Wed Aug 19 2026

Logo

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ મનની મૂંઝવણનો નિખાલસ સ્વીકાર

2026-08-13 09:19:00
Author: Shweta Joshi Antani
Article Image

 

શ્વેતા જોષી અંતાણી

‘મમ્મી તમને ક્યારેય એવું થયું છે કે રૂમમાં કોઈ ના હોય છતાં કોઈ તમારું નામ બોલતું હોય એવું લાગે?’ 

અનાયાએ આ સવાલ એટલી સહજતાથી પૂછ્યો હતો કે એની મમ્મીએ પહેલાં તો ધ્યાન જ ના આપ્યું, પણ ફરી પૂછવાથી ‘હા, ક્યારેક આપણને ભ્રમ થાય. તું બહુ થાકી ગઈ હશે’ એમ કહી વાત પૂરી કરી. ‘પણ મમ્મી, મને એવું  રોજ થાય છે.’ આ વખતે જાનકીનો હાથ અટકી ગયો.

અનાયા સોળ વર્ષની હતી. ચિત્રો દોરતી, વાર્તાઓ લખતી અને સ્કૂલની સાયન્સ લૅબમાં કલાકો ગાળતી એક તેજસ્વી છોકરી. એની નોટબુકના છેલ્લા પાના પર હંમેશાં કોઈ નવું ચિત્ર જન્મતું. ક્યારેક આંખોવાળી દીવાલ, ક્યારેક પાંખોવાળું ઘર તો ક્યારેક એક એવી છોકરી જે અરીસાની અંદર ઊભી રહી, બહારની દુનિયાને જોતી હોય. છેલ્લા થોડા મહિનાથી એ ચિત્રોની દુનિયામાંથી ડોકાતાં અરીસાની છોકરી જાણે અનાયાની જિંદગીમાં ઊતરી આવી હતી. 

ક્યારેક એને અવાજો સંભળાતા. ક્યારેક છાયા માણસ જેવા આકાર લેવા લાગતી. ક્યારેક આસપાસનું આખું દૃશ્ય ધુમ્મસથી ઢંકાઈ જતું. એ ડરતી હતી. એને થતું કે આ વાત કોઈને કહીશ તો લોકો મને પાગલ કહેશે. અને એ ડર સાચો સાબિત થવામાં બહુ સમય લાગ્યો નહીં.

એક દિવસ સ્કૂલની લૅબમાં પ્રૅક્ટિકલ દરમિયાન અનાયા અચાનક ગભરાઈ ગઈ. એને લાગ્યું કે કોઈ એની પાછળ ઊભું છે. એણે વળીને જોયું. કોઈ નહોતું, પરંતુ એ ક્ષણે એની નજર સામે બધું બદલાઈ ગયું. હાથમાંથી ટેસ્ટટ્યૂબ છૂટી ગઈ. કાચ તૂટી ગયો. અનાયા ચીસ પાડી ઊઠી. ‘અહીં પાછળ કોઈ ઊભું છે.’ અને ક્લાસમાં ગણગણાટ શરૂ થઈ ગયો.’

અરે, એ તો પાગલ થઈ ગઈ છે.’ એ શબ્દ અનાયાના કાનમાં આખો દિવસ ગુંજતો રહ્યો. ‘પાગલ’. એક શબ્દ. પણ એણે જાણે એની આખી ઓળખ છીનવી લીધી. સ્કૂલમાંથી થોડા દિવસ માટે દૂર રહેવાનું કહેવામાં આવ્યું. ઘરે પણ વાતાવરણ બદલાઈ ગયું. પપ્પા વારંવાર પૂછતા, ‘તું દવા લે છે ને?’ મમ્મી પૂછતી, ‘આજે કંઈ દેખાયું તો નથી ને?’અને અનાયા દરેક સવાલ સાથે જાતને વધુ બીમાર અનુભવતી. એક સાંજે એણે જાનકીને કહ્યું :

‘મમ્મી, મને લાગે છે કે હવે તમે મને દીકરી તરીકે નહીં, દર્દી તરીકે જુઓ છો.’ જાનકીની આંખો ભીની થઈ ગઈ : 

