શ્રીલેખા યાજ્ઞિક
ગરમીમાં શાકભાજી એક તો મોંઘા મળે. વળી શાકમાં વિવિધતા ઓછી જોવા મળતી હોય છે. તેમાં વળી કારેલાં કે દૂધી જેવાં શાક કુટુંબના મોટાભાગના સભ્યોને પસંદ ના પડતાં હોય. આવા સંજોગોમાં ટીંડાનો શાક તરીકે ઉપયોગ રસોઈની શાન તથા સ્વાદ વધારી દેવામાં અવ્વલ નંબર ધરાવે છે. ટીંડાની ગણના પૌષ્ટિક્તાથી લથબથ શાકમાં કરવામાં થાય છે.
ટીંડામાં ઍન્ટિઓક્સિડન્ટના ગુણો સમાયેલાં છે. ફાઈબર, કૈરાટિનૉયડ, વિટામિન સી, આયર્ન, પોટેશ્યિમ વગેરે સમાયેલાં હોય છે. જેને કારણે ટીંડાને સુપર ફૂડ ગણવામાં આવે છે. ટીંડાનું ફળ વેલમાં થાય છે. ટીંડાના વેલ-પાન કાકડીના પાન આકારના જ જોવા મળે છે. તેની વેલમાં પીળા રંગના ફૂલ જોવા મળે છે. ફળ ઈંડા આકારનું હોય છે. 6થી 10 સેમી વ્યાસનું સફેદ કે લીલા રંગનું જોવા મળે છે. અંદરનો માવો મુલાયમ રસદાર હોય છે. તેને અંગ્રેજીમાં બેબી પંપકીન કે ઍપ્પલ ગૉર્ડ કહેવામાં આવે છે.
આયુર્વેદમાં એવું જણાવવામાં આવ્યું છે કે ટીંડાનો ઉપયોગ આહારમાં કરવાથી બુદ્ધિને સતેજ કરવામાં મદદ મળે છે. શરીરની કમજોરી દૂર કરવામાં મદદ કરે છે. ગરમીમાં સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે. કેમ કે 94 ટકા પાણીનો ભાગ ટીંડામાં સમાયેલો હોય છે. દક્ષિણ એશિયામાં તેનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. દેશી ટીંડાનો પાક ભારતમાં ઉત્તર ભારત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા તથા ઉત્તર પ્રદેશનો સમાવેશ કરવામાં આવે છે. જ્યાં ફેબ્રુઆરીથી માર્ચ માસમાં તેનો મબલખ પાક જોવા મળે છે.
મધ્ય ભારતની વાત કરીએ તો મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રનો સમાવેશ કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં સ્થાનીય મોસમ સારું રહે તો જાન્યુઆરીના અંતમાં તથા ફેબ્રુઆરીમાં ટીંડાની ખેતી કરવામાં આવે છે. ખેડૂત માટે ટીંડાની ખેતી લાભકારી પાક ગણાય છે, બસ તેના માટે મોસમ, માટી, પાણી તથા બજારની માગને ધ્યાનમાં રાખીને વાવણી કરવી આવશ્યક છે. 35-40 દિવસમાં પાક તૈયાર થાય છે. પ્રથમ પાક 50-60 કિલો પ્રતિ એકર પાક તૈયાર થાય તો પૂર્ણ ખેતરમાં 3000 થી 4000 કિલોનું ઉત્પાદન મેળવી શકાય છે. કિલોના 35-50ની આસપાસ મળી રહે છે. પ્રતિ એકર 3-4 લાખનું વેચાણ થઈ શકે છે.
ટીંડાના સ્વાસ્થ્યવર્ધક લાભ
હાઈ બ્લડપ્રેશરને નિયંત્રણમાં લાવવામાં લાભકારી : હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ટીંડાના શાકનું સેવન કે તેના જ્યૂસનું સેવન કરવાથી ઉચ્ચ રક્તચાપને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. કૉલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે.
વજનને નિયંત્રણમાં રાખવામાં લાભકારી: ટીંડામાં કૅલરીની માત્રા બહુ ઓછી હોય છે. તેથી તેનો ઉપયોગ શાક બનાવીને કરવાથી શરીરને આવશ્યક પોષક તત્ત્વો મળી રહે છે. વળી વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. તેમાં ફાઈબરની માત્રા વધુ હોય છે. જેથી તેનું સેવન ર્ક્યા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જે વજનને ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.
