જૂઈ પાર્થ
ક્યારેય એકલા પુરુષોનું નગર જોયું છે? ધારો કે દુનિયામાં સ્ત્રીઓનું અસ્તિત્વ જ ના હોય તો શું થાય? સ્ત્રીઓ વિનાનું જીવન ગમે ખરું? સહજીવનમાં ભલેને જેની સાથે ગમે એટલું ના ફાવે, માથાકૂટો થાય, લડાઈ- ઝગડા થાય, પણ એ ઘરમાં ના હોય તો બિલકુલ ના ચાલે - એ સ્ત્રી! ભારતીય સંસ્કૃતિમાં દેવી, માતા, પત્ની અને દીકરી તરીકે સ્ત્રીઓનાં વિવિધ રૂપ પૂજાય છે. પણ હવેનાં સમયમાં શું સ્ત્રીઓને પૂજવાની જરૂર છે કે પછી?
જેમ સ્ત્રી અને પુરુષ બે અલગ જાતિ છે તેમ એ બંનેનાં કાર્યક્ષેત્ર પણ અલગ ગણાય છે. સમય બદલાતાં સ્ત્રીઓ પુરુષ સમોવડી કે કોઈ ઠેકાણે એમનાં કરતાં પણ આગળ જોવા મળે છે.
અહીં વાત સ્ત્રી પુરુષની તુલનાની નથી. વાત છે સ્ત્રીઓનાં સમાન અધિકારની, દરજ્જાની. જ્યાં હક્ક આવે ત્યાં ફરજ પહેલાં આવે. આજકાલ સ્ત્રીઓને અનુલક્ષી અમુક શબ્દો ખૂબ પ્રચલિત થયા છે, જેમકે ફેમિનિસમ, વીમેન્ઝ રાઈટ્સ, જેન્ડર ઈક્વાલીટી વગેરે. આ બધાં જ શબ્દોનો એક જ અવાજ છે જે છે સ્ત્રી સશક્તીકરણ. જો તે પુરુષ સમોવડી હોય તો તેનાં માન-મોભો, ગમો-અણગમો, વિચારોની મૌલિકતા, સમાજમાં સ્થાન, ઘરમાં તેનાં મંતવ્યો, નોકરીની સમાનતા વગેરેને તેનાં હક્ક તરીકે સ્વીકારી તેને મળવા જોઈએ. આવી બધી ચર્ચાઓ સમાજમાં ઠેર ઠેર અને એ પણ અવિરત ચાલતી હોય છે. પહેલાનાં સમયની તુલનામાં સ્ત્રી સશક્તીકરણ થયું પણ છે. તેમ છતાં આજેય સ્ત્રીને અબળા તરીકે કેમ જોવામાં આવે એ છે?
સમગ્ર વિશ્વમાં 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે કોઈ જગ્યાએ મહિલાઓનું સન્માન થાય તો કયાંક તેમનાં માનમાં મનોરંજનનાં વિવિધ કાર્યક્રમો યોજાય. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું આટલું બધું મહત્ત્વ કેમ છે? કહેવાય છે કે પહેલાંના સમયમાં સ્ત્રીઓને પુરુષોની સરખામણીએ ઊતરતી ગણવામાં આવતી. પુરુષ કમાય, ઘર ચલાવે માટે તેને વધુ માન અને મહત્ત્વ મળતું. એટલી હદે કે સ્ત્રીઓને પોતાની મૂળભૂત જરૂરીયાતો વિષે વિચારવાની ના તો સૂઝ પડતી કે ના કંઈ માંગવાની હિમ્મત થતી. એમ લાગતું કે જાણે તે પરવશ થઈને જીવતી. કામકાજે હોંશિયાર હોવા છતાં સ્ત્રી અને પુરુષનાં હક્કમાં ઘણું અંતર રહેતું. સહનશીલતાની મૂર્તિ એવી સ્ત્રીને જેમ જેમ સમાજનું આ અસંતુલન અસહ્ય લાગ્યું તેમ તેમ દરેક દિશામાંથી અવાજ ઊઠવા લાગ્યો.
અને આ અવાજ વિશ્વ સુધી પહોંચાડવા માટે એક દિવસ નક્કી થયો 8 માર્ચ કે જે દિવસે સમગ્ર વિશ્વમાં સ્ત્રીત્વની ઊજવણી કરવામાં આવે છે.
હાલનાં સમયમાં પહેલા કરતાં પરિસ્થિતિ ખૂબ જ બદલાઈ છે. સમાજમાં, ઘરમાં સ્ત્રીનું સ્થાન બદલાયું છે. સમાન હક્કની સાથે તેઓને સ્વમાન અધિકાર પણ મળે છે. દીકરાની મનાતી ફરજો હવે દીકરીઓ પણ નિભાવે છે. પહેલાં જેવા કડક નિયમો નથી, રોક ટોક પહેલા કરતાં ઓછી છે, તે પોતાના નિર્ણયો જાતે લઈ શકે એટલી સક્ષમ તો કદાચ પહેલા પણ હશે, પરંતુ હવે તે તેને અમલમાં મૂકી શકે છે. પોતે કમાય, ઘરમાં આર્થિક જવાબદારી લે, શોખ પૂરા કરે, વિચાર અને વાણી સ્વાતંત્ર્ય ભોગવે, ભણે- ગણે, મુક્ત બની વિહરે આ છે અત્યારની નારી. જે પોતાની જાતને ઓળખી પોતાની જાતને વધુ પ્રેમ કરે છે, મનનું ધાર્યું કરે છે. તે કેવી લાગે છેનો જવાબ પતિ કે પરિવાર નહિં પણ આયના પાસેથી લે છે.
જીવન સાર્થક ત્યારે થાય છે જ્યારે આહારની જેમ મન, વચન અને કર્મનું સંતુલન હોય. અતિ સર્વત્ર વર્જયેત ની જેમ માત્ર સ્વતંત્રતા સ્વચ્છંદિતામાં પરિણમે છે. આમ સ્ત્રી હોય કે પુરુષ, જીવનમાં લાગણી, સ્વાતંત્ર્ય અને જવાબદારીનું સંતુલન લાવી શકે તો ભવ સુધરી જાય છે.
બધું જોતા કહી શકાય કે અત્યારની નારી અબળા નહીં પણ સબળા છે. એને દેવી તરીકે પૂજવાની નહીં પણ સદેહ સ્વતંત્ર વ્યક્તિ તરીકે સ્વીકારવાની જરૂર છે. એ એકલી નહીં પણ એક હજારા છે. નારી તરીકેનો જન્મ અને એના માનમાં ઉજવાતા નારી દિવસ વિશે બોલો,
તમે શું કહો છો?