Sat May 16 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ :15 May 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-05-15 06:33:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-05-15 21:46:18

જાપાનમાં 6.7 તીવ્રતાનો ભૂકંપ, જાનમાલનું કોઇ નુકસાન નહિ

જાપાનમાં આજે ભૂકંપનો શકિતશાળી આંચકો નોંધાયો છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેનું કેન્દ્રબિંદુ ઉત્તર જાપાનના દરિયા કિનારાથી 50 કિલોમીટરની ઉંડાઈએ નોંધાયું હતું.

2026-05-15 21:45:42

ચેન્નઈના 5/187: કુદરતી આફતમાં મૃત્યુ પામેલાઓને અંજલિ આપવા ખેલાડીઓએ કાળી પટ્ટી પહેરી

લખનઊ સામે ચેન્નઈએ 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 187 રન કર્યા છે જેમાં કાર્તિક શર્મા (71 રન, 42 બૉલ, પાંચ સિક્સર, છ ફોર)નો સૌથી વધુ ફાળો હતો. ચેન્નઈએ હરાજીમાં કાર્તિકને 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 16 ઓવરમાં ચેન્નઈનો સ્કોર 5/142 હતો, પરંતુ શિવમ દુબે (32 અણનમ, 16 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) અને પ્રશાંત વીર (13 અણનમ, 10 બૉલ, એક ફોર)ની જોડીએ ફટકાબાજી કરીને છેલ્લે સ્કોર 187 રન સુધી પહોંચાડ્યો હતો. ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં વરસાદ અને વંટોળમાં મૃત્યુ પામેલા 100 જેટલા લોકોને અંજલિ આપવા શુક્રવારની મૅચમાં બન્ને ટીમના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી પહેરીને રમ્યા હતા.

2026-05-15 21:04:00

લખનઊએ આકાશ સિંહને પહેલી વાર રમાડ્યો, પહેલી ત્રણેય પ્રાઇઝ વિકેટ લીધી

આઇપીએલમાં ઘણી વખત કોઈક ટીમ મૅનેજમેન્ટ ટૂર્નામેન્ટની શરૂઆત બાદ ઘણી મૅચો સુધી પોતાના જાણીતા-અજાણ્યા ટૅલન્ટેડ ખેલાડીઓને રમાડવાનું ટાળતી હોય છે અને નવોદિત લેફ્ટ-આર્મ પેસ બોલર આકાશ સિંહ સાથે શુક્રવારે આવું જ બન્યું જેમાં લખનઊએ તેને પહેલી વાર રમાડ્યો અને ચેન્નઈની પહેલી ત્રણેય વિકેટ તેણે લીધી હતી. મૂળ રાજસ્થાન રાજ્યના આકાશ સિંહે ચેન્નઈના સૅમસન (20 રન), કૅપ્ટન ગાયકવાડ (13 રન) અને ઉર્વિલ પટેલ (છ રન)ની પ્રાઇઝ વિકેટ લીધી હતી. આકાશે ત્રણેયને કૅચઆઉટ કરાવ્યા હતા. ચેન્નઈની આઠમી ઓવરમાં બાવન રનમાં ત્રણ વિકેટ પડી ચૂકી હતી. લખનઊની ટીમ પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ છે, જ્યારે ચેન્નઈની ટીમ સંઘર્ષ કરી રહી છે. 15મી ઓવરને અંતે ચેન્નઈનો સ્કોર ચાર વિકેટે 122 રન હતો. કાર્તિક શર્મા 53 રને રમી રહ્યો હતો. ડેવાલ્ડ બ્રેવિસ (પચીસ રન)ની ચોથી વિકેટ મોહમ્મદ શમીએ લીધી હતી અને એમાં પણ આકાશ સિંહની ભૂમિકા હતી. આકાશે શૉર્ટ ફાઇન લેગ પર તેનો આસાન કૅચ ઝીલ્યો હતો.

2026-05-15 20:53:03

ભોજશાળા સંકુલને હિન્દુ મંદિર તરીકે માન્યતા આપી, હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી

મધ્ય પ્રદેશ હાઇકોર્ટે ધારના ભોજશાળા સંકુલને હિન્દુ મંદિર તરીકે માન્યતા આપી છે. જેની બાદ હિન્દુ પક્ષે આ કેસમાં અપીલની સંભાવનાના પગલે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે. તેમજ માંગ કરી છે કે આ કેસમાં સુનાવણી પૂર્વે તેમનો પક્ષ સાંભળવામાં આવે.

