Tue Aug 18 2026

Logo

ફેશનઃ તમે કેવા સ્ટ્રોલ વાપરશો?

2026-08-13 09:22:00
Author: Khushbu Mulani Thakkar
Article Image

 

ખૂશ્બુ મુલાણી ઠક્કર

આજની યુવતીઓ માટે સ્ટ્રોલ એ માત્ર એક એક્સેસરી નથી, પરંતુ તેમના લૂકને સંપૂર્ણ બનાવતું મહત્ત્વનું તત્ત્વ છે. સ્કાર્ફ શબ્દ તમે ચોક્કસ સાંભળ્યો હશે.પહેલાં ઘણી યુવતીઓ સ્કાર્ફ પહેરવાનું પસંદ કરતી હતી, પણ હવે સ્કાર્ફની જગ્યા સ્ટ્રોલે લઈ લીધી છે.સ્ટ્રોલ એટલે જેની લેન્થ સામાન્ય રીતે 2 મીટર કે 2.5 મીટર હોય છે અને વિથ 20થી 22 ઇંચ જેટલી નાની રહે છે. આ કદ તેને પહેરવામાં સરળ અને સ્ટાઇલિશ બનાવે છે. 

સ્ટ્રોલ અનેક પ્રકારની ડિઝાઇન અને ફૅબ્રિકમાં ઉપલબ્ધ છે. તે તમારા સમગ્ર લુકમાં એક સ્માર્ટ એલિમેન્ટ ઉમેરે છે અને તમને વધુ આકર્ષક બનાવે છે. ચાલો જાણીએ કયા પ્રકારના સ્ટ્રોલ હોય છે અને તેને કેવી રીતે પહેરી શકાય.

પ્યૉર શિફોન સ્ટ્રોલ આજે સૌથી વધુ પસંદગી પામે છે. પ્યૉર શિફોનનું ફૅબ્રિક ખૂબ જ પાતળું અને હળવું હોય છે. મોટાભાગે આ સ્ટ્રોલ પ્લેન અથવા હૅન્ડ પ્રિન્ટેડ હોય છે. પાતળા ફૅબ્રિકને કારણે તેના પર ભારે કામ કે એમ્બ્રોઇડરી કરવી મુશ્કેલ છે. તેથી ઘણી વાર ચારેય બાજુએ પાતળી લેસ લગાડીને તેને હાઇલાઇટ કરવામાં આવે છે. કેટલીક વાર ચારેય ખૂણામાં ટસલ નાખીને ફેન્સી લૂક આપવામાં આવે છે. શિફોનના સ્ટ્રોલને શેડ કરીને પણ પહેરી શકાય છે. 

આ ફૅબ્રિક પોતે જ રિચ અને એલિગન્ટ હોવાથી તેને વધારે ડેકોરેટ કરવાની જરૂર પડતી નથી. માત્ર બૉર્ડર અથવા સરળ લેસ પણ પૂરતી છે. પ્યૉર શિફોન સ્ટ્રોલ સિલ્કના ડ્રેસ કે લિનનના કુર્તા-પાયજામા સાથે ખૂબ સારા લાગે છે. તે હળવા હોવાથી ગરમીમાં પણ આરામદાયક રહે છે અને ફૉર્મલ કે સેમી-ફૉર્મલ અવસરો માટે આદર્શ છે.

રેયોન સ્ટ્રોલ કૅઝ્યુઅલ વેર માટે સર્વોત્તમ વિકલ્પ છે. આ સ્ટ્રોલ પ્લેન અને પ્રિન્ટેડ બંને પ્રકારમાં મળે છે. કૉલેજ જતી યુવતીઓ રેયોનના સ્ટ્રોલને વિશેષ પસંદ કરે છે, કારણ કે તે ખૂબ સૉફ્ટ અને કમ્ફર્ટેબલ હોય છે. 

