હેન્રી શાસ્ત્રી
એક ચેહરે સે કઈ પૈસે કમા લેતે હૈં લોગ
ફેશન કે ટાપટીપ માટેની ‘એક નૂર આદમી, હજાર નૂર કપડાં’ કહેવત તમે જાણતા હશો. જોકે, અજબ દુનિયાના ગજબ દેશ એવા ચીનના જુવાનિયાઓમાં પૈસા કમાવવાનો આજકાલ જે વાયરો ચાલી રહ્યો છે એ જોઈ ‘એક નૂર આદમી, હજાર નૂર બિઝનેસ’ એવી નવી કહેવત બનાવવી પડે એમ છે.
ચીનમાં ફેસ લાઈસન્સિંગનો એક નવોનક્કોર બિઝનેસ ફૂલ્યોફાલ્યો છે. અગાઉ જેનો ક્યારેય વિચાર સુદ્ધાં કોઈને નહીં આવ્યો હોય એવા બિઝનેસ આઈડિયા આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના જમાનામાં જોવા મળી રહ્યા છે.
સરકાર સંચાલિત અખબાર ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ના અહેવાલ અનુસારચીનમાં નવા નવા ડિજિટલ પ્લેટફોર્મ આવી રહ્યા છે, જ્યાં એક્ટિંગના અભરખા ધરાવતા લોકો રજીસ્ટ્રેશન અને આઈડી વેરિફિકેશન કરાવી ડિજિટલ એક્ટરનો પ્રોફાઈલ તૈયાર કરાવે છે. આ થઈ ગયા પછી શોર્ટ ડ્રામા, ગેમ્સ અને એડવર્ટાઈઝમેન્ટ બનાવનારાઓને ચહેરો ભાડા પર આપે છે. ચહેરો વાપરવા દેવાની રકમ (ઓથોરાઈઝેશન ફી) 50 યુઆન (700 રૂપિયા)થી શરૂ કરી 99 હજાર 999 યુઆન (આશરે 14 લાખ 25 હજાર રૂપિયા) જેટલી હોય છે.
આ બિઝનેસ સામાન્ય માનવીની પહોંચમાં આવી ગયો છે અને મામૂલી પગારની નોકરી કરતા બૅન્ક કર્મચારીએ ત્રણ દિવસમાં સાતેક વાર ‘ફેસ સેલિંગ’થી 2500 યુઆન (આશરે 35 હજાર રૂપિયા) કમાઈ લીધાના રિપોર્ટ છે. અલબત્ત, ભાડે આપેલો ચહેરો ક્યાં વાપરવો ને ક્યાં નહીં એ દરેક વ્યક્તિ નક્કી કરી શકે છે. ચેન નામની વ્યક્તિ ચહેરો એક વાર વાપરવા માટે 1400 રૂપિયાની ફી લે છે, પણ એની શરત હોય છે કે એનો ચહેરો કેવળ પારિવારિક અને રોમેન્ટિક વીડિયોમાં જ વાપરવાનો, હોરર કે એડલ્ટ ક્ધટેન્ટમાં નહીં. આમ આદમીનું એક્ટર બનવાનું સપનું પૂરું કરતા આ વ્યવસાયના ભવિષ્ય વિશે હજી પાકી શ્રદ્ધા નથી બંધાણી.
કંચનની ચોરી, કથીરનું વળતર
‘એરણની ચોરી ને સોયનું દાન‘ ગુજરાતીની અત્યંત માર્મિક કહેવત છે. ‘એરણ’ (લુહારનું લોખંડનું મોટું અને ભારે સાધન) કિંમતી અને મોટી વસ્તુ છે, જ્યારે સોય ખૂબ નાની અને સસ્તી વસ્તુ છે. કોઈ વ્યક્તિ બહુ મોટી ચોરી કે અન્યાય કરી સમાજમાં પોતાને દયાળુ દર્શાવવા નાની સોય જેટલું દાન કરે ત્યારે આ કહેવત વપરાય છે. રિયાલિટી ટેલિવિઝનથી વિશ્વવિખ્યાત બનેલી અમેરિકન મીડિયા પર્સનાલિટી કિમ કાર્ડેશિયનનો કેસ જાણ્યા પછી કંચનની ચોરી, કથીરનું વળતર એવી કહેવત બનાવવાની ઈચ્છા થાય.
