Mon Jun 01 2026

Logo

આ યુવાન માત્ર 3 મહિનામાં 6 લાખ કઈ રીતે કમાયો?

2026-04-05 09:37:58
Author: રાહુલ વેગડા
Article Image

ટૂકું ને ટચ - રાહુલ વેગડા

કહેવાય છે કે ‘મન હોય તો માળવે જવાય’, પણ ભાવનગરના એક 21 વર્ષીય યુવાને આ કહેવતને થોડી સુધારીને સાબિત કરી દીધું છે કે ‘મન હોય તો ગુજરાતમાં પણ કાશ્મીર ઉગાડી શકાય!’ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામના આર્ટ્સ ગ્રેજ્યુએટ યુવાન જયપાલ પંડ્યાએ પરંપરાગત ખેતીના ચીલાને ચાતરીને ખેતી ક્ષેત્રે એક અનોખી ક્રાંતિ સર્જી છે. 

આજની પેઢી જ્યારે સોશ્યલ મીડિયાનો ઉપયોગ મનોરંજન માટે કરે છે, ત્યારે જયપાલે તેનો ઉપયોગ જ્ઞાન મેળવવા માટે કર્યો. સોશ્યલ મીડિયા પર કેસરની ખેતીનો એક વીડિયો જોયા બાદ તેમના મનમાં જિજ્ઞાસા જાગી. માત્ર વીડિયો જોઈને બેસી રહેવાને બદલે, તેઓ સીધા કાશ્મીરના પેમ્પોર પહોંચ્યા અને ત્યાં કેસરની ખેતીની પદ્ધતિસરની તાલીમ લીધી.

તેમણે એરોપોનિક ટેક્નોલોજી (માટી અને પાણી વગરની ખેતી) અપનાવીને કૃત્રિમ રીતે કાશ્મીર જેવું વાતાવરણ ઊભું કર્યું અને જંતુનાશક દવાઓના ઉપયોગ વગર શુદ્ધ કેસરનું ઉત્પાદન મેળવ્યું. પિતાના સહયોગ અને પોતાની સખત મહેનતથી તેમણે માત્ર 3 મહિનામાં 6 લાખ રૂપિયાની માતબર કમાણી કરી છે.  ભાવનગરના પ્રથમ કેસર ઉત્પાદક બનીને જયપાલભાઈ આજે અનેક શિક્ષિત યુવાનો માટે આધુનિક અને નફાકારક ખેતીનો નવો રાહ ચીંધી રહ્યા છે. ભાવનગરના આ લાલની સિદ્ધિ ખરેખર ગુજરાતના કૃષિ જગત માટે ગૌરવ સમાન છે.