Fri Jun 26 2026

Logo

પુણે લોહગડ મર્ડર કેસ: કેતન અગરવાલની હત્યા કરવા વાગ્દત્તા સિયાને તેના પ્રેમીએ ઉશ્કેરી હતી

2026-06-26 20:49:41
Author: Mumbai Samachar Team
Article Image

કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની અગરવાલ પરિવારની માગણી રાજ્ય સરકારે સ્વીકારી

પુણે: પુણેમાં રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર તેમ જ ટ્રેકર કેતન અગરવાલની હત્યાના કેસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. કેતનની વાગ્દત્તા સિયા ગોયલના પ્રેમી ચેતન ચૌધરીએ સિયાને કેતનની હત્યા કરવા માટે ઉશ્કેરી હતી, એવો દાવો પોલીસે કર્યો છે. બીજી તરફ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની અને વિશેષ સરકારી વકીલ તરીકે ઉજ્જવલ નિકમની નિયુક્તિ કરવાની અગરવાલ પરિવારની માગણી રાજ્ય સરકારે સ્વીકારી છે.

બંને આરોપીની પૂછપરછમાં એવું સામે આવ્યું હતું કે લોહગડ કિલ્લા પર કેતનની હત્યા કરવા માટે સિયાને ચેતન ચૌધરીએ ઉશ્કેરી હતી. નોંધનીય છે કે સિયા અને ચેતન વચ્ચે પ્રેમસંબંધ હતો અને તેમણે 18 જૂને લોહગડ કિલ્લા પરથી કેતનને ધક્કો માર્યો હતો. કેતન 400 ફીટ ઊંડી ખીણમાં પડતાં તેનું મૃત્યુ થયું હતું.પુણે ગ્રામીણ પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે કિલ્લા પર પહોંચ્યા બાદ સિયાએ ચેતનને સંકેત આપતાં જ તેણે અસાવધ કેતનને ધક્કો માર્યો હતો.

સિયાએ પોલીસને શરૂઆતમાં કહ્યું હતું કે કિલ્લા પર ફોટા પાડતી વખતે પગ લપસવાથી કેતન ખીણમાં પડી ગયો હતો. આથી પોલીસે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી. જોકે તપાસમાં કેતનની હત્યા થયાનો ચોંકાવનારી વાત સામે આવી હતી.

સિયાની માતાએ દાવો કર્યો હતો કે તેની પુત્રી 18 જૂને લોહગડ કિલ્લા પર જવા માટે ખચકાટ અનુભવતી હતી, પરંતુ કેતન અને તેની માતાએ આગ્રહ કર્યો હતો. 17 જૂને સાંજે સિયા અને કેતનની વીડિયો કૉલ પર વાતચીત થઇ હતી, જેમાં કેતને આગ્રહ કર્યો હતો. કેતનની માતાએ પણ સિયા સાથે વાત કરીને આગ્રહ કર્યો હતો. સિયા ટ્રેકિંગ પર જવા માગતી નહોતી, કારણ કે બીજા દિવસે ઘરમાં કાર્યક્રમ હોવાથી તે આરામ કરવા માગતી હતી.

મુખ્ય પ્રધાન કાર્યાલયમાંની યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવવા અને વિશેષ સરકારી વકીલ તરીકે ઉજ્જવલ નિકમની નિયુક્તિ કરવાની અગરવાલ પરિવારની માગણી મુખ્ય પ્રધાને સ્વીકારી છે.

કેતનની ટાલ તેની હત્યાનું કારણ?

સિયા ગોયલ કેતનને લગ્ન માટે સીધેસીધી ના પાડી શકી હતી, છતાં તેણે હત્યા જેવું અંતિમ પગલું કેમ ભર્યું? બંને વચ્ચે દેખીતો અણબનાવ નહોતો, તો સિયાના મનમાં એવો તો શું અણગમો હતો કે તેણે જીવ લેવાનું પસંદ કર્યું? આ અણગમાનું કારણ હવે સામે આવ્યું છે. કેતનની સગાઇ થઇ એ પહેલાથી જ તે પોતાની ટાલ છુપાવવવા માટે વિગ પહેરતો હતો, જે સિયાને પસંદ નહોતું. શું આવી ક્ષુલ્લક બાબતને લઇ કેતનનો જીવ ગયો? સિયાએ દાવો કર્યો હતો કે કેતન વિગ પહેરતો હોવાની જાણ થયા બાદ તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા રહી નહોતી.

દરમિયાન કેતનના પિતા વિશાલ અગરવાલે જણાવ્યું હતું કે કેતન વિગનો નાનો ભાગ પહેરતો હતો એ સાચું છે. સિયા અને તેના પરિવારને સગાઇ પૂર્વે આ વાતની જાણકારી અપાઇ હતી. જો સિયાને તે વિશે વાંધો હોત તો તેણે પહેલાંથી જ લગ્ન માટે ના પાડી દેવી જોઇતી હતી. આટલા કારણસર મારા પુત્રની હત્યા શા માટે કરવી જોઇએ?