2026-05-15 20:24:41

હૈદરાબાદ નજીક એક્સપ્રેસ ટ્રેનમાં આગ

હૈદરાબાદ-જયપુર સ્પેશિયલ એક્સપ્રેસ હૈદરાબાદ નજીકના નામપલ્લી રેલવે સ્ટેશન પર આગ લાગ્યા પછી અફડાતફડી મચી ગઈ હતી. એક્સપ્રેસ ટ્રેનના એસી કોચ બીવન અને બી ટૂ કોચમાં આગ લાગ્યા પછી સ્ટેશન પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો.

2026-05-15 19:36:12

NEET પેપર લીક કેસના માસ્ટરમાઇન્ડ પી. વી. કુલકર્ણીની ધરપકડ

દેશમાં બહુચર્ચિત NEETપેપર લીક કેસના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઇએ મુખ્ય સૂત્રધાર  લાતૂરના પી. વી. કુલકર્ણીની ધરપકડ કરી છે. તે પૂણેમાં રસાયણશાસ્ત્રના લેકચર ર છે. જે એનટીએ વતી આયોજિત પરીક્ષા પ્રક્રિયામાં સામેલ હતા. જેના લીધે તેમને પ્રશ્નપત્રની સીધી એક્સેસ મળી હતી.

2026-05-15 19:19:42

બિહારના મુખ્ય પ્રધાને ઇશાન કિશનને સુપરત કર્યો એક કરોડ રૂપિયાનો ચેક

બિહારના નવા મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ શુક્રવારે ભારતીય ક્રિકેટર ઇશાન કિશનને અગાઉ રાજ્ય દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ ટી-20 વર્લ્ડ કપના સુપર પર્ફોર્મન્સ બદલ એક કરોડ રૂપિયાના ઇનામનો ચેક સુપરત કર્યો હતો. કિશન બિહારના નેવાડા જિલ્લાનો છે. તે નાનપણમાં પટનામાં રહેતો હતો. ભારતે બે મહિના પહેલાં ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો હતો. એમાં કિશને નવ મૅચમાં 317 રન બનાવ્યા હતા અને ભારતીયોમાં તે સૅમસન (321 રન) પછી બીજા નંબરે હતો. આઠમી માર્ચે અમદાવાદમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની ફાઇનલમાં કિશને ચાર છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા તેમ જ પછીથી ત્રણ કૅચ પણ ઝીલ્યા હતા.

 

2026-05-15 19:18:03

ચેન્નઈ સામે લખનઊએ ફીલ્ડિંગ પસંદ કરી

લખનઊમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મૅચમાં લખનઊ સુપર જાયન્ટ્સના કૅપ્ટન રિષભ પંતે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે. ચેન્નઈના સુકાની ગાયકવાડે ટેઇલ્સનો કૉલ આપ્યો હતો, પણ હેડ્સ પડતાં પંતે પહેલાં પોતાની ટીમ ફીલ્ડિંગ કરશે એવો નિર્ણય બતાવ્યો હતો. 10મા નંબરની લખનઊની ટીમ પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. એમએસ ધોની હજી અનફિટ છે અને આજની મૅચમાં પણ નથી રમવાનો. લખનઊની ટીમમાં આકાશ સિંહનો સમાવેશ કરાયો છે. અબ્દુલ સમદ અને મુકુલ ચૌધરીને પણ ઇલેવનમાં સમાવાયા છે.

2026-05-15 18:11:04

સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, સોમ અને શુક્રવારે વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરાશે

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. તેવા સમયે ભારત સહિત વિશ્વના અનેક દેશો ક્રૂડ ઓઇલ અને ગેસ સંકટનો સામનો કરી રહ્યા છે. તેમજ પીએમ મોદીએ પણ ઇંધણ બચાવવા માટે અપીલ કરી છે. જેની બાદ  સુપ્રીમ કોર્ટે પણ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં સુપ્રીમ કોર્ટમાં સોમવાર અને શુક્રવારે માત્ર  વર્ચ્યુઅલ  સુનાવણી હાથ ધરવાનો આદેશ આપ્યો છે.

2026-05-15 17:38:17

ગુજરાતમાં ઇંધણ બચત માટે સરકારની નવી માર્ગદર્શિકા, મેટ્રોનો સમય લંબાવાયો

દેશના પીએમ મોદીની ઇંધણ બચાવવાની અપીલ બાદ રાજય સરકાર પણ એક્શનમાં આવી છે. રાજ્ય સરકારે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને ઇંધણ બચાવવા માટે અનેક પગલાંઓની જાહેરાત કરી છે. જેમાં અમદાવાદ શહેરમાં લોકોની  સુવિધા માટે મેટ્રોનો સમય રાત્રે 11.00 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે.