હૃદયના સ્વાસ્થ્યને જાળવવામાં ફાયદાકારક : હૃદયનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નિયમિત રીતે ટીંડાનું સેવન કરવું આવશ્યક છે. હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે તેવું ઈચ્છતી વ્યક્તિએ કૉલેસ્ટ્રોલ તથા સોડિયમની માત્રા વધુ હોય તેવો ખોરાક ટાળવો અતિઆવશ્યક ગણાય છે. ટીંડામાં કૉલેસ્ટ્રોલ ની માત્રા નહીવત હોય છે. વળી ટીંડામાં રહેલું પોટેશ્યિમ ઈલેક્ટ્રોલાઈટસ્ને સંતુલિત કરે છે જેને કારણે હૃદયનું કામકાજ સારી રીતે થવામાં મદદ મળે છે.
કિડનીને ડીટોક્સીફાય કરવામાં ગુણકારી: ટીંડાનો આહારમાં નિયમિત ઉપયોગ કરવાથી કિડનીમાં જમા થયેલ વિષાક્ત પદાર્થ સરળતાથી બહાર નીકળી જવામાં મદદ મળે છે. ટીંડાનો રસ પીવાથી પેશાબ અટકી અટકીને આવવાની કે કુદરતી હાજતે જવાની તેમ જ મસાને કારણે લોહી નીકળવાની તકલીફમાં રાહતદાયક ગણાય છે.
આંખો માટે ગુણકારી: ટીંડાનું સેવન આંખોની તંદુરસ્તી જાળવી રાખવામાં મદદ કરે છે. કેમ કે ટીંડામાં વિટામિન એની માત્રા સમાયેલી જોવા મળે છે. નિષ્ણાતો દ્વારા એવું વાંરવાર જણાવવામાં આવે છે કે વિટામિન એનું સેવન કરવાથી આંખોની તંદુરસ્તી જાળવી રાખવામાં મદદ મળે છે.
ત્વચાને ચમકીલી તથા વાળને ઘટ્ટ બનાવવામાં લાભકારી : ટીંડામાં સમાયેલું ઍન્ટિ ઓક્સિડન્ટ તત્ત્વ ફ્રી રેડિકલ્સથી લડવાની શક્તિ વધારે છે. જેને કારણે ત્વચાની તંદુરસ્તી જળવાઈ રહે છે. ટીંડામાં રહેલું ઝિંક તથા વિટામિન સી સહિત અન્ય વિટામિન તથા ખનીજ ત્વચાની ચમક તથા વાળની મજબૂતાઈ જાળવી રાખવામાં મદદ કરે છે. તેમજ ત્વચાનું મુલાયમપણું જાળવી રાખવામાં મદદરૂપ બને છે. ચહેરા ઉપર દેખાંતા બ્લૅકહેડસ્ની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. ત્વચા સંબંધિત અનેક વિકારોને દૂર કરવામાં મદદ કરી શકે છે.
પાચન સંબંધિત પ્રશ્નોને દૂર કરવામાં લાભકારી: ટીંડામાં ભરપૂર માત્રામાં ફાઈબર સમાયેલું હોય છે. જેથી તેનું સેવન કરવાથી મળ ત્યાગની તકલીફથી છુટકારો મેળવી શકાય છે. વળી તેમાં 94 ટકા પાણીની માત્રા સમાયેલી હોય છે. જેને કારણે પાચન તંત્રને હાઈડ્રેટ રાખવામાં મદદ મળે છે. તેનો સૂપ કે તેનું શાક બનાવીને આહારમાં નિયમિત સમાવેશ કરવાથી પાચનક્રિયામાં સુધારો જોવા મળે છે.
ડાયાબિટીસની વ્યાધિમાં ગુણકારી : ટીંડાનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે. જેનો અર્થ એવો કરી શકાય કે તેનું સેવન કરવાથી રક્ત શર્કરામાં અચાનક વૃદ્ધિ થતી નથી. ટીંડામાં રહેલું ફાઈબર શર્કરાના અવશોષણને ધીમું કરી દે છે. આમ ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ગુણકારી શાક ગણાવી શકાય.