બન્યું એવું કે 10 વર્ષ પહેલા, ચોક્કસપણે કહીએ તો ઓક્ટોબર 2016માં પેરિસ ફેશન વીક વખતે પોલીસના વેશમાં લૂંટારુઓ હૉટેલમાં કિમકાર્ડેશિયનના રૂમમાં ઘૂસીને તેને મુશ્કેટાટ બાંધી આશરે 60 લાખ ડૉલરની કિંમતના દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા. આ મોટો ખેલો ગ્રાન્ડપા રોબર્સ તરીકે ઓળખાતી ટોળકી કરી ગઈ હતી. ફ્રાન્સમાં આ ટોળકી ‘દાદા લૂંટારુ’ઓ તરીકે ઓળખાય છે, કારણ કે તેમાં મોટાભાગની વ્યક્તિ 60-70 વર્ષની હોય છે. આઘાત પામેલી કિમ અદાલતના પગથિયાં ચડી. દસ વર્ષ પછી તાજેતરમાં પેરિસની અદાલતે સશસ્ત્ર લૂંટ કેસમાં કિમકાર્ડેશિયનને વળતરરૂપે માત્ર એક યુરો (110 રૂપિયા) ચૂકવવાનો આદેશ આપ્યો છે.
આટલું વાંચીને ચોંકી ગયા હો તો જાણી લો કે મીડિયા પર્સનાલિટીએ પોતે જ વળતર તરીકે માત્ર આ સાંકેતિક રકમની માગણી અદાલત સમક્ષ કરી હતી. લૂંટ વખતે હાજર તેની સ્ટાઈલિસ્ટને પણ એક યુરો વળતર પેટે મળ્યો છે. કિમએ નિવેદન આપ્યું છે કે ‘આ નિર્ણય વળતર મેળવવા માટે નથી, પરંતુ જવાબદારી નક્કી કરવા અને ગુનાની સ્વીકૃતિ માટે છે.’ આ ઘટનાથી માનસિક આઘાતમાં સરી પડેલા હૉટેલના તે સમયના રિસેપ્શનિસ્ટને એક લાખ નવ હજાર 516 યુરો અને હૉટેલને 50 હજાર યુરો ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે.
ગામની નામચીન ભાગીદારી
ભાગીદાર ને ભાગીદારી લગ્ન જીવનમાં, સામાજિક જીવનમાં અને વ્યવસાયિક જીવનમાં પણ હોય. જોકે, નામમાં ભાગીદારીની વાત જાણ્યા પછી અજબ દુનિયાની ગજબ વાત એમ જ કહેવું પડે.રાજસ્થાનના કેટલાક ગામના અટપટા નામ જાણ્યા પછી હસવું રોકી નહીં શકાય. રાજસ્થાન એટલે રેતાળ રણ, મહેલ, કિલ્લા અને ઘુમરનું સ્મરણ થાય. જોકે, રાજ્યના અમુક ગામના નામ વાંચી એના વિશે જાણ્યા પછી આવા નામ કેમ પડ્યા હશે એ જાણવાની ઈચ્છા થાય છે. મેળા માટે વિખ્યાત પુષ્કર વિધાનસભા ક્ષેત્રમાં ‘ઝૂઠોં કી ઢાણી’ નામનું ગામ છે.
આ નામ જોઈ જ્યાં જૂઠ ધાણીની જેમ ધડાધડ ફૂટવા લાગે એવી જગ્યા એવી અટકળ બાંધો તો સાવ ખોટા નહીં પડો. ઢાણી એટલે ઝૂંપડીના સમૂહનું ગામ. વર્ષો પહેલા ગામના લોકોના અનેક જૂઠાણાં પકડાઈ ગયા હતા અને ત્યારથી આ નામથી ઓળખાય છે. રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં 44 ગામ એવા છે જે ‘પાર્ટનર ગાંવ’ (ભાગીદાર ગામ) તરીકે જાણીતા છે.
મતલબ કે આ ગામના નામ એકબીજાના પાર્ટનર-ભાગીદાર જેવા છે. દેવર-દેવરી, ભીલવાડા-ભીલવાડી, ખેરખેડા- ખેરખેડી, બડબેલા-બડબેલી, બાંસખેડા-બાંસખેડી વગેરે જાણીતા ઉદાહરણ છે. આપણા દેશમાં ઘણા રેલવે સ્ટેશનના નામ અજીબોગરીબ છે અને રાજસ્થાન પણ એમાંથી બાકાત નથી. રાજ્યના જોધપુર જિલ્લાના એક રેલવે સ્ટેશનનું નામ ‘સાલી’ છે તો ઉદયપુર જિલ્લાના એક સ્ટેશનનું નામ ‘નાના’ છે. આ બંને ગામમાં અનુક્રમે સાળીઓ અને નાના (મમ્મીના પપ્પા)ની બહુમતી છે કે કેમ એ વિશે ફોડ પાડવામાં નથી આવ્યો.
