બોડ્ડુ નાગા લક્ષ્મી
2021માં જ્યારે હજી લોકો કોવિડથી થરથરતા હતા, ત્યારે એક પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા હતા. અભિનેતા સોનુ સુદે આંધ્ર પ્રદેશમાં પોતાના ટ્રસ્ટના માધ્યમથી એક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યો હતો. તેનું ઉદ્ઘાટન કોઈ અભિનેતા નહીં, કોઈ નેતા પણ નહીં, પરંતુ એક એવી મહિલાના હાથે કરવામાં આવ્યું હતું જે એક યુટ્યૂબ સ્ટાર હતી.
પણ પ્રેરણાદાયક વાત એ નથી. મહત્ત્વની વાત એ છે કે આ યુટ્યૂબ સ્ટારે પોતાનું પાંચ મહિનાનું પેન્શન સોનુ સુદનાં ટ્રસ્ટને દાન આપ્યું હતું. તેનાથી પણ વધુ આશ્ર્ચર્યજનક વાત એ કે આ યુટ્યૂબ સ્ટાર 95% દૃષ્ટિહીન છે! ઈશ્વરે જેમને બધાં જ અંગો સાબૂત આપ્યા છે, તેમના માટે અપંગતા એક હૃદયદ્રાવક નબળાઈ છે, પરંતુ અનેક વિકલાંગોએ સાબિત કર્યું છે કે પ્રતિભા હોય અને સંઘર્ષ કરવાની તૈયારી હોય તો તેઓ કોઈપણ સક્ષમ વ્યક્તિ સાથે સ્પર્ધા કરી શકે છે. આપણે જેની વાત કરી રહ્યા છીએ તે મહિલાનું નામ છે, બોડ્ડુ નાગા લક્ષ્મી.
પ્રખ્યાત તેલુગુ યુટ્યૂબ સર્જક, આદિ રેડ્ડી ઉર્ફે બોડ્ડુ વેંકટ ઓડી નારાયણ રેડ્ડીની બહેન, જે દૃષ્ટિની ક્ષતિ હોવા છતાં પોતે એક સફળ અને સૌથી પ્રિય તેલુગુ યુટ્યૂબ સર્જક છે. લક્ષ્મી ડાબી આંખમાં સંપૂર્ણપણે દૃષ્ટિહીન થઇ ગઈ છે અને જમણી આંખમાં તેની દૃષ્ટિ માત્ર 5 ટકા જ રહી છે.
બોડ્ડુ નાગા લક્ષ્મી જન્મથી જ દૃષ્ટિની તકલીફથી પીડાતી હતી. ધીમેધીમે તેની દ્રષ્ટિ ઓછી થતી જઈ રહી હતી. તેનો પરિવાર તેના માટે ખૂબ મોટો આધાર હતો. ખાસ કરીને તેનો ભાઈ, આદિ રેડ્ડી હંમેશાં તેને ટેકો આપવા માટે હાજર રહેતો હતો. તેમની માતાનું મૃત્યુ થયાં પછી ઘર ચલાવવાની જવાબદારી લક્ષ્મીના માથે હતી. પિતાની તબિયત પણ સારી નહોતી રહેતી. પોતે પણ દૃષ્ટિની સમસ્યાથી પીડાતી હોવાથી પિતાની સંભાળ રાખવી, ભાઈને આધાર આપવો એ અત્યંત કઠિન કાર્ય હતું. પણ લક્ષ્મીએ જરાય હિંમત હાર્યા વિના આ પડકાર ઝીલી લીધો હતો. બોડ્ડુ નાગા લક્ષ્મી અને તેના ભાઈ આદિ રેડ્ડીએ જીવનમાં સફળતા મેળવતા પહેલા આર્થિક અને માનસિક બંને રીતે સંઘર્ષોનો સામનો કર્યો હતો.