રોગપ્રતિરોધક ક્ષમતા વધારે છે : ટીંડામાં વિટામિન સી તથા ઍન્ટિ-ઑક્સિડન્ટનું પ્રમાણ જોવા મળે છે. જે રોગપ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરવામાં ઉપયોગી ગણાય છે. શરીરને બહારી સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે. મોસમમાં બદલાવ થાય તેવા સમયે બહારના ચટપટા વ્યંજનોનું સેવન કરવાને બદલે સાત્ત્વિક ટીંડાનો ઉપયોગ આહારમાં કરવો હિતાવહ ગણાય છે.
હાડકાંની તંદુરસ્તી જાળવવામાં લાભકારી: ટીંડામાં કૅલ્શ્યિમ તથા મેગ્નેશ્યિમનું પ્રમાણ સમાયેલું હોય છે. જે હાડકાંને મજબૂત બનાવવા માટેના અગત્યના ઘટક ગણાય છે. ઓસ્ટિયોપોરોસિસ જેવી બિમારીથી બચવામાં મદદ કરે છે. ટીંડામાં સમાયેલું કૅલ્શ્યિમ તથ્ાા મેગ્નેશ્યિમના સર્વ લાભ મેળવવા માટે ટીંડાને દૂધ તથા સૂકામેવાનો ઉપયોગ કરીને હલવા કે ખીર જેવું બનાવીને ખાવું ઉત્તમ ગણાશે.
ટીંડામાંથી વિવિધ વાનગી બનાવી શકીએ છીએ : જેંમ કે ટીંડાનું શાક, ટીંડાનું ભરેલું શાક, ટીંડાનો સૂપ, ટીંડાનું રાયતું, ટીંડાની ખીર વગેરે બનાવી શકાય છે.
ભરેલાં ટીંડાનું શાક
સામગ્રી: 500 ગ્રામ મધ્યમ કદના કુણા નાના ટીંડા, 2 મોટી ચમચી ઘી, મસાલો બનાવવા માટે : 3 ચમચી ધાણાજીરું પાઉડર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી શેકેલો ચણાનો લોટ, સ્વાદાનુસાર મીઠું, ચપટી હિંગ, ચપટી હળદર, 1 નાની ચમચી આમચૂર પાઉડર, 1 મધ્યમ ચમચી દળેલી ખાંડ. 1 વાટકી દહીં, 2 નંગ લીલા મરચાં ઝીંણા સમારેલાં, 1 ચમચી આદુંની કતરણ, 1 ચમચી વાટેલાં આદું મરચાં. વઘાર માટે જીરું, વરિયાળી, અજમો, હિંગ.
બનાવવાની રીત : સૌ પ્રથમ ટીંડાને બરાબર સાફ કરીને છોલી લેવાં. ત્યારબાદ તેનો મધ્યમાં રહેલો કડક ભાગ કાઢી લેવો. તેમાં ચાર કાપ મૂકવાં. ઉપરથી મીઠું લગાવીને 5-10 મિનિટ રાખવા. ધાણાજીરું, શેકેલો ચણાનો લોટ, લાલ મરચું, આમચૂર, ખાંડ, હિંગ, સ્વાદાનુસાર મીઠું તથા 1 ચમચી તેલ ભેળવીને મસાલો તૈયાર કરવો .
ટીંડામાં ભરવો. હવે એક કડાઈમાં 1 ચમચી તેલ તથા 1 મોટી ચમચી ઘી મૂકવું. તેમાં હિંગ ભેળવવી. જીરું, વરિયાળી, અજમો, હિંગ ભેળવીને બરાબર ભેળવવું. ત્યારબાદ તેમાં એક 1 કપ દહીંમાં 1 ચમચી ચણાનો લોટ ભેળવીને તેમાં સ્વાદાનુસાર મીઠું તથા ખાંડ ભેળવવા. તેને કડાઈમાં ઉમેરવું. બરાબર એકરસ કરી લેવું. જેથી દહીં ફાટી જશે નહીં. તેમાં ભરેલાં ટીંડા ગોઠવવા. ઉપરથી થોડો વધેલો મસાલો છાંટવો. આદુંંની કતરણ ભેળવવી. ધીમી આંચ ઉપર 10 મિનિટ પકાવવું. શાક બરાબર ગળી જાય ત્યાર બાદ ટીંડાના ભેરલાં સ્વાદિષ્ટ શાકને ગરમાગરમ રોટલી કે ભાખરી સાથે પીરસવું.