અમદાવાદઃ રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં તેની સીધી અસર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે. સુરત, વલસાડ, વાપી, બીલીમોરા, દમણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, વેરાવળ, જૂનાગઢ, રાજકોટ, ઉપલેટા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ મુંબઈમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને વાહનચાલકોએ સાવચેતી રાખવાની સલાહ આપી હતી.
૭ દિવસનું પૂર્વાનુમાન
૨૭ જૂન સુધી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા વગેરે, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ વગેરે તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
૨૭ જૂનથી ૨૮ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે.
૨૮ જૂનથી ૨ જુલાઈના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદી માહોલ વ્યાપક જામશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહિસાગર અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ હળવોથી મધ્યમ વરસાદ યથાવત રહેશે.
અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારની સ્થિતિ
તારીખ ૨૬ જૂનના રોજ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેવાની ખૂબ શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન ૪૧°C ની આસપાસ નોંધાઈ શકે છે.