધન થયું, પણ રમાબાઈ પતિએ ચીંધેલા રસ્તે આગળ વધતી રહી. 1902માં રમાબાઈએ હિંદુ લેડીઝ સોશ્યલ ક્લબની સ્થાપના કરેલી. મહિલાઓને વિવિધ ભાષાઓ, સામાન્ય જ્ઞાન, સિવણ અને હસ્તકળાઓ શીખવવાના વર્ગો શરૂ કર્યા. 

રમાબાઈ સ્ત્રીઓના ઉત્થાન માટે સતત કાર્યરત રહી. 29 ડિસેમ્બર 1904ના  મુંબઈમાં પ્રથમ ભારત મહિલા પરિષદની સ્થાપના કરી. બાળવિવાહને નાબૂદ કરવા અથાક પ્રયત્ન કર્યા. સ્ત્રીઓને શિક્ષણ, કાનૂની અધિકારો, સમાનતા અંગે જાગૃત કરી. સ્ત્રીઓને નર્સિંગનો વ્યવસાય અપનાવવા પ્રેરી. આ સઘળા પ્રયાસોના ફળસ્વરૂપે સેવાસદનની સ્થાપના થઈ. મલબારી શેઠજીએ મુંબઈમાં સેવાસદન નામની સંસ્થા 1908માં ખોલી. 

તેનું અધ્યક્ષપદ સંભાળવાની જવાબદારી રમાબાઈએ સ્વીકારી. એ પછી ગોપાળરાવ દેવધર અને ડૉ. ભંડારકરના સહયોગથી 2 ઑક્ટોબર 1909ના દિવસે પુણેમાં રમાબાઈને ઘેર પુણે સેવાસદનની સ્થાપના કરવામાં આવી. હિંદુ લેડીઝ સોશ્યલ ક્લબને સેવાસદનમાં ભેળવી દેવાઈ. અગણિત પીડિત મહિલાઓ માટે સેવાસદન ‘ઘરથી દૂર ઘર’ બની ગયું. પ્રથમ ભારતીય નર્સનું પ્રશિક્ષણ સેવાસદનમાં જ થયેલું. 

આ સેવાસદન નાનકડા છોડમાંથી વટવૃક્ષ બની ગયું. આ વટવૃક્ષ હેઠળ છાત્રાવાસો, પ્રશિક્ષણ મહાવિદ્યાલયો, વ્યાવસાયિક કેન્દ્રો, વેચાણ કેન્દ્રો અને અન્ય સુવિધાઓ પ્રદાન કરવામાં આવી. રમાબાઈએ ન્યાયમૂર્તિ રાનડેના દેહાંત પછી ચોવીસ વર્ષ સુધી મહિલાઓમાં સામાજિક જાગૃતિ ઉત્પન્ન કરવાનું, તેમની ફરિયાદોનું નિવારણ કરવાનું અને પીડિત મહિલાઓના પુનર્વસન માટે અવિરતપણે કામ કર્યું. 

1918માં રમાબાઈએ યુદ્ધ સંમેલનમાં ભાગ લીધો અને ભારતીય મહિલાઓ વતી ગવર્નર સાથે સંવાદ કર્યો. એમણે ફીજી તથા કેન્યામાં ભારતીય શ્રમિકોનાં હિતોની જાળવણી માટે પણ સંઘર્ષ કર્યો. 1918થી 1923 સુધી મહિલા મતાધિકાર અભિયાનમાં પણ આગળ પડતો ભાગ લીધો. મહિલાઓ માટે આટઆટલું કામ કર્યા પછી પણ પોતાની સફળતા પાછળ પતિનો હાથ હોવાનું એ ક્યારેય ન ભૂલી. એથી જ 24 માર્ચ 1924ના સ્વર્ગવાસ થયો ત્યાં સુધી પોતાનો પરિચય આપતાં એ વિનમ્રતાથી એટલું જ કહેતી કે હું તો મારા પતિનો પડછાયો માત્ર છું!