માવજી મહેશ્વરી
‘તમે ખરેખર હિંમતવાન છો. આવી સ્થિતિમાં કોઈ તૂટી પડે. તે પછી તમારા માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હશે.’
રત્નાકરજી ઓછી માયા નથી. એ માણસનું દીમાગ ગજબનું છે. સંજય સાથે ઝઘડો થયો તે સાંજે તેઓ હૉટેલ પર મને છોડવા આવ્યા હતા. મારી સાથે એમણે જે વાતો કરી તે સાંભળી મને થયું કે હું એકલી નથી. અમે તે રાતે ડીનર સાથે લીધું. બીજા દિવસે નવેક વાગે ફરી મારી પાસે આવ્યા ત્યારે એમની સાથે એક ગનમેન હતો. સાચું કહું તો મને જરા અજુગતું લાગ્યું હતું. છતાં એ વાસ્તવિકતા હતી. રત્નાકરજી કોઈ જોખમ લેવા માગતા ન હતા.
રત્નાકરજીએ ક્યારે એજન્સીનો સંપર્ક કર્યો, ક્યારે એમણે ડીલ કર્યું એની મને ખબર ન હતી. પણ એક રાત વચ્ચે તેમણે મને વીઆઈપી બનાવી દીધી. પહેલા દિવસે ખરી મુસીબત ઊભી થઈ. મારી પાસે ગનર હતો અને ડ્રાઈવર ન હતો. હું ડ્રાઈવ કરું અને કોઈ ગન લઈને મારી સેફટીની ચિંતા કરે એ અજીબ ન કહેવાય? મેં રત્નાકરજીને ફોન કર્યો. તેમણે કાર મોકલાવી. હું હૉટેલમાં ચારેક દિવસથી રહેતી હતી. અચાનક તે દિવસે મારી સાથે ગનરને ચાલતો જોઈ સ્ટાફને નવાઈ લાગી હશે. એ પછી એમનો એટીટ્યૂડ પણ બદલાઈ ગયો હોય એવું મને લાગ્યું.
‘હૉટેલમાં તમે કેટલા બધા દિવસ રોકાયા હતા?’
‘હું પૂરા છવીસ દિવસ હૉટેલમાં રોકાઈ હતી. મારે જે મકાનમાં રહેવા જવાનું હતું તેમાં મને કેટલુંક ફર્નીચર નવું કરાવવાની ઈચ્છા થઈ હતી એટલે હૉટેલમાં રોકાવાનું થયું. મારા શો રૂમમાં બધા મળીને પચાસેક જણ કામ કરે છે. બીજા દિવસે મારી સાથે ગનરને જોઈ સ્ટાફ સમજી ગયો કે પોતાના માલિકના પરિવારમાં મોટા પાયે ઝઘડો થયો લાગે છે. આમેય દાદાના મૃત્યુ પછી કાયમનું વાતાવરણ ડહોળાયેલું તો હતું જ.
આપણે ભલે ને શાંતિની, અહિંસાની ગમે તેટલી વાતો કરતા હોઈએ. જગતમાં કેટલાક નિર્ણયો હથિયારોએ જ લીધા છે. જ્યારે તમારી પાસે હથિયાર હોય છે ત્યારે તમને એક જાતની સુરક્ષા જણાય છે. આત્મવિશ્વાસ વધી જાય છે. મેં સંજયને થપ્પડ મારીને મોટી ભૂલ કરી નાખી હતી. એ માણસ ભયંકર ઝેરીલો છે.
મારું અંધેરીવાળું મકાન રેડી થઈ ગયું એટલે હું ત્યાં રહેવા ગઈ. એના આગલા દિવસે મેં પપ્પાને ફોન કરીને કહ્યું હતું કે ‘હું મારી ચીજવસ્તુઓ લેવા આવનાર છું.’ યોગાનુયોગે હું ગઈ ત્યારે મમ્મી નહોતી. મને ત્યારે ખબર પડી કે જય પણ તેની પત્નીને લઈને ચાલ્યો ગયો હતો. ઘરમાં પપ્પા અને મમ્મી બે જણ જ રહેતા હતા.
જય રાજસ્થાન ચાલ્યો ગયો હતો?
એ દિવસે ઘેર પહોંચ્યા પછી એમના ચારેય વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો હતો. બધા એક બીજા ઉપર દોષ ઢોળતા હતા. ખાસ કરીને મારી બાબતે બેય ભાઈઓએ પપ્પાને એમની ભૂલ યાદ કરાવીને ખાસ્સું સંભળાવ્યું હતું, પણ દુશ્મનનો દુશ્મન દોસ્ત કહેવાય એ પ્રમાણે એમના ત્રણેયના ટાર્ગેટ ઉપર હું હતી.