‘એવું નથી બેટા.’ 
‘તો પછી મારી સાથે પહેલાંની જેમ વાત કેમ નથી કરતા?’ અનાયાએ પૉઇન્ટ બ્લૅન્ક પ્રશ્ર્ન પૂછ્યો. જાનકી પાસે જવાબ નહોતો, કારણ કે ઘરમાં બીમારી આવી હતી, પણ કોઈને ખબર નહોતી કે એની સાથે કેવી રીતે જીવવું. ડૉક્ટરે સમજાવ્યું કે અનાયા સ્કિઝોફ્રેનિયા નામની માનસિક સ્થિતિનો સામનો કરી રહી છે. સારવાર લાંબી હોઈ શકે છે. દવાઓની જરૂર પડશે. નિયમિત દેખરેખ અને પરિવારનો સહકાર પણ એટલો જ જરૂરી છે. અનાયાએ માત્ર એક સવાલ કર્યો, ‘શું હું ફરી સામાન્ય થઈ શકીશ?’ 

ડૉક્ટરે થોડું થોભીને કહ્યું, ‘સૌથી પહેલાં તું ‘સામાન્ય’નો અર્થ બદલ. તું અનાયા છે. તારી બીમારી તારો એક ભાગ છે, તારી આખી ઓળખ નહીં.’ 

દવાઓ શરૂ થઈ પરંતુ સારવારનો રસ્તો પણ સરળ નહોતો. દવાઓની આડઅસરોથી અનાયા થાકી જતી. એને લાગતું કે એ પહેલાં જેવી ચુસ્ત રહી નથી. એણે ચિત્રકામ છોડી દીધું. મિત્રો સાથે વાત કરવાનું બંધ કર્યું. પોતાનું ભવિષ્ય પણ ધૂંધળું દેખાવા લાગ્યું. એક દિવસ જાનકીએ એની નોટબુક ખોલી. છેલ્લા પાના પર એક ચિત્ર હતું. એક દીવાલ. દીવાલની એક બાજુ એક છોકરી બેઠી હતી અને બીજી બાજુ આખી દુનિયા. 

જાનકીએ પૂછ્યું, ‘આ છોકરી દીવાલની બહાર કેમ નથી આવતી?’ 
અનાયા ધીમેથી બોલી, ‘કારણ કે એને લાગે છે કે દુનિયા એને સ્વીકારશે નહીં.’
જાનકીએ એની બાજુમાં બેસીને કહ્યું, ‘તો આપણે દુનિયાને બદલવાનો પ્રયત્ન કરીશું. તને નહીં.’ 
એ દિવસથી અનાયાની લડાઈમાં એક નવો સાથી જોડાયો - ‘સ્વીકાર.’ 

ધીમે ધીમે એણે ફરી ચિત્ર દોરવાનું શરૂ કર્યું. ફરી સ્કૂલ જવાનું શરૂ કર્યું. બધું પહેલાં જેવું નહોતું. કેટલાંક બાળકો હજી પણ એને વિચિત્ર નજરે જોતાં. કોઈક ફૂસફૂસતું. પણ હવે અનાયા છુપાતી નહોતી.

સ્કૂલની એક એસેમ્બલીમાં એને બોલવાની તક મળી. મંચ પર ઊભા રહીને એણે કહ્યું, ‘મને માનસિક બીમારી છે. હા, ક્યારેક મને એવી વસ્તુઓ અનુભવાય છે જે તમે નથી અનુભવતા. ક્યારેક હું ડરી જાઉં છું. ક્યારેક હું મારી જાતને પણ સમજી શકતી નથી. હૉલમાં સન્નાટો હતો.

પણ હું માત્ર મારી બીમારી નથી. મને ચિત્રો ગમે છે. મને વાર્તાઓ ગમે છે. મારા સપનાં  છે. મને પણ હસવું ગમે છે. મને પણ મિત્ર જોઈએ છે. અને મને પણ તમારી જેમ જ સ્વીકારવામાં આવવું  છે. એણે થોડું અટકીને કહ્યું, ‘શરીરને તાવ આવે ત્યારે આપણે માણસને પાગલ નથી કહેતા. તો પછી મન બીમાર પડે ત્યારે માણસને એની બીમારીથી કેમ ઓળખીએ?’

આ વખતે તાળીઓ પડી, કારણ કે એણે પહેલી વાર પોતાની બીમારી સામે નહીં, લોકોની માનસિકતા સામે અવાજ ઉઠાવ્યો હતો. એ રાત્રે એની દીવાલ પર એક નવું વાક્ય લખાયું:

મારી અંદર અંધારું છે, પરંતુ હું ખુદ અંધકાર નથી.