Fri Jun 26 2026

Logo

ડેનમાર્કની મસ્જિદોમાં અઝાન પર બેનની તૈયારી, મંત્રી બોલ્યા- અમારો દેશ 'પાકિસ્તાન' નથી

Copenhagen   2026-06-26 11:46:00
Author: Mumbai Samachar Team
Article Image

કોપેનહેગન: ડેનમાર્કની ડાબેરી (વામપંથી) સરકારે લાઉડસ્પીકર દ્વારા અઝાન બોલવા પર પ્રતિબંધ મૂકવાની વાત કહી છે. સરકારના મંત્રી મોર્ટન બોડસ્કોવે જણાવ્યું છે કે દેશના કેટલાક વિસ્તારો 'ઇસ્લામાબાદના ઉપનગરો' જેવા લાગે છે. આવી પરિસ્થિતિમાં અમે અઝાન પર કાયદાકીય રીતે પ્રતિબંધ મૂકવા અંગે વિચારણા કરી રહ્યા છીએ. ડેનમાર્ક સરકાર દ્વારા નમાજ પહેલાં અપાતી અઝાન પર રોક લગાવવા પાછળ ઇસ્લામનો પ્રભાવ વધવાની (ઇસ્લામીકરણની) ચિંતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સત્તાધારી સોશિયલ ડેમોક્રેટ્સ પાર્ટી દ્વારા મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ રોકવાનો આ ત્રીજો પ્રયાસ છે.

'ધ ટેલિગ્રાફ'ના અહેવાલ મુજબ, સેન્ટર-લેફ્ટ સોશિયલ ડેમોક્રેટ્સ પાર્ટીના સભ્ય અને સરકારમાં ઇમિગ્રેશન (સ્થળાંતર) મંત્રી મોર્ટન બોડસ્કોવે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે નવી સરકાર અઝાન પર પ્રતિબંધ મૂકવાના કાયદાકીય પાસાઓની ફરીથી તપાસ શરૂ કરશે. તેમણે આ માટેનો પ્લાન તૈયાર કરી લીધો હોવાનો દાવો પણ કર્યો છે. બોડસ્કોવના નેતૃત્વમાં ડેનમાર્કની ઇમિગ્રેશન અને એકીકરણ (Integration) નીતિઓને પણ વધુ કડક બનાવવામાં આવી રહી છે.

ડેનમાર્કમાં અઝાન પર ચર્ચા

ડેનમાર્કમાં અઝાન માટે લાઉડસ્પીકરના ઉપયોગ સામે અગાઉ પણ વિરોધ થઇ ચૂક્યો છે. જો કે, અત્યાર સુધી પ્રતિબંધ જેવા પગલાં લેવામાં નથી આવ્યા. મંત્રી મોર્ટન બોડસ્કોવે હવે અઝાન પર દેશવ્યાપી પ્રતિબંધ મૂકવાની વાત કહી છે. આનાથી ડેનમાર્કમાં ઇમિગ્રેશન (સ્થળાંતર) સંબંધિત ચર્ચા તેજ થઈ ગઈ છે કારણ કે સરકાર કડક એકીકરણ (Integration) નીતિ લાગુ કરવાની દિશામાં આગળ વધી રહી છે.

બોડસ્કોવ અઝાનનો મુદ્દો ઉઠાવનારા ત્રીજા સોશિયલ ડેમોક્રેટિક ઇન્ટિગ્રેશન મિનિસ્ટર (એકીકરણ મંત્રી) છે. જો કે, અઝાન પર પ્રતિબંધનો હાલનો પ્લાન હજી સમીક્ષાના તબક્કામાં છે. આ કોઈ સંપૂર્ણ રીતે તૈયાર થયેલી નીતિ નથી. હાલમાં અધિકારીઓ ડેનમાર્કના ધાર્મિક આચરણ સાથે જોડાયેલા બંધારણીય સંરક્ષણ હેઠળ આવો પ્રતિબંધ કાયદાકીય રીતે શક્ય બનશે કે નહીં એ વાતની તપાસ કરી રહ્યા છે. 

ડેનમાર્કમાં મુસ્લિમ વસ્તી

ડેનમાર્કમાં અવાજ પ્રદૂષણ સંબંધિત સ્થાનિક નિયમોના કારણે કોપનહેગન સહિત કેટલીક જગ્યાઓ પર લાઉડસ્પીકર દ્વારા અઝાન આપવા પર પહેલાથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દેશે તાજેતરના વર્ષોમાં જાહેરમાં ધાર્મિક ઉશ્કેરણી પર પણ કડક નિયંત્રણો લગાવ્યા છે. આમાં 2023નો એ કાયદો પણ સામેલ છે જે ધાર્મિક ગ્રંથોના અપમાનને અટકાવે છે.

યુરોપિયન દેશ ડેનમાર્કની વસ્તી આશરે 60 લાખની છે. ડેનમાર્કની મોટાભાગની વસ્તી ખ્રિસ્તી ધર્મ પાળે છે, પરંતુ તાજેતરના વર્ષોમાં દેશમાં મુસ્લિમોની સંખ્યામાં વધારો થયો છે. ખાસ કરીને ભારત અને પાકિસ્તાનના લોકો ત્યાં મોટી સંખ્યામાં સ્થાયી થયા છે. ડેનમાર્કમાં મુસ્લિમોની અંદાજિત વસ્તી 2,70,000 છે અને દેશમાં આશરે 100 મસ્જિદો આવેલી છે.