તારાથી નહીં થશે, હું જ તેનું કામ તમામ કરું છું

કેતન અગરવાલની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા ચેતન ચૌધરી અને સિયા ગોયલ એકબીજા  પર આરોપ કરી રહ્યા છે. સિયાએ દાવો કર્યો હતો કે હત્યાનું કાવતરું ચેતને જ ઘડ્યું હતું. ચેતને તેને કહ્યું હતું કે તારાનથી થશે એવું લાગતું નથીં, હું જ તેનું કામ તમામ કરું છું. સિયાએ એમ પણ જણાવ્યું હતું કે 14 જૂને પહેલો પ્રયાસ નિષ્ફળ ગયા બાદ ચેતન હતાશ થઇ ગયો હતો. ત્યાર બાદ તેમણે બીજી વાર પ્રયાસ કર્યો હતો. 

બીજી તરફ ચેતને પોલીસને જણાવ્યું હતું કે તેનો અને સિયાનો ભાગી જવાનો પ્લાન હતો. જોકે સિયાએ તેને કહ્યું હતું કે મારો પરિવાર શ્રીમંત છે અને આપણને તેઓ ક્યાંથી પણ શોધી કાઢશે. કેતનની હત્યા એ જ એકમાત્ર માર્ગ છે, એમ સિયાએ કહ્યું હતું.

સિયા અને ચેતનના પ્રેમસંબંધની ભાઇને જાણ હતી?

કેતન અગરવાલ હત્યાકેસમાં પોલીસની નજર હવે સિયાના ભાઇ સાહિલ ગોયલ પર છે. પોલીસે સાહિલની પૂછપરછ પણ કરી હતી અને તેનું નિવેદન નોંધ્યું હતું. પોલીસને શંકા છે કે સિયા અને ચેતન વચ્ચેના પ્રેમસંબંધની સાહિલને જાણ હતી. સાહિલે આ વાત તેના પરિવારજનોને કરી હતી કે નહીં, તેની તપાસ કરવામાં આવી રહી છે. 

દરમિયાન સિયાના પિતા પ્રવીણ ગોયલની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે કેતન અગરવાલના મૃત્યુ અંગે દુ:ખ વ્યક્ત કરીને કહ્યું હતું કે અમારા થનારા જમાઇએ અમને ખૂબ પ્રેમ આપ્યો. 

‘સિયા બીજી સોનમ રઘુવંશી’

મેઘાલય હત્યાકાંડમાં મૃત્યુ પામેલા ઇન્દોરના વેપારી રાજા રઘુવંશીની માતાએ ગુરુવારે પુણેના કેતન અગરવાલ હત્યાકેસની આરોપી સિયા ગોયલની તુલના તેની પુત્રવધૂ સોનમ રઘુવંશી સાથે કરી. 20 વર્ષની સિયાના ચહેરા પર કોઇ પશ્ર્ચાતાપ દેખાતો નથી, તે ‘બીજી સોનમ’ હોવાનું રઘુવંશીની માતાએ જણાવ્યું હતું. ગયા વર્ષે મે મહિનામાં રાજા રઘુવંશીની હત્યાએ દેશભરમાં ચકચાર જગાવી હતી. રાજા રઘુવંશીની મેઘાલયમાં હનીમૂન દરમિયાન હત્યા કરવામાં આવી હતી. પત્ની સોનમે જ પ્રેમી તથા અન્યોની મદદથી હત્યાનું કાવતરું ઘડ્યાનો આરોપ છે.

આરોપીઓને કઠોર સજા થશે એવી ખાતરી 

સિયાના લગ્ન માટે ઉદયપુરમાં પેલેસ બૂક કરાવ્યો હતો અને ચાર્ટર્ડ એરક્રાફ્ટની વ્યવસ્થા કરી હતી, એ વાતનો સિયાના પિતાએ ઇનકાર કરી દીધો હતો. લગ્ન ઉદયપુરમાં જ થવાનાં હતાં. હોટેલ દ્વારા યુગલ દીઠ દિવસના 81 હજાર રૂપિયાનો ખર્ચ કહેવામાં આવ્યો હતો અને 70 રૂમ બૂક કરાવવામાં આવી હતી. લગ્નનો ખર્ચ ત્રણ કરોડ રૂપિયાથી વધુ નહોતો. દરમિયાન રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે પુણેમાં કેતનના પિતાને મળ્યા હતા અને આરોપીઓને કઠોર સજા થશે એવી ખાતરી આપી હતી.