Sat Jun 27 2026

Logo

આઇપીએલના કરોડપતિઓનો આયરલૅન્ડમાં કચરો થઈ ગયો

Belfast   2026-06-26 22:08:10
Author: Ajay Motiwala
Article Image

BCCI


ટીમ ઇન્ડિયાનું નાક કપાયુંઃ વર્લ્ડ ચૅમ્પિયન ભારત પહેલી વખત આયરલૅન્ડ સામે હાર્યું

બેલફાસ્ટઃ શ્રેયસ ઐયરની નવી કૅપ્ટન્સીમાં ભારતીય ટી-20 ટીમની આયરલૅન્ડની ધરતી પર આબરૂ ગઈ છે. શુક્રવારે સિરીઝની પહેલી જ મૅચમાં ટીમ ઇન્ડિયાનો 34 રનથી પરાજય થયો હતો. આયરલૅન્ડની ટીમે પહેલી જ વખત ભારત સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિજય મેળવ્યો છે અને એ પણ પોતાની જ ધરતી પર આ ઐતિહાસિક સફળતા મેળવી. 183 રનના સાધારણ લક્ષ્યાંક સામે આઇપીએલના શહેનશાહો માત્ર 148 રનમાં ઑલઆઉટ થઈ ગયા હતા. એકેય ભારતીય બૅટ્સમૅન હાફ સેન્ચુરી નહોતો કરી શક્યો.

ભારત નંબર-વન, આયરલૅન્ડ 12મું

વર્લ્ડ નંબર-વન ભારતે 12મા ક્રમના આયરલૅન્ડ સામે ઘૂંટણિયા ટેકવ્યા. થોડા દિવસ પહેલાં જ પૂરી થયેલી આઇપીએલમાં સેન્ચુરીઓ અને હાફ સેન્ચુરીઓથી ધમાલ મચાવનાર ભારતીય ખેલાડીઓ આઇરિશ બોલર્સને લડત ન આપી શક્યા અને 19મી ઓવરમાં હારી ગયા હતા. આ મૅચ પહેલાં આઇરિશો 2009થી અત્યાર સુધીમાં ભારત સામે આઠેય ટી-20 મૅચ હારી ગયા હતા. શ્રેયસની જેમ લૉર્કેન ટકરની પણ પહેલી જ કૅપ્ટન્સી હતી અને એમાં તે સફળ થયો, જ્યારે શ્રેયસે નિરાશા જોવી પડી.

ભારત ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન બન્યું ત્યાર પછી ભારતની આ પહેલી જ ટી-20 મૅચ હતી જેમાં આઇરિશ ટીમ સામે પરાજિત થઈ. આઇપીએલમાં 200-પ્લસ સ્કોર્સ અને ક્યારેક 250-પ્લસ રન બનાવનાર ભારતીય બૅટ્સમેનો 150 રન પણ ન બનાવી શક્યા.

વૈભવને ન રમાડ્યો, મીડિયામાં ટીમ ઇન્ડિયાની ટીકા

આઇપીએલની પહેલાં ત્રીજી વખત ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન બનેલા ભારતે ચૅમ્પિયન ટીમ જાળવી રાખવાનો આગ્રહ રાખીને વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાનો મોકો ન આપ્યો અને એનું પરિણામ ટીમે ભોગવવું પડ્યું, કારણકે ટૉપ-ઑર્ડરના છમાંથી એકમાત્ર અભિષેક શર્મા (49 રન, 20 બૉલ, બે સિક્સર, સાત ફોર) સારું રમી શક્યો હતો. તેને બાદ કરતા વિકેટકીપર સંજુ સૅમસન (પાંચ રન), ઇશાન કિશન (એક રન), કૅપ્ટન શ્રેયસ ઐયર (ત્રણ રન), તિલક વર્મા (19 રન) અને વૉશિંગ્ટન સુંદર (નવ રન)માંથી એકેય પ્લેયર લાંબી ઇનિંગ્સ નહોતો રમી શક્યો. બર્થ-ડે બૉય શિવમ દુબે (પચીસ રન) પણ નહોતો જિતાડી શક્યો. અક્ષર પટેલ પણ માત્ર 15 રનની ટૂંકી ઇનિંગ્સ રમી શક્યો હતો. આઇપીએલના સૌથી સફળ બૅટ્સમૅન વૈભવને શુક્રવારે બહુચર્ચિત ડેબ્યૂ ન કરવા દીધું એનું પરિણામ ટીમ ઇન્ડિયાએ ભોગવવું પડ્યું એવી ટિપ્પણીઓ સોશ્યલ મીડિયામાં શરૂ થઈ ગઈ હતી.

સ્પિનર મૅથ્યૂ હમ્ફ્રેઝ અને મૅન ઑફ ધ મૅચ મૅટ હૉલાર્ડે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ભારતીય મૂળનો પેસ બોલર લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર જય મુન્ડ્રા પણ ભારતીય ટીમને ભારે પડ્યો હતો. તેણે સંજુ સૅમસન અને શિવમ દુબેની વિકેટ લીધી હતી. લિઆમ મૅકાર્થી અને ગરેશ ડેલનીએ એક-એક ભારતીય બૅટ્સમૅનને આઉટ કર્યો હતો.

શ્રેણીની બીજી અને અંતિમ ટી-20 મૅચ રવિવારે (સાંજે 6.00 વાગ્યાથી) બેલફાસ્ટમાં જ રમાશે.