મારા ભાઈઓએ પપ્પાને એવું સંભળાવી દીધું કે ‘તમે તો મકાન અને ખાણોના ધણી છો. અમે જ રસ્તા ઉપર આવી ગયા છીએ.’ મારી મમ્મીને એટલાથી સંતોષ નહોતો. પપ્પાને ત્રણેય જણાએ એકલા પાડી દીધા. જતી વખતે પપ્પાએ મને એવુંય કહ્યું ‘તું આ મકાન તારા નામે રાખ પણ અમારી સાથે રહે.’
‘તો રાજસ્થાનની ખાણો કોણ સંભાળે છે?’
‘જય જ તો વળી. એ સંજય કરતા પાકો છે. તે જાણે છે કે જો પોતે ખાણો સંભાળવાની ના પાડશે તો પોતાની આવક જ બંધ થઈ જશે. જોકે, એમની વચ્ચે અચાનક બદલાયેલી પરિસ્થિતિ બાબતે ગંભીર ચર્ચાઓ થઈ હોય તેવું મને ન લાગ્યું. તેઓ મળ્યા હશે તો કજિયો જ કર્યો હશે. મે જસ્ટ પપ્પાને પૂછ્યું, ‘તમે તો મને મળવા આવશો ને?’
પપ્પા રડવા જેવા થઈ ગયા. તેમના ખરેખરના આંસુ હતા કે નહીં તે મને સમજાયું ન હતું. મેં પપ્પા જોડે એ ઘરમાં છેલ્લી કૉફી પીધી. હું એ રાતથી અંધેરી રહેવા આવી ગઈ. જોકે, એ વિસ્તાર મારા માટે નવો હતો. વળી હું એકલી હતી. મારી સાથે ગનમેન રહેતો એથી મારા માટે થોડું કૂતુહલ જાગતું. એક રસોયો અને એક ઘરના અન્ય કામ માટે નોકર એમ બે જણ હતા. ઉપરાંત ગનમેન અને ડ્રાઈવર એટલે હું ચાર વ્યક્તિઓ વચ્ચે રહેતી હતી. એ ચારેય સજ્જન પુરુષો કહી શકાય તેવા વ્યક્તિઓ છે.
સનત મને કોઈ ખબર નહોતી કે ભાઈઓ શું કરી રહ્યા છે. પણ તેમની નજર મારા ઉપર હતી. હું અંધેરી રહેવા ગઈ પછી એજન્સીએ દિવસ અને રાત માટે અલગ અલગ ગનમેન આપ્યા. રહેવા ગઈ તે પછી મેં રત્નાકરજી ઉપર વધારે જવાબદારી નાખી દીધી. મેં તેમને મેનેજર બનાવ્યા. જો કે, પેલા બખેડા પછી રત્નાકરજી અને મારા સંબંધોનો અર્થ જ બદલાઈ ગયો હતો. તેમણે મેનેજર બનવાની ઘણી ના પાડી તે છતાં મને લાગ્યું કે મારે મારા દાદાજીનું ઋણ ચૂકવવું જોઈએ.
ઉપરાંત મેં મારા સ્ટાફમાં કામ કરતા જુદા જુદા કર્મચારીઓના પગારમાં પણ વધારો કરી આપ્યો. કર્મચારીઓને એવું લાગ્યું કે કંઈક બદલાયું છે. એ વચ્ચે એક દિવસ મારા પપ્પાનો ફોન આવ્યો. તેમણે મને કહ્યું કે ‘તેઓ મને મળવા માગે છે.’ મેં એમ. વી. પર આવી જવા જણાવ્યું. થોડી આનાકાની પછી તેઓ મને મળવા આવ્યા. એ પહેલા રત્નાકરજીએ મને કહી દીધેલું કે ‘પપ્પાના ઈગોને સંભાળી લેજો.’
‘એમની સાથે શું વાતો થઈ?’
પપ્પા મને સાવધ કરવા આવ્યા હતા. તેમણે મને કહ્યું ‘હમણા રોજ રોજ સંજય તારી મમ્મીને લાંબા લાંબા ફોન કરે છે. જરા ચેતીને રહેજે.’ જોકે મને પપ્પાને ઈમોશનલી હેક કરી મારી મમ્મીનું ખરું રહસ્ય જાણવું હતું. હું ખોટું બોલી કે મેં જે કર્યું તે ડ્રામા છે. મારા મેરેજ થઈ જાય એટલે ચૂપચાપ તમારે હવાલે કરી દઈશ. શરત એ કે તમારે મને મારા જન્મ પહેલાની- મારા જન્મ પછીની એ હકીકતો કહેવાની છે જે હું જાણતી નથી. હવે તમને સમજાયું કે મને આટલી બધી કેવી રીતે ખબર પડી?
‘તો શું તમારા રિયલ મમ્મીના મૃત્યુનું કારણ પપ્પા જાણતા નહોતા?’