2026-05-15 16:48:29

રશિયાએ કહ્યું ભારત અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા માટે સક્ષમ

ભારતના પ્રવાસે આવેલા રશિયાના વિદેશમંત્રીએ ભારત અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે મિડલ ઈસ્ટમાં અમેરિકાઅને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારત મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે.

2026-05-15 15:21:06

મધ્ય પ્રદેશ હાઇકોર્ટનો મોટો ચુકાદો, ધાર ભોજશાળાને મંદિર માન્યું

મધ્ય પ્રદેશ હાઇકોર્ટે ધાર ભોજશાળા મંદિર-કમલ મૌલા મસ્જિદ વિવાદ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. જેમાં હિન્દુ પક્ષના વકીલના જણાવ્યા અનુસાર કોર્ટે ભોજશાળા સંકુલને હિન્દુ મંદિર તરીકે માન્યતા આપી છે. કોર્ટે જૈન સમુદાય અને મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી છે.

2026-05-15 14:54:42

કોઈ ઉદ્ઘાટન વિના આવતીકાલથી ૩૦૦ નવી બસો સેવામાં મુકાશે

ગુજરાત સરકારે પ્રજાલક્ષી અભિગમ અપનાવતા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે, કોઈ પણ પ્રકારના ભવ્ય ઉદ્ઘાટન સમારોહ કે લોકાર્પણ વિધિ વિના જ આવતીકાલથી 300 નવી બસોને સીધી જ જનતાની સેવામાં મૂકી દેવામાં આવશે.

2026-05-15 13:39:05

જીતુભાઈ વાઘાણીએ અમેરિકાનો પ્રવાસ સ્વૈચ્છિક રીતે રદ કર્યો

દેશના વડા પ્રધાન  નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને રાષ્ટ્રહિતમાં એક વર્ષ સુધી ઈંધણ બચાવવા, વિદેશ પ્રવાસ ટાળવા સહિતની કેટલીક અપીલ કરી હતી. ગુજરાતના કૃષિ અને સહકાર પ્રધાન જીતુ વાઘાણીએ વડા પ્રધાનની આ અપીલ બાદ દેશહિતમાં એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. ચાલુ માસના છેલ્લા અઠવાડિયામાં તેઓ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મુખ્યાલય, ન્યૂયોર્ક ખાતે આયોજિત ‘ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ ઓન કોઓપરેટિવ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ'માં વિશેષ વક્તા તરીકે હાજરી આપવાના હતા. વડા પ્રધાનના એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ ન કરવાના આહવાનને પ્રાધાન્ય આપીને પ્રધાને સ્વૈચ્છિક રીતે આ પ્રવાસ રદ કર્યો હતો.

2026-05-15 09:52:54

નવી NEET પરીક્ષાની તારીખ જાહેર : 21 જૂને યોજાશે પરીક્ષા

પેપર લીક બાદ નવી NEET પરીક્ષાની તારીખ જાહેર છે.  21 જૂને પરીક્ષા યોજાશે.

2026-05-15 09:46:51

ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂઃ કોંગ્રેસના સરકાર સામે પ્રહાર

કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધારા મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. આ ભાવ વધારાને 'મોદીની વસૂલાત' ગણાવીને વિપક્ષે સોશિયલ મીડિયા પર મોરચો ખોલ્યો છે. કોંગ્રેસે  આરોપ લગાવ્યો છે કે ચૂંટણીઓ પૂરી થતાની સાથે જ મોદી સરકારની 'વસૂલાત' શરૂ થઈ ગઈ છે. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીને કારણે તેલના ભાવ વધ્યા હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ કોંગ્રેસે તેને જનતા પર લાદવામાં આવેલો આર્થિક બોજ ગણાવ્યો છે.

2026-05-15 09:18:54

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં 15 સૈનિકના મોત

પાકિસ્તાનના બાજોરમાં સેનાના એક કેમ્પ પર આત્મઘાતી હુમલો થયો છે, જેમાં ઓછામાં ઓછા 15 સૈનિકોનો મોત થયા છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક અઠવાડિયામાં આ બીજો આત્મઘાતી હુમલો છે.

2026-05-15 08:02:56

દૂધ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ. 3નો વધારો

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા જંગની અસર હવે સીધી રીતે ભારત પર પડતી જોવા મળી રહી છે. વહેલી સવારે ભારતીયોને મોટો ઝટકો લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ત્રણ-ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને ઈંધણ બચાવવાની અપીલ કરી હતી ત્યારથી  પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાના સંકેત મળ્યા હતા.