Fri Jun 26 2026

Logo

વેનેઝુએલા ભૂકંપમાં અત્યાર સુધી 235ના મોત, 4300થી વધુ લોકો ઘાયલ; કાટમાળ હટાવવાનું અને રેસ્ક્યૂ વર્ક ચાલુ

Caracas   2026-06-26 08:46:00
Author: Mumbai Samachar Team
Article Image

કરાકાસઃ વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. માત્ર એક મિનિટની અંદર આવેલા 7.2 અને 7.5 ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 235 લોકોના મોત થયા છે, જ્યારે 4300 થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, કાટમાળ નીચે દબાયેલા સેંકડો લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવકર્મીઓ અને સ્થાનિક લોકો યુદ્ધના ધોરણે લાગેલા છે.

આ વિનાશક ભૂકંપમાં લગભગ 250થી વધુ ઈમારતોને નુકસાન થયું છે અથવા તો તે નાશ પામી છે. લગભગ 200 લોકો ધરાશાયી થયેલી ઈમારતો નીચે ફસાયેલા છે. ગુમ થયેલા લોકોની માહિતી એકત્ર કરતી એક વેબસાઈટે 46,000 થી વધુ લોકોને ગુમ થયેલા દર્શાવ્યા છે, જો કે આ આંકડાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.

વેનેઝુએલામાં ભૂકંપ આવ્યાને 30 કલાકથી પણ વધુ સમય વીતી ગયો છે અને રેસ્ક્યૂ ઓપરેશન (બચાવ કામગીરી) હજુ પણ ચાલુ છે. સ્થાનિક રાહત અને બચાવ કાર્ય કરતી એજન્સીઓ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં કાટમાળ હટાવવાનું કામ કરી રહી છે. બચાવ કામગીરીમાં લાગેલા અધિકારીઓ તરફથી મળેલી માહિતી મુજબ, ઈજાગ્રસ્તો અને પ્રભાવિતોની સંખ્યા હજારોમાં છે, જેથી મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ રોડ્રિગેઝે દેશમાં કટોકટીની સ્થિતિ (આપાતકાલ) જાહેર કરી દીધી છે. ભારત, અમેરિકા અને ફ્રાન્સ સહિત વિશ્વના ઘણા દેશોએ વેનેઝુએલા તરફ મદદનો હાથ લંબાવ્યો છે.

રાષ્ટ્રપતિ રોડ્રિગેઝે જણાવ્યું કે, અધિકારીઓ બચાવ કામગીરી ઝડપી બનાવવા માટે ખાનગી કંપનીઓ પાસેથી ભારે મશીનરી લાવી રહ્યા છે. તેમણે વ્યવસાયીઓ (કંપનીઓ) ને બાંધકામના સાધનો ઉપલબ્ધ કરાવવાની અપીલ કરી છે અને કહ્યું કે અધિકારીઓને આશા છે કે જેટલા બની શકે એટલા વધુમાં વધુ લોકોને જીવતા બચાવી શકાય.

ફસાયેલા લોકો માટે બચાવ અભિયાન તેજ કરી દેવામાં આવ્યું છે. જો કે, સ્થાનિક રહેવાસીઓએ ફરિયાદ કરી છે કે સત્તાવાર બચાવ કામગીરી ખૂબ જ ધીમી છે, અને ઘણા લોકો કાટમાળ હટાવીને પોતાના હાથથી ખોદકામ કરવા માટે પડોશીઓ પર નિર્ભર હતા.

આવશ્યક સેવાઓ ખોરવાઈ

ગુરુવારે આવેલા આ વિનાશક ભૂકંપે જરૂરી સેવાઓને ખોરવી નાખી છે. રાજધાની કરાકાસ અને લા ગુઆઈરામાં એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. મેટ્રો સેવાઓ રદ કરવામાં આવી છે. શાળાઓને આશ્રય સ્થાનો (શેલ્ટર હોમ) બનાવી દેવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં હજુ પણ ભૂકંપ (આફ્ટરશોક્સ) ના આંચકા અનુભવાયા હોવાના અહેવાલો છે.