Mon May 25 2026

Logo

આરોગ્ય એક્સપ્રેસઃ હાડકાને કનડતી સમસ્યા... એવસ્ક્યુલર નેક્રોસિસ

2026-03-31 09:28:00
Author: Rajesh Yagnik
Article Image

રાજેશ યાજ્ઞિક


આપણે સહુ જાણીએ છીએ કે મનુષ્યનું શરીર મુખ્યત્વે હાડકાંઓનું માળખું છે. જે રીતે કોઈપણ ઇમારત કેટલી ટકશે તેનો આધાર તેનું માળખું જેને ઇંગ્લિશમાં સ્ટ્રક્ચર કહીએ છીએ, તે કેટલું મજબૂત છે તેના પર આધાર રાખે છે. આ જ રીતે આપણું શરીર પણ હાડકાંઓનું માળખું ધરાવે છે. તેની મજબૂતી ઉપર આપણા શરીરના ટકવાનો ઘણો મોટો આધાર રહેલો છે. હાડકાઓને થતાં કોઈપણ નુકસાનની આપણા શરીર પર ગંભીર અસર પડે છે. હાડકાને કનડતી આવી જ એક સમસ્યા છે : એવસ્ક્યુલર નેક્રોસિસ (Avascular Necrosis - AVN)
 

એવસ્ક્યુલર નેક્રોસિસ (AVN), જેને ઓસ્ટિઓનેક્રોસિસ અથવા હાડકાનો સડો પણ કહેવામાં આવે છે તે એક ગંભીર સ્થિતિ છે, જેમાં રક્ત પુરવઠાના અભાવે અથવા અવરોધને કારણે હાડકાની પેશીઓ મૃત્યુ પામે છે. વિસ્થાપિત સાંધા અથવા તૂટેલા હાડકા હાડકાના એક ભાગમાં રક્ત પ્રવાહને અવરોધી શકે છે. જ્યારે તમારા હાડકાની પેશીઓને પૂરતું લોહી મળતું નથી ત્યારે તે મરી જાય છે. સારવાર વિના આ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. જેથી મૃત હાડકા આખરે તૂટી જાય છે અથવા ક્ષીણ થઈ જાય છે.


આ રોગ તમારા શરીરના કોઈપણ હાડકાને અસર કરી શકે છે, પરંતુ તે મોટાભાગે તમારા જાંઘના હાડકાના ઉપલા અને નીચલા ભાગો અથવા છેડા (ઉપલા ભાગમાં તમારા હિપનો સમાવેશ થાય છે, અને નીચેના ભાગમાં તમારા ઘૂંટણનો સમાવેશ થાય છે)ને અસર કરે છે. ઉપરાંત તે તમારા હાથના ઉપરના ભાગના હાડકાના છેડા અને તમારા ખભાને વધુ અસર કરે છે.


આપણા હાડપિંજર તંત્રને મૃત પેશીઓને બદલે સ્વસ્થ પેશીઓ બનાવવા માટે સતત રક્ત પ્રવાહની જરૂર હોય છે. રક્ત પ્રવાહ વિના, ઝડપથી નવી હાડકાની પેશીઓ ઉત્પન્ન થઇ શકતી નથી. એવીએનને આઘાતજનક અથવા બિન-આઘાતજનક એવસ્ક્યુલર નેક્રોસિસ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આઘાતજનક એવીએન ત્યારે થાય છે જ્યારે આપણું હાડકું તૂટી જાય અથવા સાંધા ખસી જાય. હિપ ફ્રેક્ચર અથવા ડિસલોકેશન એક સામાન્ય કારણ છે.


શામાટે આપણે આ સમસ્યા વિશે વાત કરી રહ્યા છીએ? કારણકે એવી ઘણી આરોગ્ય સમસ્યાઓ છે, જેની સાથે આ સમસ્યા ઊભી થઇ શકે છે. હાડકાની સમસ્યાઓમાં સામાન્ય રીતે શરૂઆતમાં જ્યારે દુખાવો ઓછો હોય ત્યારે આપણે તેને ઘણીવાર ઘરગથ્થુ ઉપચારોથી નિવારવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ જો લાંબો સમય સુધી સમસ્યાનું સમાધાન ન થાય તો કોઈ ગંભીર વિકૃતિ નથી ને? તેની તપાસ કરાવી લેવી જોઈએ.


AVN તરફ દોરી શકે તેવી તબીબી પરિસ્થિતિઓ અથવા સારવારમાં શામેલ છે, રક્ત વિકૃતિઓ જેમ કે સિકલ સેલ એનિમિયા, એચઆઇવી, લ્યુપસ, રેડિયેશન થેરાપી જેવી કેન્સરની સારવાર અને અંગ પ્રત્યારોપણની દવા, જેમ કે કોર્ટીકોસ્ટેરોઇડ્સ જે તમારા શરીરને પ્રત્યારોપણ કરાયેલ અંગને નકારવાથી અટકાવે છે વગેરે.


વધારે પડતું મદ્યપાન કરનારાઓને પણ આ સમસ્યા થઇ શકે છે તેવું નિષ્ણાતો કહે છે. હાડકાની ઘનતા વધારવા માટેની દવાઓનો લાંબા ગાળાનો ઉપયોગ જડબાના ઓસ્ટિઓનેક્રોસિસના (જે એક દુર્લભ સમસ્યા છે) વિકાસમાં ફાળો આપી શકે છે.

લક્ષણો શું હોય છે?

AVNનાં લક્ષણો તરત દેખાતા નથી. પણ ધીમેધીમે અઠવાડિયા કે મહિનાઓમાં વિકસે છે. જ્યારે તમે તમારા હાડકા પર વજન આવવા દો છો અથવા દબાણ કરો છો ત્યારે દુખાવો થવો, હાથ કે પગને વાળવાનો કે સીધા કરવાનો પ્રયાસ કરતી વખતે દુખાવો, સીડી ચઢવામાં, ઊભા રહેવામાં કે ચાલવામાં મુશ્કેલી થવી વગેરે સામાન્યપણે જોવા મળતાં લક્ષણો છે.


આ સમસ્યાનું નિદાન કરવા માટે એક્સરે, સીટી સ્કેન, એમઆરઆઈ, ન્યુક્લિયર ઇમેજિંગ ટેકનીક, બાયોપ્સી જેવી અનેક પદ્ધતિઓનો ઉપયોગ નિદાનો કરે છે. સમસ્યા કેવી છે અને કેટલી ગંભીર છે તેનું નિદાન કરીને તબીબો દવા દ્વારા અથવા સર્જરી દ્વારા તેનો ઈલાજ કરવાની સલાહ આપી શકે છે. આ બીમારીનું જોખમ ઘટાડવા શરાબ કે ધૂમ્રપાનની આદત છોડવી જોઈએ.


કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. જો કોઈ રોગના ઈલાજ માટે સ્ટીરોઈડનો ઉપયોગ કરવો પડતો હોય તો તેના ઉપયોગ પર નજર રાખવી અગત્યની છે.