કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી યુદ્ધ સતત ચાલી રહ્યું છે. જેમાં રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેને ક્રિમીયા દ્વીપકલ્પ પર હુમલો કર્યો છે. જ્યારે બીજી તરફ રશિયાએ પણ દાવો કર્યો છે તેણે યુક્રેનના 660 ડ્રોન તોડી પાડયા છે. આ હુમલો રશિયાના 12 અલગ-અલગ પ્રદેશો તેમજ ક્રિમીયા દ્વીપકલ્પ, કાળો સમુદ્ર અને એઝોવ સમુદ્રમાં કરવામાં આવ્યો હતો. આ ડ્રોન હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધવાની સંભાવના છે.
ક્રૂડ ઉત્પાદન સુવિધાઓ અને ઉર્જા કેન્દ્રો પર નિશાન
આ ઉપરાંત છેલ્લા ઘણા મહિનાઓથી, યુક્રેન રશિયાના ક્રૂડ ઉત્પાદન સુવિધાઓ અને ઉર્જા કેન્દ્રોને નિશાન બનાવી રહ્યું છે. પશ્ચિમી અધિકારીઓ અને વિશ્લેષકો માને છે કે આ વ્યૂહરચનાએ રશિયાના ઇંધણ પુરવઠા અને લશ્કરી લોજિસ્ટિક્સમાં વિક્ષેપ પાડ્યો છે. આનાથી યુદ્ધના મેદાનમાં રશિયાના પ્રયાસો ધીમા પડી ગયા છે અને રાષ્ટ્રપતિ પુતિન પર દબાણ વધ્યું છે.
રશિયાને યુદ્ધનો અંત લાવવા દબાણ માટે હુમલો
આ હુમલો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના 40 દિવસની પ્રભાવ ઝુંબેશના આદેશ આપ્યાના થોડા કલાકો બાદ થયો હતો. આ હુમલાનો હેતુ રશિયાને યુદ્ધનો અંત લાવવા દબાણ કરવા માટે હુમલાઓને વધુ તીવ્ર બનાવવાનો હોવાનું માનવામાં આવે છે. અમેરિકાના શાંતિ પ્રયાસોના એક વર્ષ સુધી કોઈ નક્કર પરિણામો ન મળ્યા બાદ ઝેલેન્સકીએ આ પગલું ભર્યું છે.
આ હુમલામાં એક ઘરને નુકસાન થયું છે અને એક મહિલા ઘાયલ થઇ છે. જ્યારે મોસ્કોના દક્ષિણમાં સ્થિત તુલા પ્રદેશમાં નોવોમોસ્કોવસ્ક શહેરમાં એક પાવર લાઇન અને એક ઔદ્યોગિક સુવિધાને નુકસાન થયું છે. જ્યારે એક કેમિકલ પ્લાન્ટ અને એક હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટમાં આગ લાગી હતી. જોકે આની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે 47 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા.
રશિયાએ યુક્રેનના ખાર્કિવ પ્રદેશ પર પણ હુમલાઓ કર્યા
જ્યારે બીજી તરફ રશિયાએ યુક્રેનના ખાર્કિવ પ્રદેશ પર પણ હુમલાઓ શરૂ કર્યા હતા. જેમાં છેલ્લા 24 કલાકમાં રશિયન હુમલાઓમાં બે નાગરિકો માર્યા ગયા છે અને સાત અન્ય ઘાયલ થયા છે. રશિયાએ ગાઇડેડ બોમ્બ અને ડ્રોનનો ઉપયોગ કરીને ખાર્કિવ અને આસપાસના 16 વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું હતું કે તેણે 189 રશિયન ડ્રોનમાંથી 174ને અટકાવ્યા હતા.