તેનો ભાઈ યુટ્યૂબર બનવા માગતો હતો, જેના માટે તે મહેનત પણ કરી રહ્યો હતો. પણ આ કાર્ય જેટલું દેખાય છે તેટલું સહેલું નહોતું. જ્યાં સુધી તેમાં સફળતા ન મળે ત્યાં સુધી કમાણી ન થાય. તેવા સમયે પણ લક્ષ્મી જ તેનો આધાર બનીને ઊભી રહી હતી. લક્ષ્મીએ 10 વર્ષની નાની ઉંમરથી જ પરિવારનું ગુજરાન ચલાવવા માટે વિવિધ નોકરીઓ કરવાનું શરૂ કરી દીધું હતું. લોકો એવો વિચાર કરે કે એક દિવ્યાંગને મદદની જરૂર પડે, તેવા સમયે આ દિવ્યાંગ દીકરી પરિવારનો આધારસ્તંભ બનીને ઊભી રહી હતી તેના ભાઈની યુટ્યૂબ કારકિર્દી 2018 માં શરૂ થઈ જ્યારે તે બિગ બોસ તેલુગુ સમીક્ષાઓ, મૂવી સમીક્ષાઓ કરવા અને વર્ચ્યુઅલ ક્રિકેટમાં સફળ થવાની પદ્ધતિઓ વિશે માહિતી ફેલાવવા માટે લોકપ્રિય બન્યો. ભાઈની સફળતાને લક્ષ્મીએ નજીકથી જોઈ હતી. એટલે તેણે પણ પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું. તેની પાસે એકમાત્ર કળા હતી, તે હતી રસોઈ કળા. પણ એક દૃષ્ટિહીન વ્યક્તિ માટે યુટ્યૂબર બનવું કેવી રીતે શક્ય બને? કોણ તેને જુએ? એવો વિચાર સ્વાભાવિક છે. પણ લક્ષ્મીને પોતાની પ્રતિભા પર એટલો ભરોસો હતો કે તેણે પોતાનામાં ખોટા વિચારો આવવા જ ન દીધા.
તેના વીડિયોની ખાસિયત તેની સરળતા છે. તે લોકોને કોઈપણ વાનગી ખૂબ જ સરળ રીતે કેવી રીતે બનાવવી તે શીખવે છે, નેલ્લોર પપ્પુ ચારુ (આંધ્ર રાંધણકળામાંથી એક સરળ દાળની વાનગી) અને રાગી પુટ્ટુ (રાગીના લોટ અને નારિયેળમાંથી બનેલી પૌષ્ટિક વાનગી, પુટ્ટુ અથવા સ્ટીમરમાં રાંધવામાં આવે છે) જેવી જટિલ વાનગી પણ. તેની શીખવવાની સરળતા, તેની સાદગી અને સાથે વાનગી બનાવવાની સાવ સરળ રીતે લોકોના દિલ એવા જીતી લીધા છે કે તેની દૃષ્ટિહિનતા તરફ લોકોનું ધ્યાન સુધ્ધાં નથી જતું. તેના ભાઈના લગ્ન પછી પોતાની ભાભીને પણ તેણે પોતાની સાથે પોતાની ચેનલમાં સામેલ કરી. આજે તેમની ચેનલના 3 કરોડ વ્યૂઅર્સ થઇ ગયા છે અને તેની ચેનલના 2.5 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે, જે તેની રસોઈ શૈલી અને સરળતાના ચાહક છે.
બોડ્ડુ નાગા લક્ષ્મીની સૌથી પ્રેરણાદાયક વાત એ છે કે પોતે દિવ્યાંગ છે તેના રોદણાં રડીને, સમાજના દાન અને મદદના આધારે જીવન ગાળવાની વૃત્તિ નથી રાખી, પણ પોતાની પ્રતિભા અને મહેનતના જોરે પોતાના જીવનનું સર્જન કર્યું અને સફળતા મેળવી છે. ઊલટું બોડ્ડુ નાગા લક્ષ્મી પોતે પરોપકાર કરવામાં માને છે અને સતત સામાજિક કાર્ય કરી રહી છે. તેમણે પોતાના પેન્શનના પાંચ મહિના કોરોના રાહત વિતરણ માટે દાનમાં આપ્યા હતા. તેણે પોતાની યુટ્યૂબ ચેનલની આવક પણ દાનમાં આપી હતી, જેમાંથી 25000 સોનુ સૂદ ફાઉન્ડેશનને ઓક્સિજન પ્લાન્ટના નિર્માણ માટે અને 25000 મુખ્યમંત્રી રાહત ભંડોળમાં આપ્યા હતા.
તેના જીવનનું હવે એકમાત્ર લક્ષ્ય વધુને વધુ લોકોના હૃદયને સ્પર્શ કરવાનું અને તેમના જીવનને વધુ સારું બનાવવામાં મદદ કરવાનું છે.