Sat Sep 05 2026

Logo

ગૉડમૅન અશોક ખરાત કેસ: રૂપાલી ચાકણકરને એસઆઇટી સમક્ષ હાજર કરવાની અંજલિ દમાણિયાની માગણી

2026-04-15 18:49:00
Author: Yogesh D. Patel
ગૉડમૅન અશોક ખરાત કેસ: રૂપાલી ચાકણકરને એસઆઇટી સમક્ષ હાજર કરવાની અંજલિ દમાણિયાની માગણી

મુંબઈ: સ્વઘોષિત ગૉડમૅન તથા જાતીય સતામણીના કેસોના આરોપી અશોક ખરાતના મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગનાં ભૂતપૂર્વ અધ્યક્ષા રૂપાલી ચાકણકર સાથેના કથિત સંબંધો અંગે રૂપાલી ચાકણકરની તપાસકર્તા અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવે એવી માગણી કાર્યકર્તા અંજલિ દમાણિયાએ બુધવારે કરી હતી.

રાજ્ય સરકારે અશોક ખરાત સામેના આરોપોની તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરી છે. અંજલિ દમાણિયાએ જણાવ્યું હતું કે ‘મારી પાસે કૉલ રેકોર્ડની વિગતો છે જે દર્શાવે છે કે રૂપાલી ચાકણકરે અશોક ખરાતને 177 કૉલ કર્યા હતા, જેમાં એક જ દિવસમાં 22 મિનિટની વાતચીતનો સમાવેશ છે. આ કેસમાં તેમની પૂછપરછ કરવી જરૂરી છે. એક મહિના પછી પણ તેમને સમન્સ મોકલવામાં આવ્યા નથી. હું એસઆઇટી સમક્ષ માગ કરીશ કે તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવે.’

પત્રકાર પરિષદને સંબોધતાં અંજલિ દમાણિયાએ અશોક ખરાત અને અનેક રાજકારણીઓ તેમ જ સરકારી અધિકારીઓ વચ્ચે કથિત રીતે થયેલી ફોન પર વાતચીતની યાદી જાહેર કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ખરાતના ઉદયને ચોક્કસ રાજકારણીઓ અને અધિકારીઓ દ્વારા મદદ મળી હતી. કેટલાક રાજકારણીઓએ માત્ર (ભવિષ્યવાણી) આગાહીઓ માટે ખરાતનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ અમુક તો ચોક્કસ હેતુઓ માટે ગયા હતા, એવો દાવો દમાણિયાએ કર્યો હતો.

દમાણિયાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે ખરાતની પત્ની કલ્પના ખરાત પર નજર રાખવામાં પોલીસ નિષ્ફળ ગઇ, જે હવે ફરાર છે. તેમણે આ બાબતને ‘મીડિયા ટ્રાયલ’ ગણાવવા બદલ ચાકણકરની ટીકા કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે મારા કબજામાં રહેલા કૉલ ડૅટાની સંપૂર્ણ તપાસ જરૂરી છે. પોલીસે સોમવારે રૂપાલી ચાકણકરની બહેન પ્રતિભા ચાકણકરની ખરાત દ્વારા તેમના બૅંક ખાતાના કથિત ઉપયોગના સંદર્ભમાં પછપરછ કરી હતી. (પીટીઆઇ)