- પ્રફુલ શાહ
અગાધ ઊંડા અને ભયંકર અંધારિયા સમુદ્રમાં અગણિત રહસ્યમય જીવો છે. એમની જીવનશૈલી સહિતની વિશિષ્ટતાઓ તદ્દન કલ્પનાતીત છે. આવો એક જીવ એટલે એન્ગ્લરફિશ (Anglerfish). આ માછલીને ઘણીવાર વિશ્વના સૌથી ભયાનક દેખાતા સમુદ્રી જીવોમાંની એક માનવામાં આવે છે, પરંતુ તે માનવ માટે સામાન્ય રીતે ખતરનાક નથી કારણ કે તે અત્યંત ઊંડા સમુદ્રમાં રહે છે. આથી મનુષ્ય તેનાથી સલામત બચી જાય છે. મોટાભાગની એન્ગ્લરફિશમાં માત્ર માદા જ મોટી હોય છે.નર ઘણીવાર ખૂબ નાનો હોય છે.
કલ્પનામાં ન આવે કે એન્ગ્લરફિશ કેવી રીતે દેખાતી હશે. હોલિવૂડની ફિલ્મ ‘ફાઈન્ડિંગ મેમો’માં માર્લિન અને ડોરીને ડરાવતું ડરામણું, ચમકતું માછલું એટલે એન્ગ્લરફિશ.
એન્ગ્લરફિશ પૃથ્વીના સૌથી અંધારા અને દબાણભર્યા વિસ્તારોમાં રહે છે કે જ્યાં સૂર્યપ્રકાશ લગભગ નથી પહોંચતો. ક્યારેક તો આ માછલી 3,000 મીટરથી પણ વધારે ઊંડાઈએ જોવા મળે છે. ઊંડા સમુદ્રમાં ખોરાક ખૂબ ઓછો મળે છે. આથી લાંબા સમય સુધી એન્ગ્લરફિશ ભૂખી રહી શકે છે. તેઓ ધીમા મેટાબોલિઝમ સાથે શક્તિ એટલે તાકાત બચાવે છે.
દુનિયાનું સૌથી કાળું ચામડું આ માછલીનું હોય છે. કેટલીક એન્ગ્લરફિશ પ્રજાતિનું ચામડું એટલું કાળું હોય છે કે તે 99%થી વધુ પ્રકાશ શોષી લે છે.
અત્યંત વિચિત્ર અને રહસ્યમય ઊંડા સમુદ્રમાં રહેતી માછલી એન્ગ્લરફિશનું નામ તેના શિકાર કરવાની પદ્ધતિ પરથી પડ્યું છે. આ માછલીના માથા પર એક લાંબું ડંડા જેવું અંગ હોય છે. પરંતુ મહત્ત્વની બાબત એ છે કે માથા પરના લાંબા ડંડાના છેડે પ્રકાશ ઉત્પન્ન કરતું ‘ચારો’ (માછલી પકડવા કે પ્રાણીઓને ફસાવવા માટે વપરાતો ચારો) હોય છે. શિકાર આ પ્રકાશથી આકર્ષાઈને નજીક આવે, પછી એન્ગ્લરફિશ તેને પકડીને ઓહિયા કરી જાય છે. રસપ્રદ જાણવા લાયક હકીકત એ છે કે માથા પર દેખાતો પ્રકાશ એન્ગ્લરફિશ ખુદ નથી બનાવતી. તેના ‘ચારા’માં રહેતા વિશેષ બેક્ટેરિયા જૈવપ્રકાશ (Bioluminescence) બનાવે છે. આ એક પ્રકારે સહજીવન (symbiosis) છે, જેમાં બંનેને ફાયદો થાય છે.
આ માછલી અતિશય ભયાનક શિકારી છે. મોઢાની રચના એવી છે કે તે પોતાના શરીર જેટલા મોટા શિકારને પણ ગળી શકે છે. તેના દાંત અંદર તરફ વળેલા હોય છે એટલે એકવાર શિકાર અંદર ગયો પછી ક્યારેય બહાર આવી શકતો નથી.
અતિ ઊંડા સમુદ્રનો આ રહસ્યમય જીવ સામાન્ય રીતે સમુદ્રની 200થી 2000મીટર કે તેથી વધુ ઊંડાઈમાં રહે છે પણ આ એન્ગ્લરફિશ વધુ માની ન શકાય એવી વિચિત્રતા ધરાવે છે.