Sat Jun 27 2026

Logo

મોદી સરકારના મંત્રીમંડળમાં ફેરફારની અટકળો બની 'તેજ', નિર્મલા સીતારમણનું શું થશે?

2026-06-26 22:40:08
Author: Mumbai Samachar Team
Article Image

મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળના નેતાઓને કદાચ લાગી શકે છે લોટરી

નવી દિલ્હી: પાટનગરના રાજકીય ગલિયારાઓમાં કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારની અટકળો તેજ બની છે. પીએમ નરેન્દ્ર મોદી આગામી રવિવાર કે સોમવારે કેબિનેટમાં મોટો ફેરબદલ કરી શકે છે. ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)ના ભૂતપૂર્વ ગવર્નર અને વડા પ્રધાનના ભૂતપૂર્વ મુખ્ય સચિવ શક્તિકાંતા દાસને કેન્દ્રના કેબિનેટમાં સ્થાન અપાય એવી આશા છે, જ્યારે નિર્મલા સીતારમણને માનવ સંસાધન વિકાસ ખાતું અપાય એવી શક્યતા હોવાનું કહેવાય છે. તેથી નાણાં પ્રધાન તરીકે શક્તિકાંતા દાસનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે.

શ્રીકાંત શિંદે અને નીતીશ કુમારને કેબિનેટમાં સ્થાન મળે
લોકસભાના સાંસદ શ્રીકાંત શિંદે અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારનો કેન્દ્રના કેબિનેટમાં સમાવેશ થવાની આશા રખાય છે. દરમિયાન, મેડિકલ કૉલેજોમાંની પ્રવેશ પરીક્ષા ‘નીટ’ના પ્રશ્નપત્ર ફૂટવાની ઘટનાને લઇને દેશભરમાં ઊભા થયેલા વિવાદથી શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની પાસેથી ખાતું છીનવી લેવાય એવી સંભાવના પણ છે.

હરદીપ પુરીને સ્થાને શીખ નેતાને તક મળી શકે
આ ઉપરાંત, પેટ્રોલિયમ પ્રધાન હરદીપ પુરીને સ્થાને કદાચ પંજાબના કોઇ શીખ નેતાની નિમણૂક થવાની શક્યતા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. આ હોદ્દા માટે રાઘવ ચઢ્ઢાનું નામ પણ આગળ પડતું હોવાનું કહેવાય છે. મોદી રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મૂને ગયા અઠવાડિયે મળ્યા હોવાથી કેન્દ્રના પ્રધાનમંડળમાંના સંભવિત ફેરફાર અંગે ચર્ચા થઇ રહી છે.

પશ્ચિમ બંગાળમાંથી સાંસદને લાગી શકે લોટરી
પંજાબ વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પંજાબના વધુ નેતાઓને પ્રધાનમંડળમાં સ્થાન મળવાની આશા રખાય છે. નિર્મલા સીતારમણ, નીતિન ગડકરી અને મનોહરલાલ ખટ્ટરના મંત્રાલયોમાં ફેરફારની શક્યતા હોવાનું કહેવાય છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસના બળવાખોર 20 સાંસદમાંથી કોઇને કેન્દ્રના પ્રધાન બનાવાય એવી સંભાવના પણ છે, કારણ કે આ બળવાખોર સાંસદોએ એનડીએને પોતાનો ટેકો જાહેર કરી દીધો છે.

પ્રધાનમંડળમાં પંજાબના સાંસદોનું ઓછું પ્રતિનિધિત્વ
કેન્દ્રના પ્રધાનમંડળમાં હાલમાં પંજાબના સાંસદોનું ઓછું પ્રતિનિધિત્વ છે. શિરોમણિ અકાલી દળનાં નેતા હરસિમરત કૌર બાદલે 2020માં કૃષિ કાયદાના વિરોધમાં રાજીનામું આપ્યું હતું. રણવીત સિંહ બિટ્ટુને ફરી રાજ્યસભાના સાંસદ નથી બનાવાયા.