ગરમીમાં જ્યારે મોઢા પર કવર કરવું પડે ત્યારે પણ સફોકેશન થતું નથી. પ્રિન્ટેડ રેયોન સ્ટ્રોલને ડેનિમ જીન્સ કે પ્લેન કુર્તી સાથે મૅચ કરી શકાય છે. જ્યારે પ્લેન સ્ટ્રોલને પ્રિન્ટેડ ડ્રેસ સાથે પહેરવાથી સુંદર કૉન્ટ્રાસ્ટ બને છે. જે યુવતીઓ ટુ-વ્હીલર ચલાવે છે તેમના માટે રેયોન સ્ટ્રોલ વિશેષ ઉપયોગી છે, કારણ કે તે મોઢા પર બાંધવામાં આરામદાયક રહે છે. 

ઘણી મહિલાઓ તેને દુપટ્ટા તરીકે પણ વાપરે છે. રેયોન ફેબ્રિકને વધારે મેન્ટેનન્સની જરૂર પડતી નથી. તેને સામાન્ય ધોવાથી અને હળવા ઇસ્ત્રીથી સરળતાથી સંભાળી શકાય છે. આથી રોજિંદા ઉપયોગ માટે તે ઉત્તમ છે.

સિલ્કના સ્ટ્રોલ વિશેષ અવસરો માટે રાખવામાં આવે છે. સિલ્ક પહેરવાથી તરત જ સ્માર્ટ અને લક્ઝરી લૂક આવે છે, પરંતુ સિલ્કના સ્ટ્રોલને ખૂબ કાળજીથી મેન્ટેન કરવા પડે છે. તેને ડ્રાય ક્લીન કરાવવું પડે અથવા વિશેષ કાળજી લેવી પડે. 

સિલ્ક સ્ટ્રોલને સામાન્ય કપડાં સાથે પહેરવું યોગ્ય નથી. તેને સિલ્કના ડ્રેસ, લિનનના ફૉર્મલ વેર અથવા વિશેષ ઓકેઝનના આઉટફિટ સાથે જ પહેરવું જોઈએ. સિલ્કની ચમક અને નરમાઈ લુકને એક અલગ જ ભવ્યતા આપે છે. જો તમે પાર્ટી, ફૅમિલી ફંક્શન કે વિશેષ પ્રસંગે જવા માગતા હો તો સિલ્ક સ્ટ્રોલ શ્રેષ્ઠ પસંદગી છે.

સ્ટ્રોલ પહેરવાની રીતો પણ અનેક છે. તેને ખભા પર ઢીલું મૂકી શકાય, ગળામાં લૂપ કરી શકાય, મોઢા પર કવર તરીકે વાપરી શકાય અથવા દુપટ્ટા જેવી રીતે પહેરી શકાય. કલર અને પ્રિન્ટના આધારે તેને તમારા આઉટફિટ સાથે મૅચ કરવું મહત્ત્વનું છે. 

પ્લેન ડ્રેસ સાથે પ્રિન્ટેડ સ્ટ્રોલ અને પ્રિન્ટેડ ડ્રેસ સાથે પ્લેન સ્ટ્રોલ વધુ સારું લાગે છે. સ્ટ્રોલ પસંદ કરતી વખતે ફૅબ્રિકની ગુણવત્તા, લેન્થ અને વિથ પર ધ્યાન આપવું જોઈએ. સારી ક્વૉલિટીનો સ્ટ્રોલ લાંબા સમય સુધી ટકે છે અને તમારા લૂકને હંમેશાં તાજો બનાવે છે.

આમ, સ્ટ્રોલ એ આજની ફૅશનનું અનિવાર્ય અંગ બની ગયું છે. પ્યૉર શિફોનની હળવાશ, રેયોનની કમ્ફર્ટ અને સિલ્કની ભવ્યતા ત્રણેય પ્રકારના સ્ટ્રોલ અલગ-અલગ અવસરો અને સ્ટાઇલ માટે યોગ્ય છે. તમારી જરૂરિયાત અને પસંદગી મુજબ સાચો સ્ટ્રોલ પસંદ કરો અને તમારા લુકમાં નવી ચમક ઉમેરો.