સસ્તું ભાડું ને મબલક પાકની જાત્રા
માનવ સમાજમાં ચાડિયો એટલે ચાડી ખાનારો માણસ, ચાડી ચુગલી કરનારો માણસ, ચુગલીખોર એવા અર્થ પ્રચલિત છે. જોકે, કૃષિ સમાજમાં આ જ શબ્દ ખેતરના પાકનું રક્ષણ કરવા પંખી વગેરેને બિવરાવવા માટે ઊભો કરેલો માણસ જેવો આકાર એવો અર્થ પ્રચલિત છે. માનવ સમાજનો ચાડિયો નુકસાનકર્તા છે, જ્યારે કૃષિ સમાજનો ચાડિયો લાભકર્તા છે. તાજેતરમાં મધ્ય પ્રદેશના એક ખેડૂતને ચાડિયાએ આર્થિક સમૃદ્ધિ બક્ષી છે.
દેશી જુગાડનું એક વધુ મજેદાર ઉદાહરણ જાણવા મળ્યું છે. ખેડૂતની ફળદ્રુપ જમીનમાં સારો પાક થતો હતો, પણ ચુન ચુન કરતી આઈ ચીડિયા અને ખિસકોલીઓ પોતાના પેટ ભરવા ઊભા પાકને અમુક અંશે ખેદાન મેદાન કરી નાખતી હતી. આ ત્રાસથી બચવા ખેડૂત કેમિકલ્સ વાપરવા તૈયાર નહોતો, કારણ કે એનાથી સ્વાસ્થ્ય અને પર્યાવરણ એમ બંનેને નુકસાન થાય. એટલે પાકનું રક્ષણ કરવા ચાડિયાનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.
જોકે, એમાં પણ દિમાગ વાપરી પરંપરાગત ચાડિયાની બદલે રબરનો સાપ વાપરવાનો અફલાતૂન આઈડિયા એને આવ્યો. ભાઈ તો બજારમાં ઉપડ્યા અને આઠ દસ રબરના સાપ ખરીદ્યા. ખેતરમાં અલગ અલગ જગ્યાએ ગોઠવી દીધા. આ ઈલાજ રામબાણ સાબિત થયો, કારણ કે પક્ષી અને ખિસકોલી માટે સાપ એક શિકારી હોવાથી એનાથી આઘા રહેવાનું જ પસંદ કરે.
રબરના સાપ દૂરથી અસલી જેવા દેખાતા પક્ષી-ખિસકોલીએ ફરકવાનું બંધ કરી દીધું. મામૂલી ખર્ચ કરતા મબલક પાક થયો અને ખેડૂત માટે અઢળક ખુશી લઈ આવ્યો. કેમિકલ ફ્રી, કોઈ વિષારી દવા નહીં, વીજળીનો પણ વપરાશ નહીં. નજીવા ખર્ચે નકલી (રબરના) સાપ ખરીદી અસલી સાપનો ભ્રમ ઊભો કરી લીલાલહેર કરવાની.
લ્યો કરો વાત
દાનમાં આપેલો લોટો કોઈ પૂજામાં વાપરે તો કોઈ હાજતે જવા માટે પણ વાપરે. જેવી જેની સમજણ. યુએસની ‘હાર્વર્ડ મેડિકલ સ્કૂલ’ તેના ભૂતપૂર્વ મોર્ગ મેનેજરએ મૃતદેહોના અંગોની ચોરી કરીને બ્લેક માર્કેટમાં વેચવાના મામલે નોંધાયેલા મુકદ્દમાઓના સમાધાન માટે 53 મિલિયન (અંદાજે ₹440 કરોડથી વધુ) ચૂકવવા તૈયાર થઈ છે. સંશોધન અને શિક્ષણ માટે પોતાના સ્વજનોના અંગો દાન કરનારા પરિવારોને આ વળતર આપવામાં આવશે.
વળતર ચૂકવવા ઉપરાંત, હાર્વર્ડના ડીન દ્વારા પરિવારોની માફી માગતું સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. હાર્વર્ડ મોર્ગ (મૃતદેહ સાચવવાનું શબઘર)ના ભૂતપૂર્વ મેનેજર સેડ્રિક લોજને આ કૌભાંડ બદલ આઠ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સેડ્રિક લોજ મેડિકલ રિસર્ચ માટે દાનમાં આવેલા મૃતદેહોમાંથી મગજ, ચામડી, હાથ અને ચહેરા જેવા અંગો અંતિમ સંસ્કાર પહેલાં ચોરી એનું બ્લેક માર્કેટમાં વેચાણ કરતો હતો. આ ‘ધંધા’માં સેડ્રિકની પત્ની સક્રિયપણે મદદ કરતી હતી, બોલો...