એમની વાતો પરથી મને એવું લાગ્યું કે એ બાબતે તેમની સ્થિતિ પણ મારા જેવી જ છે. તેમણે એટલું કબૂલ્યું કે ગંગાનું મૃત્યુ કુદરતી ન હતું. તેમને મારી મમ્મીના મૃત્યુનું દુ:ખ હતું, શંકા પણ હતી, તેમ છતાં પોતાની આબરૂ છાપે ચડે તેમ હોવાથી તે આગળ વધ્યા નહીં. આ વાતોની કબૂલાત પણ તેમણે કરી હતી. એ સતત ત્રણ દિવસ આવ્યા.
ત્રીજા દિવસે ઘરમાં મમ્મી સાથે જામી પડી. મમ્મીએ સંજયને બોલાવ્યો. એ બેય જણાએ પપ્પાને બરાબરના રીમાન્ડ ઉપર લીધા. ખબર નહીં પપ્પાને શું ઝનૂન ચડ્યું કે. તેમણે મમ્મીને બે થપ્પડ મારી લીધી. મેં સંજયને થપ્પડ મારીને એક ભૂલ કરી, પપ્પાએ મમ્મીને મારીને બીજી ભૂલ કરી. સરવાળે આખુંય મારી ઉપર આવી પડ્યું. મારી ઉપર જ નહીં રત્નાકરજી ઉપરેય ખરું.
‘કેમ? રત્નાકરજીને શું થયું ?’
‘અરે ઘણું થયું છે, પણ એ પછી કહું. મારી મૂર્ખાઈ જ મને આડી આવી છે. મારી ઈચ્છા ક્યાંક બહાર જવાની હતી. મને થોડા દિવસો એકલા રહેવું હતું., હું રૂટિન લાઈફથી ઉબાઈ ગઈ હતી. મેં રત્નાકરજીને કહ્યું તો તેમણે મને બોડીગાર્ડ વગર બહાર જવાની ના પાડી. હું જ્યાં જાઉં ત્યાં મારી સાથે ગનર હોય તે વાત મને ગમતી ન હતી. એટલે મેં ગનમેન વગર જ જવાની ઈચ્છા દર્શાવી. તેમણે ન છૂટકે મને રજા આપી.
મને એવી જગ્યાએ જવું જ્યાં મને કોઈ ઓળખતું ન હોય. મેં એકાદ અઠવાડિયું પાલનપુરમાં વિતાવવાનું નક્કી કર્યું. જોકે જાહેર એવું કરવામાં આવ્યું કે હું ખંડાલા જાઉ છું. પાલનપુરમાં પણ અમારું એક મકાન છે. અમારા વડવાઓનું મકાન શહેરના અંદરના ભાગમાં હજુ એમ જ ઊભું છે અને દાદાજીએ સોસાયટી વિસ્તારમાં એક નાનકડું કોટેજ જેવું બીજું મકાન બનાવડાવેલું. એક હજાર વારના પ્લોટમાં ઊભેલા કોટેજની ખુલ્લી જમીન ઉપર એક નાનો સુંદર બગીચો પણ છે. એક માળી રાખેલો છે જે ઘરનું ધ્યાન રાખે છે. ઉપરાંત બગીચો સાચવે છે. તેનું નામ ગણપત છે.
પાલનપુરની બૅન્કમાં દાદાજીના નામનું લોકર પણ હતું, જે પછીથી મારા નામે ટ્રાન્સફર કરવામાં આવ્યું. હું અગાઉ એ જગ્યાએ રહી આવી છું. આજે સત્યાવીસ જૂન છે, હું ત્રેવીસ જૂનના પાલનપુર આવી. મારી ગણતરી દસેક દિવસ રહેવાની હતી. હું થોડાં પુસ્તકો લઈ આવી હતી. મારે અહીં વાંચવું હતું. ટીવી જોવું હતું. ઉપરાંત દાદાજીના લોકરનું કેટલુંક કામ હતું. આ એ મકાન હતું જ્યાં મારી મમ્મી આવી ગઈ હતી. મને ખરેખર રીલેક્સ ફીલ થતું હતું.
‘એક મિનિટ, તમારા દાદાજીએ બનાવેલા વિલમાં પાલનપુરનો કોઈ ઉલ્લેખ આવ્યો નથી. કે તમે મને કહેવાનું ભૂલી ગયા?’
મારી યાદદાસ્ત તેજ છે. એ વિલ રત્નાકરજીએ તૈયાર કર્યુ છે એમાં ભૂલ ન હોય. વિલમાં એક લાઈન એવી પણ છે કે મણિરામ ઝવેરીની મુંબઈ ઉપરાંત અન્ય જગ્યાએ પણ કોઈ મિલકત હોય તેની માલિકી પણ સોનલની રહેશે. જો કે મને આશ્ર્ચર્ય એ વાતનું છે કે છેલ્લે મારા પપ્પા અને ભાઈઓને બોલાવ્યા ત્યારે તેમણે એવું શા માટે ન પુછ્યું કે પાલનપુરવાળું મકાન કોનું? નહીંતર મારે તે ત્યારે …